National

બિહારમાં ગરમીએ 11 વર્ષનો રેકોર્ડ તોડ્યો, પટના સહિત 5 જિલ્લા આગામી 24 કલાક માટે એલર્ટ

બિહાર: યુપી બિહારમાં (UP-Bihar) ગરમીએ છેલ્લા 11 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. બિહારના 35 જિલ્લાઓ આકરી ગરમીની ચપેટમાં છે અને જિલ્લા વહીવટીતંત્ર લોકોને હીટસ્ટ્રોકથી બચવા સાવચેતી રાખવા અપીલ કરી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પટના સહિત 5 જિલ્લામાં આગામી 24 કલાક માટે હીટવેવ માટે એલર્ટ કરવામાં આવ્યા છે.

  • યુપી બિહારમા 20 જૂનથી ચોમાસું સક્રિય થવાની ધારણા
  • રાજ્યમાં ખાનગી અને સરકારી શાળાઓમાં ઉનાળુ વેકેશન 24 જૂન સુધી લંબાવવામાં આવ્યું

બિહારમાં હીટવેવની આગાહીના કારણે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું હતું જેના કારણે જિલ્લા સ્તરે ચેતવણી જાહેરી કરવામાં આવી હતી. આ અંતર્ગત ખાનગી અને સરકારી શાળાઓમાં ઉનાળુ વેકેશન 24 જૂન સુધી લંબાવવામાં આવ્યું છે. જિલ્લાના ડીએમ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે. પટના-બાંકા-નવાડા-ગયા સહિત ઘણા જિલ્લાઓની તમામ સરકારી અને બિન-સરકારી શાળાઓમાં 19મી જૂનથી 21મી જૂન 2023 સુધી શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

પટનાના હવામાનશાસ્ત્રી આશિષ કુમારે જણાવ્યું હતું કે બિહાર હાલ હીટવેવનો અનુભવ કરી રહ્યું છે જેણે છેલ્લા 11 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. તેમણે કહ્યું કે આ વખતે રાજ્યમાં 31 મેથી હીટવેવ શરૂ થયું છે જેમાં 19 જૂનથી રાજ્યમાં મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થશે. આ સાથે હીટ વેવની ચપેટમાં આવેલા જિલ્લાઓની સંખ્યામાં પણ ઘટાડો થશે. તેમના અનુસાર આ વખતે યુપી બિહારમા 20 જૂનથી ચોમાસું સક્રિય થવાની ધારણા છે. આવતા અઠવાડિયે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે.

ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં 15, 16 અને 17 જૂને 400 લોકોને શ્વાસ લેવામાં તકલીફને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હીટવેવનાં (Heatwave) કારણે છેલ્લાં 3 દિવસમાં 98 લોકોનાં મોત (Death) થયા છે. બિહારના 11 જિલ્લામાં હીટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. અહીં તાપમાન 44 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું.

Most Popular

To Top