Gujarat

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનું નિવેદન ભાજપ અને ચોક્કસ લોકોએ તોડી મરડીને રજુ કર્યું છે

અમદાવાદ: પ્રદેશ કોંગ્રેસ (Congress) અધ્યક્ષ જગદીશ ઠાકોરના નિવેદનને ભાજપ (BJP) અને ચોક્કસ લોકો દ્વારા તેને તોડી મરોડીને પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. આખા ભાષણની અંદર અગાઉ શું બોલ્યા છે, પછી શું બોલ્યા એને બદલે એક જ ટુકડો લઈ ભાજપ વિવાદ કરીને રાજ્યની જનતાને સ્પર્શતા મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે બિનજરૂરી વિવાદ-મુદ્દાઓને પ્રજા સમક્ષ ઉછાળવા માટેનું એક સુનિયોજિત ષડયંત્ર કરવાનો પ્રયાસ છે તેવું પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સિનિયર અગ્રણી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.

દેશના સંશાધનો- તિજોરી ઉપર ગરીબ- શોષિત વંચિતોનો હક્ક છે લુટારા – મળતીયાઓનો નહી તેવા સ્પષ્ટ પ્રત્યાઘાત સાથે અર્જુન મોઢવાડીયાએ કહ્યું હતું કે, અમદાવાદમાં એક સદભાવના સંમેલનની અંદર વક્તાઓની સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જે નિવેદન કર્યું અને તે સંદર્ભે ભાજપ અને ચોક્કસ લોકોએ એને તોડી મરડીને પ્રજા સમક્ષ રજુ કર્યું છે. આખા ભાષણની અંદર અગાઉ શું બોલ્યા, પછી શું બોલ્યા એને બદલે એક જ ટુકડો લઈને ભાજપ વિવાદ કરીને રાજ્યના જનતાને સ્પર્ષતા મુખ્ય મુદ્દાઓ બેરોજગારી, મોંઘવારી, પડી ભાગેલી શિક્ષણ, આરોગ્ય સેવા, ખેડૂતોની પારાવાર મુશ્કેલી, કાયદો અને વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ સહિતના પ્રશ્નોથી ધ્યાન ભટકાવવાનું સુનિયોજીત પ્રયત્ન કરી રહી છે અને નોનઈશ્યુના મુદ્દે વિવાદ ઉભો કરી રહી છે. દેશના તત્કાલીક વડાપ્રધાન ડૉ. મનમોહન સીંઘના નિવેદનને આ રીતનું જ તોડી મરોડીને નિવેદન રજુ કરવામાં આવ્યું હતું અને એ વખતના વડાપ્રધાનના કાર્યાલયે સ્પષ્ટતા કરવી પડી હતી કે આખુ નિવેદન ફરી જોવું જોઈએ.

આજે પ્રધાનમંત્રી કાર્યાલયના સત્તાવાર દસ્તાવેજમાં ઉપલબ્ધ છે. સવાલ એટલો જ છે કે આ દેશની તિજોરી ઉપર કોનો અધિકાર છે ? વિજય માલીયા, લલીત મોદી, નિરવ મોદી, મેહુલ ચોક્સી, સાંડેસરા ભાઈઓ સહિતના વિદેશ ભાગી ગયેલા એવા લુંટારાઓનો કે પછી દેશના સામાન્ય પ્રજાજનો કે જેઓ ગરીબ, સામાન્ય, શોષિત અને વંચિત છે તેમનો અધિકાર, ભાજપ જવાબ આપે. દેશના ખેડૂતોનો, ગરીબોનો, દલિતોનો, આદિવાસીઓનો, ઓબીસીઓનો, લઘુમતિઓનો, નાના વેપારીઓનો કે જે માલેતુજાર જેના દેવા વર્તમાન ભાજપની સરકારે માફ કર્યા છે એવા મોટો ઉદ્યોગોનો જેના ૮.૫ લાખ કરોડના દેવા માફ કર્યા છે, શું એનો અધિકાર છે ? ભાજપ જવાબ આપે. આ દેશના સંશાધનો, જંગલની જમીન હોય કે સામાન્ય જમીન હોય, એ જમીનો એક રૂપિયા ચો.મીટરના ભાવે લાખો એકર જમીન ઉદ્યોગપતિઓને આપી તેમનો અધિકાર છે કે ૫૦-૧૦૦ વારનો ઘર મેળવવા સામાન્ય – ગરીબ લોકોનો અધિકાર છે. આ વાત કોંગ્રેસ દેશહિતમાં પ્રજાવતી કરી રહી છે. ભાજપની જનવિરોધી નીતિ અંગે દેશ જવાબ માંગે છે.

Most Popular

To Top