Gujarat

ગુજરાતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ પૂરો કરવામાં 18 વર્ષ લાગી ગયા : કોંગ્રેસ

અમદાવાદ : મેટ્રો ટ્રેનની (Metro Train) શરૂઆતની પ્રોજેક્ટ (Project) ખર્ચ ૩૫૦૦ કરોડ જાહેર કરવામાં આવી હતી તે પ્રોજેક્ટ ખર્ચ આજે ચાર ગણા વધારા સાથે ૧૨૭૮૭ કરોડ જેટલી પહોંચી છે અને હજુ પ્રોજેક્ટનું કામ પૂર્ણ થયું નથી. મેટ્રો પ્રોજેક્ટમાં શરૂઆતથી જ ૪૫૦ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો. મેટ્રો પ્રોજેક્ટની કામગીરી સંભાળતી કંપનીએ આઈએલ એન્ડ એફએસએ નાદારી નોધાવી. શહેરના નાગરિકોને મેટ્રો ટ્રેન- ઝડપી પરિવહન વ્યવસ્થા મળે તે આવકારદાયક બાબત છે. વર્ષ ૨૦૦૪માં જાહેરાત, ૨૦૦૭માં હોર્ડિગ્સમાં, ૨૦૧૨ ખાતમુહૂર્ત, ૨૦૧૯માં વિશ્વની સૌથી ટૂંકી મેટ્રો ટ્રેન રૂટનું ઉદ્ઘાટન અને ફરી ૨૦૨૨માં બીજા એક રૂટનું ઉદ્ઘાટન, આ ચૂંટણીલક્ષી નજારો છે. તેવું પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું.

તેમણે એવું કહ્યું હતું કે, દેશમાં શહેરી વિકાસક્ષેત્રે આમૂલ પરિવર્તન ખાસ કરીને શહેરી નાગરિકોને સુવિધા ઉપલબ્ધ થાય તે માટે જવાહરલાલ નહેરૂ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન (JNURM) કેન્દ્રની કોંગ્રેસ સરકારે યોજના લાગુ કરી હતી જે અન્વયે સમગ્ર દેશમાં ૧૫૧૭ પ્રોજેક્ટ દસ વર્ષમાં મંજૂર કરવામાં આવ્યા હતા. બીઆરટીએસ, નવી બસો, ૧૦૮ એમ્બ્યુલન્સ, નવા બ્રિજ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતના પ્રોજેક્ટો માટે ગુજરાતને વિશેષ નાણાંની ફાળવણી કરવામાં આવી હતી. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ તત્કાલીન યુપીએ સરકારના શાસનમાં મંજૂર કરવામાં આવ્યો હતો. હકીકતમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી જે તે સમયે ૨૦૦૪માં હોર્ડિગ્સમાં મેટ્રો ટ્રેનના સપના દેખાડવામાં આવ્યા હતાં. સમગ્ર દેશમાં ગુજરાતના એક માત્ર એવું રાજ્ય જ્યાં મેટ્રો ટ્રેનને જમીન પર ઉતરતા અને કાર્યરત થતા ૧૮ વર્ષ જેટલો લાંબો અધધ સમય લાગ્યો છે.

ગુજરાતના યુવા ઇજનેરોને ટેકનોલોજી જોવા માટે પ્રધાનમંત્રીશ્રી આમંત્રણ આપે છે તે આવકાર દાયક બાબત છે પણ હકીકતમાં મેટ્રો ઈજનેરો ટ્રેન ઓપરેટરને માત્ર ૧૩૦૦૦ ફીક્સ પગાર આપવામાં આવે છે. નિમણૂક પ્રકિયા પણ ચાર-ચાર વર્ષ સુધી ચાલી હતી. ડીગ્રી-ડીપ્લો-ટેક શિક્ષિત યુવાનોનું આર્થિક શોષણ થઇ રહ્યું છે. તેમને વર્ગ ચારના કર્મચારી કરતાં પણ ઓછુ વેતન ચૂકવામાં આવી રહ્યું છે.

મેટ્રો પ્રોજેક્ટના થયેલા લાંબા વિલંબને પગલે ગુજરાતના નાગરિકોને ખાડાવાળા રોડ, ટ્રાફિકની સમસ્યા, અકસ્માત સહીતની મુશ્કેલી સાથે ધૂળ, ખાડા વગેરેને કારણે ખાંસી, શરદી, કમરમાં દુખાવો સહિત આરોગ્ય લગતી મુશ્કેલીઓની સામનો કરવો પડ્યો હતો અને હવા પ્રદુષણમાં ઘણો વધારો થયો હતો.

Most Popular

To Top