Comments

જ્ઞાનને સર્વોતમ કહેવું હવે ભૂલ ભરેલું ગણાશે

બાઈબલમાં ભાર દઈને કહેવાયું છે, પરમ પિતાનાં ગુણગાન ગાનાર જીભ કરતાં તેનું કામ કરનાર હાથપવિત્ર છે. આ વાત સ્વરાજની લડત સમયે ગાંધીજીએ આચરણમાં મૂકી અને સૌને સક્રિય કર્યા. પરંતુ તે પછી જ્ઞાન પરંપરામાં બૌદ્ધિક ચર્ચાઓ પ્રચલિત બનતાં વૈચારિકતાં વધી, સૈધાંતિક ભૂમિકાઓ તૈયાર થવા લાગી. કાર્યની સફળતા-નિષ્ફળતાના માપદંડો નક્કી થયા. પણ દરિયામાં ઝંપલાવી સામે વહેણે નિારે પહોંચવાની વાત ક્યાંયે આવી નહીં.

પરિણામે આઝાદી પછીનાં ૭૫ વર્ષ દરમિયાન વ્યસનમુક્તિ, નિરક્ષરતા નિવારણ, પર્યાવરણ જાળવણી, બાળમજૂરી નાબૂદી, મહિલા શોષણ, ખાદીવસ્ત્ર, વિકેન્દ્રિત રોજગાર, વસ્તીવૃદ્ધિ, બિનસાંપ્રદાયિક્તા, આતંકવાદ જેવા વિષયો ઉપર ગહન ચર્ચાઓ થઈ, પણ જમીન ઉપરનું પરિમાણ પાંખું રહ્યું અને પ્રશ્નો વધુ વિકરાળ બનતા ગયા છે. જ્યારે બીજી તરફ રાજકરણના સહારે પક્ષીય પ્રવૃત્તિઓ, લાભો અને લાંચરુશ્વતથી થતી કામગીરીમાં વિચારણાઓ કરતાં ઠોસ પ્રગતિ વધુ જોવા મળે છે, કારણ વિચારણા કરતાં પ્રયત્નનાં ક્ષેત્રમાં પડેલા લોકોની રોજીરોટી પ્રશ્નના ઉકેલમાંથી મળે છે અને તેમની જીત બીજી લડતની ભૂમિકા બને છે.

આઝાદી પછીના ૭૫ વર્ષમાં કેટલાય નવા પ્રશ્નો ઊભા થયા છે, તેમાના કેટલાંક પ્રશ્નોનાં સ્વરૂપ, ઘડતર અને નિરાકરણ સંબંધે વિચારભેદ હોઈ શકે. પરંતુ ગુજરાત રાજ્યને લાગે વળગે છે ત્યાં સુધી કેટલાક પ્રશ્નો એવા છે સંબંધે ક્યાંય બીજો મત નથી. જેમ કે બાળમજૂરી નાબૂદી, પર્યાવરણની સુરક્ષા, સ્ત્રીશોષણ નાબૂદી, વ્યસનમૂક્તિ, ગ્રામોદ્યોગ પ્રોત્સાહન, જળસંરક્ષણ ઈત્યાદી. સામાજિક પ્રશ્નોનાં નીરાકરણ સંબંધે ઈતિહાસથી પરિચિત જે વ્યક્તિ માહિતી સભર હોય, અનેક સંદર્ભોથી પરિચિત હોય છે તો તેના વાંચનને, યાદશક્તિને અને હાજર જવાબીપણાને સમાજ રેડી રેનર્સ તરીકે આવકારતો હોય છે.

પણ, હવે ગુગલ ગુરુપદે સ્થપાતા અને આર્ટિફિશિયલ ઇંટલિજન્સ નિર્ણાયક પ્રક્રિયામાં પ્રમાણભૂત માનવામાં આવે છે. ત્યારે માણસે જ્ઞાની રહેવાના બદલે કમ્પ્યૂટરની મર્યાદા ઓળંગી કર્મી બનવાની અનિવાર્યતા ઉભરી આવે છે. અને તેથી જ તો સામાજિક વિકાસને અડચણરૂપ બનતાં જે પ્રશ્નોમાં બીજો મત નથી. ત્યાં પ્રચલિત જ્ઞાનને આગળ કરવાનાં બદલે નાગરિકોએ ઉપાય તરફ એક ડગલું આગળ વધવાં સંપ કરી પોતાની જાતને જ્ઞાન નહીં પણ કર્મના માર્ગે કાર્યાન્વિત કરવાની છે.

ઉદાહરણરૂપે વૃક્ષો કપાતાં બંધ થાય તે અંગે વિચારણા કરતાં રહેવાને બદલે હવે સામાજિક ચેતના જગાડી પ્રથમ યુવકોને અને તે પછી મૃત્યુથી નજીકના વર્ષો તરફ ગતિ કરી ચૂકેલા હિંદુ પરંપરા સાથે જોડાયેલા નાગરિકોને સંપબદ્ધ કરીએ અને પ્રતિજ્ઞા કરીએ કે હું પોતે જ્યારે મૃત્યુ પામું ત્યારે પાછળ ૧૬૦થી ૨૦૦ કિલો લાકડું બાળવામાં આવે નહીં. પરંતુ મને જમીનમાં દાટી તેના પર એક વૃક્ષ વાવવામાં આવે. આ પ્રકારે એક સંપથી માત્ર ગુજરાતમાં રોજ ૧૫૦ ટન લાકડું બળતું અટશે. ગુજરાત રાજ્યનાં ઉર્જા વિભાગની આધારભૂત માહિતી અનુસાર એક માણસને બાળવા માટે વપરાતાં ૪ ઈંચ થી ૮ ઈંચની જાડાઈનાં ૧૫૦ ક્લિો લાકડાં એટલે ૧૩ વર્ષ જૂનાં વૃક્ષનો નાશ અને હવામાં કાર્બનડાયોક્સાઈડ ભળે તે જૂદું. પર્યાવરણ સંરક્ષણની વાતો કરવા કરતાં હવે નાગરિકો સંપબદ્ધ થાય તેની આવશ્યક્તા છે.

કાર્યાન્વિત થવા સંબંધે આપણી સંપબદ્ધતાની રાહ જોતો બીજો પ્રશ્ન છે. સ્ત્રીઓની શોષણમુક્તિનો. આ વિષયે વારંવાર વિચારણા થાય છે. પણ જે સ્ત્રીઓ શિક્ષિત છે. આર્થિક રીતે પગભર છે. તે બહેનો એવો સંપ કરે કે, હું પરણીને પુરુષના ઘરે જઈશ નહીં, પરંતુ પુરુષ મિત્રને પતિ સ્વરૂપે મારા ઘરે લાવીશ. આમ થતાં પુરુષપ્રધાન સમાજ વ્યવસ્થા તૂટશે, પારંપારિક મૂલ્યવ્યવસ્થા બદલાશે અને સ્ત્રીઓ પોતાનું સન્માન અને સ્વાતંત્ર્ય જાળવી વિકાસની નવી કંડી કંડારી શકશે. આ માટે સ્ત્રીઓની તરફદારી કરતી સંસ્થાઓએ પહેલ કરી યુવતીઓને અને તેમના વાલીઓને પરિવર્તન માટે સંકલ્પબદ્ધ કરવાનો સમય આવી પહોંચ્યો છે. આમ થતાં સમયાંતરે દ્રવિડ સમુદાયમાં પ્રચલિત હતી તેવી સ્ત્રીપ્રધાન કુટુંબવ્યવસ્થાનું પુનઃસ્થાપન થશે અને કુટુંબજીવનનો એક વધુ પર્યાય વિકાસ પામશે.

બાળમજૂરી સદંતર રીતે નાબૂદ થાય તો સહુ કોઈ રાજી થશે. કિશોર અવસ્થા સુધી બાળક શિક્ષણની પ્રક્રિયા સાથે જોડાયેલ રહે તો સરવાળે દેશને એક સારો નાગરિક મળે છે એ વાતે કોઈ શંકા નથી પરંતુ એ પણ સત્ય છે કે ગરીબીવશાત્ બાળક ભણતરનો ખર્ચ વેઠી શક્યું નથી અથવા ગરીબ વિધવા કે ત્યજી દેવાયેલ માતાને બે પૈસા રળી દેવા બાળક મજૂરીના હવાલે થાય છે અને સામાજિક રીતે તરછોડાય છે. આ પરિસ્થિતિની વિષમ ચર્ચાઓ કરી અંતે ચૂંટાયેલ સરકારની જવાબદારી છે તેમ કહી ભાગેડું બની જવા કરતાં, નાગરિકો સંપ કરી પોતાની આસપાસ રહેતા કોઈપણ એક બાળકને દત્તક લઈ ગરીબ વિદ્યાર્થીનો ભણવાનો અને વરસે ૪ જોડી કપડાં ખરીદી આપવાનો ખર્ચ ઉપાડી લે તો પ્રશ્નોનું સ્વરૂપ હળવું બની જશે. આ પ્રકારની સંપબદ્ધતાથી માત્ર ગુજરાતમાં જ ૩.૫ લાખથી વધુ બાળશ્રમિકો પૈકી ૧૦ ટકાનો પ્રશ્ન હલ થાય. તોપણ ઘણો મોટો બોજ ઉતરશે.

આપ મૂઆ વિના સ્વર્ગે કે પછી નર્કમાં પણ જવાનું નથી તે જાણવા છતાં આજકાલ માત્ર બૌદ્ધિક ચર્ચાઓ અને ચર્ચાઓના અહેવાલોને આધારે સામૂહિક પ્રભાવ કે પછી ખોટી આશાઓ પ્રસારવામાં માનનારા પંડિતોની જમાત વધી રહી છે, ત્યારે જે કર્મશીલો ઘસાઈને ઊજળાં થવામાં માને છે, તેમણે મૂઠી ઊંચેરા થઈ બહાર આવવાની જરૂર છે. માંહી પડે તે મહા પદ પામે. તેવું જાણવા છતાં એક બૌદ્ધ સાધુ બૌદ્ધ ધર્મગ્રંથ છપાવવા માટે લોકફાળો કરવા બજારમાં નીકળે છે. સાધુ પ્રભાવશાળી હતો. આથી છપામણી જોગ પૈસા તો આવ્યા, પણ દરમિયાન ચોમાસું નિષ્ફળ જતાં, તે પછી અતિવૃષ્ટિ આવી જતાં ધર્મગ્રંથ છાપવા માટેના નાણા લોકકલ્યાણમાં વપરાય ગયા. નગરજનોને હવે સાધુના ઈરાદામાં ઝાઝો વિશ્વાસ રહ્યો નહોતો.

પરંતુ સાધુની શ્રદ્ધા ખૂટી ન હતી. આથી ફરી પોતાની નિષ્ઠાને સત્યની એરણે ચડાવીને નાણાં એકત્ર ર્યા ને ભગવાન બુદ્ધની કૃપાથી ધમ્મપદ છપાવ્યું. તે પછી પ્રકાશિત ગ્રંથ હાથમાં લઈને સાધુ પોતાના મઠ તરફ આવી રહ્યો હતો ત્યારે તેના ગુરુભાઈએ કહ્યું, તમારું પ્રકાશન કેવું રહ્યુ? સાધુએ વિનમ્રતાથી જવાબ આપ્યો. પ્રથમ બે આવૃતિ જેટલું સુંદર નહ. ડૉ. અબ્દુલ ક્લામ પોતાની જીવનીમાં લખે છે તેમ ‘સુંદર હાથ એ છે જે સમગ્ર દિવસ દરમિયાન હિંમત માગે તેવું સાચું અને ઉત્સાહિ કામ કરે છે.

‘કામ અધિક, બાતેં કમ’ તેવું સૂત્ર આપણા દેશ માટે નવું નથી. મહાત્મા ગાંધીએ પણ, મારું જીવન એ જ મારો સંદેશ.’ આવી વાત કહીને સૌને કામઢા બનવાની વાત કરી છે. સમગ્ર વિશ્વ આજે વર્ચ્યુઅલ વર્ડના ઈશારે ચાલી રહ્યું છે ત્યારે ૮૦૦૦ વર્ષ જૂની વ્યક્તિનાં જ્ઞાન સર્વોપરિતાનો ખ્યાલ મલ્ટી નેશનલે પણ છોડી દીધો છે અને બજાર ફરી નિષ્ઠાવાન, કર્મઠ અને પ્રામાણિક માણસને પસંદ કરતી થઈ છે. ત્યારે ચર્ચાઓ ને વિચારણનઓ સુધી પોતાની જાતને સીમિત કે કંઈક અંશે સલામત રાખવા માગતા નાગરિકોએ સમજવું જોઈએ કે સવાલોનો ઉકેલ બૌદ્ધિક વિચારણાઓ કરતાં ભાવાત્મક સંકલ્પબદ્ધતાથી આવશે અને આપણાં પ્રશ્નોના ઉકેલ માટે આપણે જ પ્રતિજ્ઞા લેવી પડશે. આપણે પોતે એક ઈંટ બનીશું તો એક દિવસ ઈમારત આકાર લેશે, જે નિર્વિવાદ છે.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top