Gujarat Election - 2022

રાજ્યમાં 16 હજારથી વધુ સંવેદનશીલ મતદાન મથકો પર પેરામિલિટરી ફોર્સ તૈનાત કરાશે

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Election) બે તબક્કામાં યોજાનાર છે. પહેલા તબક્કાનું મતદાન (Voting) 1 ડિસેમ્બરના રોજ થનાર છે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરના રોજ થશે. જ્યારે 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારે આ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યમાં બંને તબક્કાની ચૂંટણીમાં અંદાજે 16,000 થી વધુ મતદાન મથકો સંવેદનશીલ છે. આ તમામ મતદાન મથકો ઉપર પેરા મિલિટરી ફોર્સ (Para Military Force) તૈનાત કરવામાં આવશે.

  • રાજ્યમાં 16 હજારથી વધુ સંવેદનશીલ મતદાન મથક
  • સંવેદનશીલ મતદાન મથકો પર પેરામિલિટરી ફોર્સ તૈનાત કરાશે
  • મતદાનને લઈ ચૂંટણી પંચની તડામાર તૈયારીઓ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મતદાનને લઈ ચૂંટણી પંચ દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બની છે. સાથે જ ચૂંટણી પંચ-વહીવટી તંત્ર શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે આયોજનમાં લાગ્યુ છે. 2022ની વિધાનસભાની ચૂંટણી માટે 25,430 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જે પૈકી અંદાજે 16000 જેટલા મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. આ સંવેદનશીલ મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ રીતે અને કોઈપણ જાતની ગરબડી ન થાય તે માટે પોલીસ ઉપરાંત પેરા મિલિટરી ફોર્સના જવાનોને ફરજ પર ગોઠવવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે. પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ થનાર છે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરના રોજ થશે. જ્યારે 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં વિધાનસભાની 89 બેઠકો ઉપર મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો ઉપર મતદાન યોજાશે.

182 બેઠકો માટે હવે 1621 ઉમેદવારો મેદાનમાં
રાજયમાં હવે વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. પહેલા તબક્કાની 89 બેઠકો માટે ફાઇનલ રીતે 788 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે. 1લી ડિસેમ્બરે પહેલા તબક્કાનું મતદાન થશે. જ્યારે 5મી ડિસેમ્બરે યોજાનારી બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો હવે મેદાનમાં રહ્યા છે. ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસ બાદ હવે ગુજરાત વિધાનસભા ચૂંટણીમા ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાને રહ્યા છે.

રાજ્યમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવાર સુરતમાં છે. સુરતની 16 બેઠક ઉપર 75 અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે, જેમાં લઘુમતી મુસ્લિમ મતદારો ધરાવતી બેઠકો પર સૌથી વધુ અપક્ષ ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહ્યા છે. સુરત પૂર્વ બેઠક ઉપર કુલ 14 ઉમેદવાર પૈકી 12 ઉમેદવાર લઘુમતી સમાજના છે. સુરત જિલ્લામાં કુલ 168 ઉમેદવાર છે, જેમાં 168 પૈકી 75 અપક્ષ ઉમેદવાર છે. સુરત ઉત્તર બેઠક ઉપર ચાર લઘુમતી અપક્ષ ઉમેદવાર છે, જ્યારે સુરતની લિંબાયત બેઠક ઉપર 44 ઉમેદવાર પૈકી 34 અપક્ષ ઉમેદવાર છે અને તેમાં પણ 31 ઉમેદવારો લઘુમતી છે.

ભાજપ હવે 182 બેઠકો પર ચૂંટણી લડી રહ્યુ છે. જયારે 179 બેઠકો તથા આપ 181 બેઠકો પર ચૂંટણી લડી રહ્યુ છે. પહેલા તબક્કાની 89 બેઠકો માટે 331 જેટલા અપક્ષો તથા બીજા તબક્કાની 93 બેઠકો માટે 281 અપક્ષો મેદાનમાં છે. આ રીતે બન્ને તબક્કામાં 612 અપક્ષો ચૂંટણી લડી રહ્યા છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 794 અપક્ષો તથા 2012ની ચૂંટણીમાં 668 અપક્ષો ચૂંટણી લડ્યા હતા.

Most Popular

To Top