Editorial

ધિક્કાર અને વૈમનસ્ય એ માણસના જીન્સમાં જ રહેલા છે?

અત્યારે છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે લડાઇ ચાલી રહી છે અને તે સાથે જ વિશ્વભરમાં મુસ્લિમો અને યહુદીઓ વચ્ચેનું વૈમનસ્ય ફરી એકવાર આભની ઉંચાઇએ પહોંચ્યું છે. આ બંને ધર્મોની  મૂળભૂત માન્યતાઓ તો લગભગ એકસરખી જેવી જ છે પરંતુ કેટલાક કારણોસર યહુદી અને ઇસ્લામ ધર્મના અનુયાયીઓ વચ્ચે લાંબા સમયથી સંઘર્ષની સ્થિતિ રહી છે અને તેને કારણે બંને પ્રજાઓ એકબીજાને સખત રીતે  ધિક્કારતી થઇ ગઇ છે.

કેટલાક સમજદારીના સૂર ઉઠે છે ખરા પરંતુ વૈમનસ્યનું પ્રમાણ ઉંચુ છે અને તેમાં વળી ધર્મગુરુઓ અને રાજકારણીઓ સ્થિતિ વધુ બગાડે છે. હાલમાં ઇઝરાયેલ અને હમાસની લડાઇમાં વિશ્વમાં અન્યત્ર પણ  બંને પ્રજાઓના નેતાઓ અને ધર્મગુરુઓ ધિક્કાર પ્રવચનો કરી રહ્યા છે અને વળી હવે તો સોશ્યલ મીડિયાના ઉમેરાયેલા નવા પરિબળે સ્થિતિ ઓર બગાડી છે. સોશ્યલ મીડિયા પર એક બીજા પ્રત્યે ધિક્કાર વ્યક્ત કરતા મેસેજો,  ખોટી માહિતીઓ, એકબીજાને બદનામ કરતા જુઠાણાઓ વગેરે વ્યાપક રીતે ફેલાવવામાં આવી રહ્યા છે.

જો કે હાલના તનાવમાં ઇઝરાયેલ અને ગાઝાના પ્રદેશની બહાર બંને કોમો વચ્ચે હિંસાનો કોઇ મોટો બનાવ નોંધાયો ન હતો  પરંતુ છેવટે અમેરિકામાં આ બની જ ગયું છે. અમેરિકાના ઇલિનોઇસ રાજયમાં શિકાગો શહેરથી થોડે દૂર આવેલા એક વિસ્તારમાં એક માત્ર ૬ વર્ષના મુસ્લિમ છોકરાને તિક્ષ્ણ હથિયાર વડે મારી નાખવામાં આવ્યો છે અને ૩૨  વર્ષની તેની માતાને ગંભીર રીતે ઘાયલ કરવામાં આવી છે. આ હુમલા અંગે ૭૧ વર્ષના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું છે કે એવું જણાય છે કે ભોગ બનનારાઓ ઇસ્લામ ધર્મમાં માનતા હોવાને કારણે  અને ઇઝરાયેલ તથા હમાસ વચ્ચેના યુદ્ધના જવાબમાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. શનિવારે, એટલે કે ઇઝરાયેલમાં હમાસનો હુમલો થયો તેના બરાબર એક સપ્તાહ પછી આ બનાવ બન્યો છે. તાજેતરના દિવસોમાં અમેરિકાના શહેરોમાં પોલીસને અને ફેડરલ સત્તાવાળાઓને યહુદી વિરોધી અથવા મુસ્લિમ વિરોધી હિંસાની સંભાવના અંગે હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા જ છે. હાલમાં અમેરિકામાં ધિક્કારપૂર્ણ અને  ધમકી આપતા ઉચ્ચારણોમાં વધારો થયો હોવાની ફરિયાદો યહુદી અને મુસ્લિમ જૂથોએ કરી છે અને એફબીઆઇના અધિકારીઓએ પણ આ અંગેના અહેવાલ આપ્યા છે.

શિકાગો નજીક બનેલા આ કિસ્સામાં શિકાગો શહેરથી ૬પ  કિલોમીટર દક્ષિણ પશ્ચિમે આવેલી પ્લેઇનફિલ્ડ ટાઉનશીપમાં સ્થાનિક સમય પ્રમાણે શનિવારે સવારે એક ઘરમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. વિલ કાઉન્ટીની શેરીફ કચેરીએ જણાવ્યું હતું કે મહિલાએ ૯૧૧ નંબર પર કૉલ  કરીને માહિતી આપી હતી કે તેમના મકાન માલિકે તેમના પર છરા વડે હુમલો કર્યો છે. મહિલાએ જણાવ્યું હતું કે તેણી બાથરૂમમાં ભાગી હતી અને તે પુરુષ સામે લડત આપતી રહી હતી. છોકરાને હોસ્પિટલમાં લઇ જવાતા મૃત  જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે મહિલા ગંભીર ઇજાગ્રસ્ત હતી.

છોકરાના શરીર પર અનેક ઘા કરવામાં આવ્યા હતા. બનાવ વખતે છોકરાના પિતા યુસેફ હેનોન ઘરમાં હાજર ન હતા એમ જણાય છે. તેમણે બાદમાં પત્રકારોને  જણાવ્યું હતું કે આ છોકરાએ હમણા જ છ વર્ષ પુરા કર્યા હતા. આ એક પેલેસ્ટાઇની મૂળનું કુટુંબ છે અને ૧૯૯૯થી અમેરિકામાં રહેવા આવ્યું હતું. આ હુમલા અંગે જોસેફ ઝુબા નામનો શખ્સ બાદમાં પકડાઇ ગયો હતો. તેની સામે  હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એમ જાણવા મળે છે કે તે આ કુટુંબનો મકાન માલિક છે અને તેણે આ કુટુંબને ધમકીભર્યા મેસેજ પણ મોકલ્યા હતા. કોઇ પણ સમજદાર વ્યક્તિને મનમાં એ સવાલ ઉઠે કે હુમલાખોરના મનમાં કેટલો બધો ધિક્કર એકઠો થયો હશે કે તે ૭૧ વર્ષની વયે ૬ વર્ષના બાળકને મારી નાખવા જેવું અધમ કૃત્ય કરવા પ્રેરાયો?

વિવિધ માનવ સમુદાયો વચ્ચે ધિક્કાર અને વૈમનસ્ય એ કોઇ નવી વાત નથી. પરાપૂર્વથી જાત જાતના વૈમનસ્યો અને તેને પરિણામે સંઘર્ષો અને લોહીયાળ લડાઇઓ અને યુદ્ધો ચાલતા આવ્યા છે. જાતિ, ધર્મ, રંગ, વંશ, દેશ, કબીલા વગેરે અનેક કારણોસર માનવજાત એકબીજા સાથે લડતી આવી છે. ધર્મોના નામે ઘણુ લોહી રેડાયું હોવાનું કહેવાય છે પરંતુ પોતાને નાસ્તિક ગણાવતા સામ્યવાદીઓએ પણ ખાસ કરીને ગત સદીમાં ઘણુ લોહી વહાવ્યું છે. ધર્મ જ નહીં પણ મૂડીવાદી, સામ્યાવાદી જેવી વિચારધારાઓના સંઘર્ષો પણ ઘણા લોહીયાળ નિવડ્યા છે. પશ્ન એ થાય છે કે સમજદાર પ્રાણી ગણાતો માણસ પ્રેમ, સદાચાર, અનુકંપા જેવા ગુણો ધરાવે છે તે રીતે જ ધિક્કાર અને તિરસ્કાર પણ તેના જીન્સ સાથે વણાયેલા હશે?

Most Popular

To Top