Madhya Gujarat

જૂન મહિનો અપૂરતા વરસાદ સાથે પુરો થયો, હવે જુલાઇના વરસાદ પર ઘણો આધાર છે

જૂન મહિનો પુરો થયો છે અને જુલાઇ શરૂ થઇ ગયો છે ત્યારે દેશમાં ચોમાસાનું એક મિશ્ર અને સાથે કંઇક ચિંતાજનક ચિત્ર ઉભુ થઇ રહ્યું છે. આ વખતે નૈઋત્યનું ચોમાસુ શરૂ થતા પહેલા ભારતીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે  દેશમાં ચોમાસુ આ વખતે સામાન્ય રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ કેરળમાં ચોમાસુ વહેલુ તો શરૂ થઇ ગયું પરંતુ બાદમાં તેની આગેકૂચ ધીમી પડી ગઇ. મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં જૂનમાં વરસાદ નોંધપાત્ર રીતે  ઓછો રહ્યો છે. આપણા ગુજરાતની વાત કરીએ તો સમગ્ર જૂન મહિનામાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને બાદ કરતા ખૂબ ઓછો વરસાદ થયો. જૂન મહિનાના છેક છેલ્લા દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વ્યવસ્થિત  વરસાદ થયો. બીજી જુલાઇએ હવામાન વિભાગે જારી કરેલી માહિતી મુજબ ગુજરાતમાં તે તારીખ સુધી આ વર્ષના ચોમાસામાં ૩૭ ટકા ઓછો વરસાદ થયો હતો. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ સ્થિતિ સારી નથી ત્યાં પણ તે તારીખે  વરસાદની પચ્ચીસ ટકા ઘટ હતી.

હાલ બીજી જુલાઇના રોજ હવામાન વિભાગે જાહેરાત કરી કે નૈઋત્યનું ચોમાસુ દેશના તમામ વિસ્તારોમાં પહોંચી ગયું છે, સામાન્ય તારીખ કરતા છ દિવસ વહેલું તે સમગ્ર દેશને આવરી ગયું છે. પરંતુ આ સાથે જ તેણે ખેતી માટે જ્યાં  વરસાદનું ખૂબ મહત્વ છે તેવા વિસ્તારોમાં અપૂરતો વરસાદ થયો હોવાની પણ માહિતી આપી છે. ચોમાસુ આ વખતે ૨૯ મેના રોજ, એટલે કે પહેલી જૂનની સામાન્ય તારીખથી ત્રણ દિવસ પહેલા કેરળમાં બેસી ગયું હતું. હવે નૈઋત્યના  ચોમાસાએ ગત શનિવારે સમગ્ર દેશને આવરી લીધો છે, જે ૮ જુલાઇની સામાન્ય તારીખ કરતા છ દિવસ વહેલું છે એમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે.

પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો, જયાં હજી સુધી ચોમાસુ  વરસાદ થયો ન હતો, ત્યાં પણ શુક્રવારે પ્રથમ વરસાદ થયો હતો. અલબત્ત, શનિવારની સ્થિતિ મુજબ દેશમાં વરસાદની પાંચ ટકા ઘટ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજસ્થાન સિવાયના મોન્સૂન કોર ઝોનમાં આવતા  તમામ રાજ્યોમાં અત્યાર સુધી અપૂરતો વરસાદ થયો છે. મોન્સૂન કોર ઝોનમાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ઓડિશાનો સમાવેશ થાય છે જેઓ વરસાદ આધારિત ખેતી પ્રદેશો છે. ગુજરાતમાં બીજી જુલાઇ  સુધી લાંબા ગાળાની સરેરાશ(એલપીએ) કરતા ૩૭ ટકા ઓછો વરસાદ થયો છે, જેના પછી ઓડિશામાં ૩૪ ટકા ઘટ છે, મહારાષ્ટ્રમાં ૨૫ ટકા, છત્તીસગઢમાં ૨૫ ટકા અને મધ્ય પ્રદેશમાં ૧૫ ટકા ઘટ છે.

જો કે રાજસ્થાનમાં લાંબા ગાળાની  સરેરાશ કરતા ૩૩ ટકા વધુ વરસાદ થયો છે. રાજસ્થાનમાં આમ પણ વરસાદ ઓછો થાય છે અને ત્યાં લાંબા ગાળાની સરેરાશ સ્વાભાવિકપણે ઓછી છે અને આ સરેરાશથી ત્યાં આ વખતે આશ્ચર્યજનક રીતે ૩૩ ટકા વધુ વરસાદ  ચોમાસાની શરૂઆતના દિવસોમાં જ થઇ ગયો છે. ઇશાન ભારતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે અને ત્યાં તો આસામમાં ભયંકર પૂરની સ્થિતિ પણ સર્જાઇ છે. દેશમાં બીજી જુલાઇ સુધીમાં વરસાદની કુલ એકંદર ઘટ  પાંચ ટકા જ જણાતી હતી તે એટલા માટે કે અમુક વિસ્તારોમાં ખૂબ વધારે પડતો વરસાદ થયો છે જેને કારણે કુલ એકંદર સરેરાશ વધી ગઇ છે, મોન્સુન કોર ઝોનમાં વરસાદ નોંધપાત્ર રીતે ઓછો છે તે બાબત ધ્યાનમાં રાખવાની જરૂર  છે.

જૂન મહિનો તો એકંદરે ઓછા વરસાદ સાથે પુરો થયો છે. જુલાઇ મહિનાની શરૂઆત ગુજરાત અને તેની આજુબાજુના પ્રદેશોમાં સારા વરસાદ સાથે થઇ છે અને હવામાન વિભાગે જુલાઇ મહિના માટે વરસાદ સામાન્ય રહેવાની આગાહી  કરી છે. હવામાન વિભાગે જુલાઇ માટે જારી કરેલી આગાહી મુજબ આ મહિનામાં દેશમાં લાંબા ગાળાની સરેરાશના ૯૪થી ૧૦૬ ટકા જેટલો વરસાદ થઇ શકે છે, જે સામાન્ય છે. જુલાઇ માટે દેશની લાંબા ગાળાની સરેરાશ ૨૮૦.૪ મિમિ  છે. હવે જુલાઇ મહિનામાં વરસાદની ચાલ કેવી રહે છે તે જોવાનું રહે છે.

જૂનના અપૂરતા વરસાદ પછી જુલાઇ મહિનાનો વરસાદ ખૂબ મહત્વનો બની રહેશે. જુલાઇ અને ઓગસ્ટમાં જો પુરતો વરસાદ નહીં થાય, ખાસ કરીને મોન્સૂન  કોર ઝોનમાં તે બાબત દેશના લોકો માટે વધુ મુશ્કેલીઓ નોંતરનારી બની રહેશે. આમ પણ, દેશ કોવિડના રોગચાળા પહેલાથી આર્થિક મંદીનો સામનો કરવા માંડ્યો હતો, રોગચાળાએ સ્થિતિ વધુ વકરાવી, રોગચાળો કંઇક શમતા  આર્થિક રિકવરી શરૂ થઇ ત્યાં યુક્રેન યુદ્ધ આવી ચડ્યું અને મોંધવારી ભારે વકરી અને હવે આ ચોમાસામાં જો અપૂરતો વરસાદ થાય તો તે બાબત દેશના લોકોની મુશ્કેલીઓમાં ઓર વધારો કરી શકે છે.

Most Popular

To Top