National

દિલ્હીમાં ધોધમાર વરસાદ: દિલ્હી એરપોર્ટ પર 70 ફ્લાઇટ્સ મોડી પડી, 5ને ડાયવર્ટ કરાઈ

નવી દિલ્હી: દિલ્હી(Delhi)-NCRના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગાજવીજ સાથે વરસાદ(RainFall) પડી રહ્યો છે. જેના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી ઘણી રાહત મળી છે. હવામાન વિભાગે આજે દિલ્હીમાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી હતી. જોરદાર પવન અને વરસાદને કારણે લુટિયન્સ દિલ્હીમાં ઘણી જગ્યાએ વૃક્ષો તૂટી પડ્યા હતા. જેના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. રાજધાનીમાં ત્રાટકેલા વાવાઝોડાને કારણે દિલ્હી એરપોર્ટ પર ઓછામાં ઓછી પાંચ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી, જ્યારે 70 ફ્લાઇટ્સ મોડી પડી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, વાવાઝોડાના કારણે ઓછામાં ઓછી 40 ફ્લાઇટ્સને પ્રસ્થાનમાં અને 30ને આગમનમાં વિલંબ થયો હતો. તેમ જ ઓછામાં ઓછી પાંચ ફ્લાઇટને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. આ બાબતે નિવેદન માટે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરતી જીએમઆર ગ્રુપની આગેવાની હેઠળની દિલ્હી એરપોર્ટ ઇન્ટરનેશનલ લિમિટેડનો સંપર્ક કરતાં તેઓએ કોઈ નિવેદન આપ્યું ન હતું.

દિલ્હીમાં ચોમાસું 25 જુન સુધીમાં આવશે
દિલ્હી ઉપરાંત ગાઝિયાબાદ, નોઈડા, ગ્રેટર નોઈડા વગેરે આસપાસના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે. રવિવારે સાંજે પણ દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદવરસ્યો હતો. આ વખતે ચોમાસું ત્રણ દિવસ પહેલા જ કેરળ પહોંચી ગયું છે.  આગામી કેટલાક દિવસો માટે, બિહાર, ઝારખંડ અને ઓડિશા સહિત ઘણા રાજ્યોમાં ધૂળની આંધી થઈ શકે છે. આ સિવાય યુપી, ઉત્તરાખંડમાં પણ બે દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

કાળઝાળ ગરમીમાંથી રાહત મળી
ત્યારે આ વખતે દિલ્હીમાં આકરી ગરમી પડી રહી છે. આ વખતે રાજધાનીમાં મહત્તમ તાપમાન 49 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન કેટલાક દિવસોથી ભારે હીટવેવની સ્થિતિ રહી હતી. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી પાટનગરમાં તાપમાનનો પારો પાંચથી સાત ડિગ્રી સુધી નીચે આવી ગયો છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે ચોમાસું 25 જૂન સુધીમાં દિલ્હીમાં પ્રવેશ કરી શકે છે. દિલ્હીનાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ, દક્ષિણ-પશ્ચિમ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે. પ્રાદેશિક હવામાન આગાહી કેન્દ્રે જણાવ્યું કે રોહતક, ભિવાની, ચરખી, દાદરી, માતનહેલ, ઝજ્જર, ફારુખનગર, કોસલી, સોહાના, રેવાડી, પલવલ, બાવલ, નૂહ, ઔરંગાબાદ, હોડલ (હરિયાણા) સિકંદર રાવ, હાથરસમાં પણ હળવાથી મધ્યમ તીવ્રતા નોંધાઈ છે. ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે.

Most Popular

To Top