Dakshin Gujarat

ભરૂચમાં લાખોની સંખ્યામાં QR કોડવાળી મતદાન સ્લીપનું વિતરણ, જાણો શું જાણવા મળશે આ કોડથી

ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી (Election) યોજવા માટે વિવિધ કામગીરી અંતિમ ચરણમાં છે. ત્યારે 4 દિવસથી BLO દ્વારા ભરૂચ જિલ્લાના 5 વિધાનસભા વિસ્તારોમાં ક્યુઆર કોડવાળી (QR Code) મતદાર માહિતી સ્લીપનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા 12,67,569 મતદાર સ્લીપ છાપવામાં આવી છે. જેનું યુદ્ધના ધારણે તમામ વિધાનસભા મત વિસ્તારોમાં વિતરણ કરાઈ રહ્યું છે. હાલમાં બુથ લેવલ ઓફિસરો દ્વારા ઘરે ઘરે જઈને મતદાતાઓને સ્લીપ આપવામાં આવી રહી છે.

મહત્ત્વપૂર્ણ કે, મતદાર સ્લીપમાં આ વખતે ફોટોને બદલે ક્યુઆર કોડ પ્રિન્ટ કરવામાં આવ્યો છે. આ ક્યુઆર કોડ સ્કેન કરતા જ મતદારની વિગતો જોવા મળે છે. ઉપરાંત, સ્લીપમાં મતદારનું નામ, વિધાનસભા મત વિસ્તાર, મતદાર ઓળખપત્ર નંબર, મતદાર ભાગ નંબર તથા સરનામું, મતદાર ક્રમાંક, મતદાન મથકનું નામ, સી.ઈ.ઓ.ની વેબસાઈટ, સી.ઈ.ઓ. કોલ સેન્ટર ટોલ ફ્રી નં. 1950 જેવી વિગત દર્શાવવામાં આવી છે. મતદાર સ્લીપની પાછળની બાજુએ મતદાન મથકનો ગૂગલ મેપ પણ આપવામાં આવ્યો છે. સ્લીપમાં મતદાનની તા. 1 ડિસેમ્બર તેમજ મતદાનનો સમય સવારે 8 થી સાંજે 5 વાગ્યાનો પણ દર્શાવવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 7 લાખ મતદારને 4 દિવસમાં ક્યુઆર કોડવાળી મતદાર સ્લીપનું વિતરણ કરાઈ ચૂક્યું છે.

ડાંગ જિલ્લામાં 58,194 વાલીઓએ મતદાન સંકલ્પ પત્ર ભરી નૈતિક મતદાનનો સંકલ્પ કર્યો
સાપુતારા : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022ને અનુલક્ષીને સમગ્ર રાજ્યની સરકારી, બિન સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંકુલોમા અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓ પાસે તેમનું નામ મતદાર યાદીમાં હોવાની ખાતરી કરી નૈતિક મતદાનનો સંકલ્પ કરવા બાબતે વ્યાપક જનજાગૃતિ કરવામાં આવી રહી છે. જે અન્વયે ડાંગ જિલ્લાની તમામ પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળા તેમજ કોલેજો, આઇ.ટી.આઇ, પોલીટેકનીક કોલેજ, કૃષિ યુનિવર્સિટી અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંસ્થાઓ મારફત સંકલ્પ પત્રો વિતરણ કરવામાં આવ્યાં હતાં.

ડાંગ જિલ્લાની કુલ 68 માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમા 13,000, જિલ્લાની કુલ 378 પ્રાથમિક શાળાઓમા 43,000. તેમજ આઇ.ટી.આઇ તથા કોલેજો મળીને કુલ 58,194 વિધ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંકલ્પ પત્રો ભરાવવામાં આવ્યાં હતાં. આ પ્રવૃત્તિનો હેતુ વધુમાં વધુ વાલીઓ સજાગ બની પોતાના મતદાનના અધિકાર અને ફરજનો અચૂક ઉપયોગ કરે અને નૈતિક મતદાનને પ્રોત્સાહન મળે તે માટે જિલ્લા સ્વીપ નોડલ દ્વારા આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top