Trending

હનુમાનજી પણ હતા પરણિત, સૂર્ય દેવની પુત્રી સાથે કર્યા હતા લગ્ન છતાં કેમ કહેવાયા બ્રહ્મચારી?

તેલંગાણા: એવું માનવામાં આવે છે કે પવનપુત્ર હનુમાન એવા દેવતા છે જે અમર છે. હનુમાનજીએ પોતાનું સમગ્ર જીવન ભગવાન રામની ભક્તિમાં સમર્પિત કરી દીધું હતું. આપણામાંથી મોટાભાગના લોકોએ હનુમાનજીના જીવન વિશે વાંચ્યું કે સાંભળ્યું હશે. આપણે બધા જાણીએ છીએ કે હનુમાનજીએ જીવનભર બાલ બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું. પરંતુ તમે ભાગ્યે જ કોઈ પુસ્તકમાં તેમના લગ્ન સાથે સંબંધિત કોઈ કિસ્સો વાંચ્યો હશે. પરાશર સંહિતામાં હનુમાનજીના લગ્નનો ઉલ્લેખ છે. ભારતમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં હનુમાનજીની તેમની પત્ની સાથે સ્થાપના કરવામાં આવી છે.

સૂર્ય ભગવાન પાસેથી શિક્ષા મેળવવા હનુમાનજી પહોંચ્યા
મંદિર વિશે જાણતા પહેલા આવો જાણીએ હનુમાનજીના લગ્ન સાથે જોડાયેલી કથા. પરાશર સંહિતા અનુસાર, હનુમાનજી સૂર્ય ભગવાન પાસે શિક્ષા મેળવવા ગયા હતા. હનુમાનજીના ગુરુ સૂર્યદેવને 9 વિદ્યાઓ હતી. જેનું જ્ઞાન હનુમાનજી જાણવા માંગતા હતા. હનુમાનજીએ પાંચ વિદ્યાઓ શીખી હતી. પરંતુ બાકીની ચાર વિદ્યાઓ માટે હનુમાનજીનું પરિણીત હોવું ખૂબ જ જરૂરી હતું. હનુમાનજી તમામ વિદ્યાઓનું જ્ઞાન મેળવવા માંગતા હતા. જેથી સૂર્યદેવે આ સમસ્યાનું સમાધાન કર્યું અને હનુમાનજીને લગ્ન કરવાનું સૂચન કર્યું. પહેલા તો હનુમાનજી સૂર્ય ભગવાનના આ પ્રસ્તાવથી સહમત ન થયા. પરંતુ બાદમાં તેણે હા પાડી.

આ રીતે હનુમાનજીના લગ્ન થયા
આ પછી સૂર્યદેવે હનુમાનજીને તેમની તપસ્વી પુત્રી સુવર્ચલા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેણે કહ્યું કે સુવર્ચલા સાથે લગ્ન કર્યા પછી પણ તે બ્રહ્મચારી જ રહેશે. કારણ કે, લગ્ન પછી તે ફરીથી તપસ્યામાં લીન થઈ જશે. આ પછી હનુમાનજીના લગ્ન સુર્વચલા સાથે થયા અને આ રીતે તેણે લગ્ન પછી સંપૂર્ણ શિક્ષણ મેળવ્યું અને બ્રહ્મચર્યનું પાલન પણ કર્યું. આ પછી, સુવર્ચલા કાયમ માટે તેની તપસ્યામાં લીન થઈ ગઈ. આ રીતે હનુમાનજી લગ્ન કર્યા પછી પણ બ્રહ્મચારી રહ્યા.

તેલંગાણામાં આવેલું છે આ ખાસ મંદિર
હનુમાનજીના લગ્ન વિશે લોકો બહુ જાણતા નથી, પરંતુ તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં હનુમાનજી અને તેમની પત્ની સુવર્ચલાની પૂજા કરવામાં આવે છે. આ મંદિર વિશે એક વિશેષ માન્યતા છે કે જે પણ અહીં પતિ-પત્નીની પૂજા કરે છે, તેમનું દામ્પત્ય જીવન હંમેશા સુખમય રહે છે. આ મંદિરમાં જેઠ સુદ દશમીના દિવસે માતા સુવર્ચલા અને હનુમાનજીનો લગ્ન પ્રસંગ ઉજવવામાં આવે છે.

Most Popular

To Top