National

હિમાચલમાં સુખવિંદરની સરકાર, મુકેશ અગ્નિહોત્રી નાયબ મુખ્યમંત્રી

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) કોંગ્રેસની (Congress) નવી સરકારે શપથ લીધા છે. સુખવિન્દર સિંહે શિમલાના રિજ મેદાનમાં આયોજિત શપથવિધિ સમારોહમાં હિમાચલ પ્રદેશના 15માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં. તે જ સમયે મુકેશ અગ્નિહોત્રીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં. જણાવી દઈએ કે સુખવિંદર સિંહે અગાઉ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી બનવા અંગે હાઈકમાન્ડ જે નિર્ણય લેશે તે બધાને સ્વીકાર્ય હશે. કોંગ્રેસ હાઈકમાન્ડે તેમના પ્રત્યે વિશ્વાસ દાખવ્યો અને તેઓ હિમાચલ પ્રદેશના સીએમ બની ગયા. સુખુના શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, પ્રતિભા સિંહ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

જણાવી દઈએ કે પ્રતિભા સિંહનું નામ પણ સીએમ પદની રેસમાં હતું. પરંતુ સીએમ પદ માટે સુખવિંદરનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હતું. જો કે આજે સીએમ તરીકે શપથ લેતા પહેલા સુખવિંદર સિંહ તેમને મળવા માટે પ્રતિભા સિંહના ઘરે પહોંચ્યા હતા. આ પછી પ્રતિભા સિંહ પણ શપથ ગ્રહણ સમારોહના મંચ પર પહોંચ્યા હતા. શપથ લેતા પહેલા તેમણે કહ્યું હતું કે સુખવિંદર સિંહ સાથે કોઈ મતભેદ નથી. કોંગ્રેસ પાર્ટી બધાને સાથે લઈને ચાલે છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કોંગ્રેસ સરકારની રચના પર કહ્યું કે કોંગ્રેસ માટે આ ખુશીનો દિવસ છે. દેવભૂમિથી કેન્દ્રને સંદેશ મોકલવામાં આવ્યો છે કે કેન્દ્ર અને હિમાચલ પ્રદેશની વિચારસરણી અલગ છે. ચૂંટણીમાં જોરદાર મુકાબલો થયો છે પરંતુ જીત કોંગ્રેસની થઈ છે. અમે અમારી જવાબદારીથી વાકેફ છીએ. એક સામાન્ય પરિવારમાંથી આવતા કાર્યકર સુખવિંદર આજે મુખ્યમંત્રી બની રહ્યા છે. તેમને જનતા અને ધારાસભ્યોનું સમર્થન પણ છે. આ સત્તા પરિવર્તન નથી, વિચાર પરિવર્તન છે.

જયારે બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસની સરકાર બનવા પર ખુશી વ્યક્ત કરી છે. શપથ લેતા પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શિમલામાં કહ્યું કે પ્રદેશ અધ્યક્ષ, નેતાઓ અને તમામ કાર્યકર્તાઓએ એક થઈને આ લડાઈ લડી અને જીતી. આ જનતાની જીત છે. એક પછી એક તમામ કામ થશે. આ કોઈ એક વ્યક્તિની જીત નથી, બધાએ સાથે મળીને કામ કર્યું અને આ પરિણામ છે.

Most Popular

To Top