Gujarat

ગુજરાત સરકારે ધોરણ-12 બોર્ડની પરીક્ષાઓ રદ્ કરી

ગાંધીનગર: (Gandhinagar) સીબીએસઈ પછી હવે ગુજરાતમાં (Gujarat) પણ ધો.12ની બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા (Exam) આજે રદ કરી દેવાઈ છે. ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના (CM Rupani) અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કેબીનેટ બેઠક બાદ રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રિસંહ ચુડાસમાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહયું હતું કે જયારે પીએમ નરેન્દ્ર મોદીએ ગઈકાલે વિદ્યાર્થીઓના હિતમાં સીબીએસઈ દ્વારા લેવાતી ધો -12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે તેને અનુસરીને જ ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ધો -12ની પરીક્ષા રદ (Cancelled) કરવાનો નિર્ણય લીધો છે.

તેમણે કહયું હતું કે હવે ધો -12નુ રીઝલ્ટ અને તેના પછીની પ્રવેશ કાર્યવાહી અંગેની પ્રક્રિયા કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બહાર પડે તે પછી હાથ ધરાશે . જયારે ધો -10 અને ધો -12ના રિપીટર વિદ્યાર્થીઓ માટે રાજય સરકારે આખરી નિર્ણય લેવાનો બાકી છે. ચુડાસમાએ કહયું હતું કે રાજયભરમાં તા.7મી જુનથી શરૂ થઈ રહેલુ નવું શૈક્ષણિક સત્ર ઓનલાઈન જ શરૂ થશે.

મળતી માહિતી મુજબ કોરોના ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ધોરણ-12 બોર્ડની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય કર્યો છે. અગાઉ ધોરણ-12 ની પરીક્ષાઓ લેવાશે તેવી જાહેરાત કર્યા બાદ ગઈ કાલે પરીક્ષાનું સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારે લીધેલા નિર્ણયનો અનેક વિદ્યાર્થી અને વાલી સંગઠનો દ્વારા વિરોધ પણ થયો હતો જેને કારણે આજે સરકાર દ્વારા લેવાયેલી તાત્કાલિક બેઠકમાં નિર્ણય નો ફેરવિચાર કરી નિર્ધારિત કરાયેલી ધોરણ-12ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.

રાજયના ધો – 12 વિજ્ઞાન પ્રવાહના 1,40,000 જેટલા વિદ્યાર્થીઓ અને 5,43,000 જેટલા સામાન્ય પ્રવાહના મળીને 6.83 લાખ વિદ્યાર્થીઓને આ રીતે માસ પ્રમોશનનો લાભ મળશે. અગાઉ રાજય સરકારે ધો -10ના વિદ્યાર્થીઓને પણ કોરોનાના કેસો ધ્યાનમાં રાખીને માસ પ્રમોશન આપ્યુ હતું. તમને જણાવી દઈએ કે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સીબીએસઈની ધોરણ 12ની પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષાને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકમાં 12માં ધોરણની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સીબીએસઇ પછી, આઈસીએસઈ બોર્ડે પણ ધોરણ 12ની પરીક્ષા પણ રદ કરી દીધી છે.

કોરોનાવાયરસ રોગચાળાને કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ ધોરણ 12 ની પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, સીબીએસઈ 12 ની પરીક્ષા રદ કરવામાં આવી છે, વિદ્યાર્થીઓની અગ્રતા અને સ્વાસ્થ્ય અમારા માટે સૌથી અગત્યની બાબત છે. દરમ્યાન રાજ્ય સરકારે ધો.10ના વિદ્યાર્થીઓની ફીસ પરત કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે હવે ધોરણ-12નાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ રદ થતા શું સરકાર તેઓની ફીસ પણ પરત કરવાનો નિર્ણય કરશે તે જોવું રહ્યું.

Most Popular

To Top