Gujarat Election - 2022

Gujarat Election: ભાજપે જનતા માટે જાહેર કર્યા વચનો, 20 લાખ નોકરીઓ, 6 લેન માર્ગો

ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત વિધાનસભા ચુંટણીના (Election) 5 દિવસ પહેલા ભાજપે (BJP) પોતાનું ‘સંકલ્પ પત્ર’ (ચૂંટણી ઢંઢેરો) જાહેર કર્યો છે. આજે એટલેકે શનિવારે ગાંધીનગરમાં કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા દ્વારા ગુજરાત ચુંટણીને લઈ સંકલ્પ પત્ર (Manifesto) જાહેર કરાયો હતો. આ અવસરે જે.પી.નડ્ડા, ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા સંકલ્પ પત્રના વચનો જણાવવામાં આવ્યા હતા અને આ વચનો પૂરા કરવાની જનતાને ખાતરી આપી હતી. સંકલ્પ પત્રમાં ખેડૂતો, યુવા રોજગાર, દિકરીઓને મફત શિક્ષણ, ફિશિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ રસ્તાઓ, મેટ્રો રેલ બાબતે તેમજ ગુજરાતને 1 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવા અંગેના વચન આપવામાં આવ્યા છે.

કમલમ ખાતે ચુંટણી ઢંઢેરો રજૂ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની જનતાએ ભાજપને ખૂબજ પ્રેમ આપ્યો છે. અગ્રેસર ગુજરાત 2022 સંકલ્પ પત્ર આજે પ્રજા સમક્ષ રજુ કરાઈ રહ્યું છે. ભાજપનો આ સંકલ્પ અન્ય પાર્ટીની જેમ ફક્ત ઘોષણા પત્ર નથી. પરંતુ તે વૈશ્વિક યાત્રાનો દસ્તાવેજ છે. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું હતું કે પ્રજાના સૂચનો એ ભાજપનો સંકલ્પ રહ્યો છે અને એટલે જનતાના સૂચનો લઇ ભારતીય જનતા પાર્ટીએ આ સંકલ્પ પત્ર તૈયાર કર્યો છે. તેમણે કહ્યું કે ભાજપે અત્યાર સુધી તમામ સંકલ્પો પૂર્ણ કર્યા છે.

  • ભાજપે ચૂંટણી ઢંઢેરામાં કયા કયા વચનો આપ્યા?
  • ખેડૂતોના માર્કેટિંગ માટે 10 હજાર કરોડ રૂપિયા ખર્ચાશે.
  • 25 હજાર કરોડ રૂપિયા ખર્ચીને સિંચાઈ વ્યવસ્થાને મજબૂત બનાવશે.
  • 500 કરોડનો ખર્ચ કરીને ગૌશાળાઓને મજબૂત બનાવીશું.
  • એક હજાર વધારાની મોબાઈલ વેટરનરી હોસ્પિટલ શરૂ કરશે.
  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે સી ફૂડ પાર્ક તૈયાર કરશે.
  • યુવાનો માટે 20 લાખ નોકરીઓ વિકસાવવામાં આવશે.
  • સ્કૂલ ઓફ એક્સેલન્સ તૈયાર કરવા માટે રૂ. 10,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
  • ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ના 100% અમલીકરણ દ્વારા ગુજરાતના દરેક નાગરિકને પોતાનું પાકું ઘર મળે તેવું સુનિશ્ચિત કરાશે.
  • PDS સિસ્ટમના માધ્યમથી દર મહિને 1 કિલો ચણા અને વર્ષમાં ચાર વખત 1 લીટર ખાદ્ય તેલ આપવામાં આવશે. 
  • ટ્રાઈબલ સબ પ્લાન હેઠળના 56 તાલુકામાં મોબાઈલ વાન મારફતે રાશન વિતરણની વ્યવસ્થા શરૂ કરાશે.
  • આદિવાસી ક્ષેત્રોના સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસ માટે ‘વનબંધુ કલ્યાણ યોજના 2.0’ હેઠળ ₹1 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે.
  • દેશનો પહેલો બ્લુ ઈકોનોમી ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર તૈયાર થઈ જશે.
  • ફિશિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ મજબૂત કરવામાં આવશે.
  • સમગ્ર ગુજરાતને 04 અને 06 લેન રોડથી જોડશે. ફ્લાયઓવર બનશે.
  • ગુજરાત ઓલિમ્પિક મિશન હેઠળ વિશ્વ કક્ષાના રમતગમત સુવિધા કેન્દ્રો બનાવવામાં આવશે.
  • ગુજરાતને 1 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવામાં આવશે.
  • ગુજરાતમાં 1630 કિમી લાંબો પરિક્રમા પથ બનાવવામાં આવશે. 
  • સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હાઇવે ગ્રીડ બનાવવામાં આવશે.
  • દ્વારકામાં શ્રીકૃષ્ણની ભવ્ય મૂર્તિ બનાવવામાં આવશે, ખાસ ગેલેરી પણ બનાવવામાં આવશે.
  • KGથી લઈને PG સુધી દીકરીઓને મફત શિક્ષણ અપાશે, 9થી 12ની વિદ્યાર્થિનીઓને સાઇકલ અપાશે, 1 લાખ સરકારી નોકરી મહિલાઓને અપાશે.
  • આર્થિક રીતે પછાત બહેનોને ઈ-સ્કૂટર અપાશે
  • વ્હાલી દીકરી યોજના હેઠળ 1.5 લાખની સહાય અપાશે.
  • સિનિયર સીટીઝન મહિલાઓ ફ્રીમાં બસ મુસાફરી કરી શકશે.
  • આદિવાસીના સામાજિક આર્થિક વિકાસ માટે વનબંધુ યોજના હેઠળ 1 લાખ કરોડનો ખર્ચ કરાશે.
  • સિવિલ એવિએશનમાં NO.1  આપણું ગુજરાત બનશે, સૌથી વધુ સંખ્યામાં ડોમેસ્ટિક-ઈન્ટરનેશનલ એરપોર્ટને કાર્યન્વિત કરાશે.
  • ₹80,000 કરોડના રોકાણના લક્ષ્ય સાથે શ્યામજી કૃષ્ણ વર્મા રિન્યૂએબલ એનર્જી મિશન શરૂ કરાશે 
  • ₹1,000 કરોડથી વધુના ખર્ચે પોલીસ ફોર્સનું આધુનિકીકરણ કરવામાં આવશે.
  • આગામી 5 વર્ષમાં ₹5 લાખ કરોડનું વિદેશી રોકાણ લવાશે. 
  • યુવાનો માટે રોજગારી ઊભી થાય તે હેતુથી આદિવાસી વિસ્તારોમાં 8 GIDCની સ્થાપના કરવામાં આવશે.
  • શહેરી વિસ્તારોમાં ગીચતા ઘટાડવા (સેટેલાઇટ ટાઉનશીપ્સ) અને નાગરિકોના જીવનસ્તરમાં સુધારો કરવા (રિવરફ્રન્ટ, રિક્રિએશનલ પાર્ક્સ, અર્બન ફોરેસ્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ્સ) માટે ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળ ₹25,000 કરોડનો ખર્ચ કરાશે.
  • ગાંધીનગર અને સુરત મેટ્રોની કામગીરીને નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ કરવાનું સુનિશ્ચિત કરવામાં આવશે.
  • સૌરાષ્ટ્ર (રાજકોટ) અને મધ્ય ગુજરાત (વડોદરા)ની પ્રથમ મેટ્રો રેલ સેવા પર ઝડપથી કામ શરૂ કરાશે.
  • મંદિરોના જીર્ણોદ્ધાર અને વિસ્તરણ માટે સોમનાથ, અંબાજી તથા પાવાગઢના સફળ ટ્રાન્સફોર્મેશન મોડેલને અનુસરીને આ હેતુ માટે ₹1,000 કરોડ ફાળવવામાં આવશે.

જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન હવે ફક્ત 5 દિવસ બાકી છે ત્યારે ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ પહેલા ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા 5 નવેમ્બરના રોજ ‘અગ્રેસર ગુજરાત’ કેમ્પેન લોન્ચ કરાયું હતું. જેમાં તા. 15 નવેમ્બર સુધી ગુજરાતની જનતા પાસે ભાજપ દ્વારા સૂચનો માંગવામાં આવ્યા હતા. આ માટે ખાસ સૂચન પેટી અનેક સ્થળોએ મૂકવામાં આવી હતી.

Most Popular

To Top