Dakshin Gujarat

ભરૂચ-નર્મદા જિલ્લામાં બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

અંકલેશ્વર: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની (Heavy Rain) આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે ભરૂચ, નર્મદા, જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. 5 જુલાઇના રોજ ભરૂચ, નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.જ્યારે બુધવારે વડોદરા, નર્મદા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યારે NDRF ટીમ બચાવની કામગીરી માટે લાઈવબોય, લાઈવ જેકેટ, રબ્બરની બોટ તેમજ વૃક્ષો કાપવાના કટિંગ મશીનો સહિતના સાધનો સાથે સજ્જ થઈ છે.

જંબુસરમાં એક, હાંસોટ-આમોદમાં અડધો ઈંચ, અન્ય તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા
ભરૂચ: ભરૂચ જિલ્લામાં શનિવારે સાંજથી સોમવાર સાંજ સુધી જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી હતી. 24 કલાકમાં સૌથી વધુ જંબુસર તાલુકામાં એક ઇંચ વરસાદ પડતા વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. અન્ય તાલુકામાં ઝાપતાં પડ્યા હતા. ભરૂચ જિલ્લો કોટન બેલ્ટ તરીકે પ્રખ્યાત છે. વરસાદી ઝાપટા પડતા ખેડૂતો રોકડીયો પાક કપાસ વાવેતર કરવા બનાવવા માટે કામે લાગી ગયા છે. ભરૂચ જિલ્લાના પૂર્વભાગ એવા સાતપુડા વિસ્તારના કેચમેન્ટ વિસ્તારમાં નદી,નાળા,કોતરો અને તળાવોમાં પાણી ભરાવા માંડ્યા છે.

તાલુકો – વરસાદ

  • જંબુસર – ૨૬ મીમી
  • હાંસોટ – ૧૭ મીમી
  • આમોદ – ૧૪ મીમી
  • અંકલેશ્વર – ૮ મીમી
  • વાલિયા – ૬ મીમી
  • ભરૂચ – ૩ મીમી
  • ઝઘડિયા – ૩ મીમી

બારડોલીમાં વરસાદને કારણે તરણકુંડની દીવાલ ધસી પડી
બારડોલી: બારડોલીમાં સોમવારે સવારે 6 થી સાંજે 6 વાગ્યે પૂરા થતાં 12 કલાક દરમ્યાન 25 મીમી (એક ઇંચ) જેટલો વરસાદ નોંધાયો હતો. જે પૈકી બપોરે 12 થી 2 વાગ્યા દરમ્યાન બે કલાકમાં જ 18 મીમી જેટલો વરસાદ થયો હતો. છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદને કારણે ખેડૂતોએ પણ રાહત અનુભવી છે. સોમવારના રોજ પડેલા વરસાદને કારણે તલાવડી નજીક આવેલા મુકુલ કલાર્થી તરણકુંડની દીવાલ ધસી પડી હતી. જે તરણકુંડના અંદરના ભાગે પડી હતી. જોકે જે તે સમયે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી સદનસીબે જાનહાનિ ટળી હતી. 24 કલાકમાં પણ એક ઈંચ વરસાદ નોંધાયો હતો.

વાલોડમાં એક ઈંચ, તાપી જિલ્લાના અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ
વ્યારા: તાપી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વાલોડમાં ૨૨મીમી અને સૌથી ઓછો સોનગઢમાં એક મીમી વરસાદ નોંધાયો હતો. વરસાદ પડતાં આકાશી ખેતી કરતા ખેડૂતોમાં રાહત થઈ છે. ઉચ્છલમાં ૧૨ મીમી, ડોલવણમાં ૦૨ મીમી, વ્યારામાં ૧૦ મીમી, વાલોડમાં ૨૨મીમી સોનગઢમાં ૦૧ મીમી તેમજ કુકરમુંડા અને નિઝરમાં ૦૩ મીમી વરસાદ નોંધાયો હતો. ઉકાઈ ડેમની સપાટી ૩૧૫.૫૪ ફુટ નોંધાઇ છે. જ્યારે પાણીની આવક ૧ હજાર સામે પાણીની જાવક પણ ૧ હજાર રાખવામાં આવી હતી.

Most Popular

To Top