SURAT

રત્નકલાકારોને ઉદ્દેશીને લખાયેલા આ ખુલ્લા પત્રએ રાજકીય પક્ષોને દોડતા કર્યા

સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીનું જોર વધતા આ વખતે ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. સત્તા પક્ષ ભાજપથી નારાજ પાટીદારોને આમ આદમી પાર્ટી પોતાની તરફ ખેંચી રહી છે. તેના લીધે પાટીદાર બહુલ વિસ્તારોમાં ભાજપે વધુ મહેનત કરવી પડી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) રવિવારે વરાછા વિધાનસભા વિસ્તારમાં જાહેર સભા સંબોધી હતી. પાટીદાર વોટબેન્ક માટે ભાજપ ખૂબ મહેનત કરી રહ્યું છે. હવે ભાજપ સામે નવી મુસીબત આવી છે. ગુજરાતના રત્નકલાકારોનું (Ratnakalakar) પ્રતિનિધિત્વ કરતા સંગઠન ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના જાહેર અપીલ કરતા ખુલ્લા પત્રના લીધે ભાજપનું ટેન્શન વધ્યું છે.

શું છે રત્નકલાકારોની માંગણી અને ફરિયાદ?

  • ચૂંટણીમાં જનમેદની ભેગી કરવા રત્નકલાકારોનો દુરુપયોગ કરાય છે.
  • બેરોજગારી અને આર્થિક તંગીના લીધે રત્નકલાકારો આપઘાત કરે છે, તેના પરિવારને સરકાર મદદ કરતી નથી.
  • પૂરતા ડેટાના અભાવે રત્નકલાકારોને સરકારની રત્નદીપ યોજનાનો લાભ મંદીમાં મળ્યો નહીં.
  • રત્નકલાકારોને મજુર કાયદા હેઠળ મળતા લાભો, પીએફ, બોનસ, હક્કરજા, પગાર, સ્લીપ, ઈએસઆઈસી, ઓવરટાઈમ પગાર, ઓળખપત્ર, મોંઘવારી મુજબ પગાર વધારો મળવો જોઈએ.
  • રત્નકલાકારો પાસેથી વસૂલાતા 200 રૂપિયા વ્યવસાય વેરાને નાબૂદ કરાય.

ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને મતદાનના બે દિવસ પૂર્વે એક ખુલ્લો પત્ર ફરતો કર્યો છે. આ પત્રના માધ્યમથી ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ જીલરીયાએ રાજ્યમાં વસતા 20 લાખથી વધુ રત્નકલાકારોને સત્તા પરિવર્તન માટે વોટિંગ કરવા અપીલ કરી છે.

રત્નકલાકારો સત્તાપક્ષ ભાજપથી કેમ નારાજ?
ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ જીલરીયાએ કહ્યું કે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી રત્નકલાકારોના પ્રશ્નો સરકાર સમક્ષ યુનિયન દ્વારા રજૂ કરાતા રહ્યાં છે. સરકારમાં મુખ્યમંત્રી બદલાતા રહ્યાં પરંતુ સમસ્યાઓ ત્યાંની ત્યાં જ રહી છે. થોડા સમય પહેલાં યુનિયન દ્વારા એવી જાહેરાત કરાઈ હતી કે જે રાજકીય પક્ષ હીરા ઉદ્યોગના રત્નકલાકારોના પ્રશ્નો અને સમસ્યાઓ ઉકેલવાની લેખિત ખાતરી આપશે તેને રત્નકલાકારો મત આપશે. આમ આધમી પાર્ટી તથા કોંગ્રેસ પક્ષના અમરીશડેર દ્વારા લેખિત ખાતરી આપવામાં આવી છે. તેથી યુનિયન દ્વારા સત્તા પરિવર્તન માટે વોટ આપવા રત્નકલાકારોને અપીલ કરાઈ છે.

Most Popular

To Top