SURAT

સીમાડાના ઈસમે ઉત્રાણના મસાલાના વેપારીને નેપાળ બોલાવી કર્યું આ શરમજનક કામ

સુરત: (Surat) ઉત્રાણ ખાતે રહેતા મસાલાના વેપારીને (Trader) સસ્તામાં હીરાનો માલ આપવાની લાલચ આપી નેપાળ (Nepal) બોલાવ્યા હતા. નેપાળના એક મકાનમાં બંધક બનાવી તેની પાસેથી 7.56 લાખ લુંટી (Loot) લીધા હતા. હેમખેમ સુરત પહોંચેલા વેપારીએ 6 જણા સામે ફરિયાદ નોંધાવી છે.

  • સીમાડાના ઈસમે ઉત્રાણના મસાલાના વેપારીને નેપાળ બોલાવી 7.57 લાખ લૂંટી લીધાં
  • મુંબઈની પાર્ટી ઉઠમણું કરી નેપાળ આવી છે, સસ્તામાં હીરા મળશે અને સારૂં કમાશું એવી લાલચ આપી
  • વેપારી અને મિત્રની ફ્લાઈટની ટિકિટ કઢાવી આપી, પાંચ સાગરીતો સાથે નેપાળના મકાનમાં બંધક બનાવી ઢોરમાર માર્યો
  • 1.31 લાખ રોકડા લૂંટી લીધાં, ઉપરથી સંબંધીઓ પાસેથી ધમકાવી 6.25 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા

ઉત્રાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉત્રાણ સિલ્વર પેલેસની બાજુમાં પાર્ક એવન્યુ ખાતે રહેતા 33 વર્ષીય અલ્પેશ બાબુભાઈ કાકડીયા, ગ્રોસરી (કરિયાણા)ની ચીજવસ્તુ તથા મરી મસાલાનો ઈમ્પોર્ટ-ઍક્ષ્પોર્ટનો વેપાર કરે છે. તેમની દુબઈમાં બીઝનેસ બઈ વિસ્તારના સોહા બિલ્ડિંગમાં ઍરીસ વે નામથી ઓફિસ કાર્યરત છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ અલ્પેશભાઈ ગત 3 ઓક્ટોબરે સાંજે તેના મિત્રોને મળવા માટે સીમાડા નાકા જતા હતા, ત્યારે રોહિત ચંદ્રકાંત રંગાણી (રહે, વ્રજભુમી સીમાડા)એ વોટ્સઅપ કોલ કરી તમારા મિત્ર કૌશિક નારણ ચોવડીયાએ નંબર આપ્યો હોવાનું કહ્યું હતું. બોમ્બેની એક પાર્ટી ઉઠમણું કરીને નેપાળ આવી હોવાનું અને 50થી 60 લાખના હિરા સસ્તામાં વેચવાના હોવાનું કહ્યું હતું.

લ્પેશભાઈએ રસ ન હોવાનું કહીને ફોન કાપી નાંખ્યો હતો. બાદમાં 5મી ઓક્ટોબરે ફરીથી ફોન કરીને રોહિતે આપણી અગાઉ વાત થઈ હતી તેવું કહી વેપારી નેપાળથી જતો રહેવાનો છે, તું ઉતાવળ રાખીને આવ, માલ સારો છે અને પૈસા સારા મળશે તેવી લાલચ આપી હતી. 8મી ઓક્ટોબરે ફરીથી ફોન કરી હું તારી ટિકિટ બુક કરાવી દઉ છું, તું મારી સાથે તારા કોઈ ફ્રેન્ડને લેતો આવજે, તમારા બન્નેની ટિકિટ બુક કરાવી આપું કહી અલ્પેશ અને તેના મિત્ર વિકાસ વાઝાની ટિકિટ બુક કરાવી આપી હતી. બાદમાં નેપાળ લઈ જઈ ત્યાં એક મકાનમાં બંધક બનાવી 7.57 લાખ લુંટી લીધા હતા. અલ્પેશ કાકડીયા તેમની ચુંગલમાંથી છુટ્યા બાદ પરત સુરત આવ્યા પછી રોહિત રંગાણી સહિત 6 સામે ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બંધક બનાવી ઢોર માર માર્યો, 1.31 લાખ લૂંટ્યા, 6.25 લાખ સંબંધીઓ પાસે ટ્રાન્સફર કરાવ્યા
ફલાઈટમાં સુરતથી દિલ્હી અને દિલ્હીથી લખનઉ ફ્લાઈટથી 9 ઓક્ટોબરની ટિકિટ બુક કરાવી આપી હતી. રોહિતે અલ્પેશભાઈને, કૌશિક ચોડવડીયાને વાત નહીં કરતા, નહીં તો ધંધામાં ભાગ આપવો પડશે તેવુ કહ્યું હતું. તેની વાતમાં આવીને અલ્પેશે હા પાડી તો અલ્પેશ તેના મિત્ર નિરવ સાથે ગત 11મીના રોજ લખનઉ પહોંચ્યો હતો. ત્યાં રોહિતનો માણસ ટેક્ષી લઈને લેવા માટે આવ્યો હતો અને રાત્રે નેપાળ બોર્ડર બંધ થઈ જતા લખનઉમાં વી.એસ.કોન્ટીનેન્ટમાં રોકાવ્યો હતો. બીજા દિવસે નેપાળ લઈ જઈ નેપાળગંજ ખાતેની સોસાયટીના એક મકાનમાં લઈ ગયા હતા. ત્યાં રોહીત રંગાણીએ અન્ય પાંચેક સાગરીતો સા્થે બંધક બનાવી ઢોર માર માર્યો હતો. અલ્પેશ અને તેના મિત્ર નિરવ પાસેથી 1.31 લાખ જ્યારે તેના સગાસંબંધી તેમજ મિત્રો પાસેથી રૂપીયા 6.25 લાખ ટ્રાન્સફર કરાવી કુલ 7.57 લાખ લુંટી લીધા હતા.

Most Popular

To Top