Gujarat

સોલાર એનર્જીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે

ગાંધીનગર : રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રિય ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી એન્ડ પાવર મંત્રી આર.કે. સિંહએ જણાવ્યું હતું કે કુલ 8,887.72 મેગાવોટ (MW) સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા અને 9,925.72 મેગાવોટ સ્થાપિત પવન ઊર્જા ક્ષમતા સાથે 28 ફેબ્રુઆરી 2023 સુધીમાં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત રાષ્ટ્રીય સ્તરે બીજા સ્થાન પર છે.

રિન્યૂએબલ એનર્જીના ઇન્સ્ટોલેશન તેમજ ઉત્પાદન માટે જાહેર કરાયેલા પ્રોત્સાહનો સૌર પેનલ્સ, એલ્યુમિનિયમ ચેનલ્સ, પવનચક્કીઓ વગેરે જેવા ઉપકરણોના ઉત્પાદકોને લાગુ પડે છે કે કેમ તથા દેશમાં સોલાર અને વિન્ડ એનર્જી ઉત્પાદન કરતાં ટોચના પાંચ રાજ્યો વિશે અને દરિયાઈ મોજાથી કેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે, તેવા પરિમલ નથવાણીના પેટા પ્રશ્નના જવાબમાં મંત્રી આર.કે. સિંહએ કહ્યું હતુ કે દેશમાં સોલાર અને વિન્ડ એનર્જીના ઉત્પાદન માટે ઘરેલું ઉપકરણોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે તાજેતરની કેટલીક યોજનામાં સોલાર એનર્જી, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ ફોર હાઇ એફિશિયન્સી સોલાર પીવી મોડ્યૂલ્સ, ડોમેસ્ટિક કન્ટેન્ટ રિક્વાયર્મેન્ટ (DCR), પ્રેફરન્સ ટુ મેક ઇન ઇન્ડિયા ઇન પબ્લિક પ્રોક્યોરમેન્ટ, સોલાર પીવી સેલ અને મોડ્યુલોની આયાત પર મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટી લાદવી અને કસ્ટમ્સ ડ્યુટી રાહતો બંધ કરવી વિગેરેનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકાર ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા સોલાર પીવી મોડ્યુલ્સમાં ગીગા વોટ (GW) સ્તરની સ્થાનિક ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવા માટે ઉચ્ચ કાર્યક્ષમતા સોલાર પીવી મોડ્યુલ્સ પરના રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ રૂ. 24,000 કરોડના ખર્ચ સાથે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાનો અમલ કરી રહી છે. આ સ્કીમમાં ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સોલાર પીવી મોડ્યુલના ઉત્પાદન અને વેચાણ પર પાંચ વર્ષ માટે પસંદ કરેલા સોલાર પીવી મોડ્યુલ ઉત્પાદકોને પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) આપવા માટેની જોગવાઈ છે.

સૌથી વધુ સ્થાપિત સોલાર એનર્જી ઉત્પાદન ક્ષમતા ધરાવતા ટોચના પાંચ રાજ્યો રાજસ્થાન (16,405.75 MW), ગુજરાત (8,887.72 MW), કર્ણાટક (8,110.48 MW), તમિલનાડુ (6,536.77 MW) અને તેલંગાણા (4,657.18 MW) છે. નિવેદન અનુસાર, મહત્તમ સ્થાપિત પવન ઊર્જા ક્ષમતા ધરાવતા ટોચના પાંચ રાજ્યોમાં તામિલનાડુ (9,983.12 MW), ગુજરાત (9,925.72 MW), કર્ણાટક (5,276.05 MW), મહારાષ્ટ્ર (5,012.83 MW) અને રાજસ્થાન (4,681.82 MW) છે.

Most Popular

To Top