Gujarat

નરેન્દ્ર મોદી પણ આ રેકોર્ડ નથી તોડી શક્યા, જાણો ગુજરાતમાં સૌથી વધુ બેઠકો કોણ જીત્યું હતું?

સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Assembly Election) કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. રાજ્યમાં બે તબક્કામાં તા. 1 અને 5 ડિસેમ્બરે મતદાન (Voting) થશે, જ્યારે તા. 8મી ડિસેમ્બરના રોજ પરિણામ (Result) જાહેર કરવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં ચૂંટણી પ્રચારનો માહોલ પણ શરૂ થઈ ગયો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (CRPatil) રેકોર્ડ બ્રેક વિજયનું મિશન લઈને દોડી રહ્યાં છે. સી.આર. પાટીલની ટીમ તે રેકોર્ડ તોડી શકશે કે નહીં તે તો 8 ડિસેમ્બરે ખબર પડી જશે પરંતુ શું તમે જાણો છો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઈતિહાસમાં સૌથી વધુ બેઠકો જીતવાનો રેકોર્ડ કોના નામે છે? ચાલો જાણીએ…

1985માં કોંગ્રેસે 149 બેઠકો જીતી રેકોર્ડ કર્યો હતો, જે હજુ સુધી તૂટ્યો નથી
ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને ભાજપની લહેર છેલ્લા 20 કરતા વધુ સમયથી ચાલી રહી છે, પરંતુ શું તમને ખબર છે કે રાજ્યમાં સૌથી વધુ જીત સાથે સરકાર બનાવવાનો રેકોર્ડ ભાજપના નામે નથી. આ રેકોર્ડ કોંગ્રેસે કર્યો છે. વર્ષ 1985માં કોંગ્રેસે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક 149 બેઠક પર જીત મેળવી હતી. આ રેકોર્ડ નરેન્દ્ર મોદી પણ તોડી શક્યા નથી. 1985માં ગુજરાતના મુખ્યમંત્રી કોંગ્રેસના માધવસિંહ સોલંકી બન્યા હતા.

1995માં ભાજપે 121 બેઠક પર વિજય મેળવી સરકાર બનાવી હતી
27 વર્ષ પહેલાં ભાજપે પહેલી વાર ગુજરાતમાં પૂર્ણ બહુમતની સરકાર બનાવી હતી. 1995ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 121 બેઠકો પર જીત મેળવીને રાજ્યમાં ભગવો લહેરાવ્યો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસને 45 અને અન્ય પક્ષોને 16 સીટ પર જીત મળી હતી. ત્યાર બાદ 1998માં ફરી ઈલેક્શન થયા હતા ત્યારે ભાજપ 117 સીટ જીત્યું હતું. કોંગ્રેસને 53 અને અન્ય પક્ષો 12 સીટ જીતવામાં સફળ રહ્યાં હતાં.

2002માં મોદીની આગેવાનીમાં રેકોર્ડ સર્જાયો હતો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ બેઠક પર જીત વર્ષ 2002માં મળી હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપે રાજ્યમાં 127 બેઠક પર જીત હાંસલ કરવામાં સફળતા મેળવી હતી. આ ઈલેક્શનનું પરિણામ હજુ પણ ભાજપ માટે લેન્ડમાર્ક સમાન છે. તે ચૂંટણીમાં કોંગ્રેસને 51, અન્યોને 4 બેઠક મળી હતી.

મોદી જ મુખ્યમંત્રી હોવા છતાં 2007માં ભાજપની 10 બેઠકો તૂટી હતી
એકતરફ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની લીડરશીપમાં ભાજપે વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણીમાં 127 બેઠકો પર જીત મેળવી હતી તો તેના પાંચ વર્ષ બાદ મોદી મુખ્યમંત્રી હોવા છતાં ભાજપની બેઠકો તૂટી હતી. વર્ષ 2007માં ભાજપે 117, કોંગ્રેસે 59 અને અન્યોએ 6 બેઠકો પર જીત મેળવી હતી.

2012 અને 2017માં ભાજપની વધુ બેઠકો તૂટી હતી
વર્ષ 2012માં નરેન્દ્ર મોદીની જ અધ્યક્ષતામાં રાજ્યમાં વધુ એક વાર વિધાનસભાની ચૂંટણી ભાજપ લડ્યું હતું, પરંતુ આ વખતે પરિણામ ઘટ્યું હતું. વર્ષ 2007ની 117 બેઠકોની સામે વર્ષ 2012માં 115 બેઠકો પર ભાજપ જીત મેળવી શક્યું હતું. ત્યાર બાદ વર્ષ 2014માં નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી જીતી વડાપ્રધાન બન્યા હતા. ગુજરાતમાં મુખ્યમંત્રીનો ભાર આનંદીબેન પટેલને સોંપાયો હતો. ત્યાર બાદ વર્ષ 2017માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડાઈ ત્યારે ભાજપને મોટો ફટકો પડ્યો હતો. ભાજપ 100નો આંકડો પણ પાર કરી શક્યું નહોતું. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 99 બેઠકો પર જ જીત મેળવી શક્યું હતું. વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસનું જોર વધ્યું હતું. કોંગ્રેસે 77 બેઠક પર જીત હાંસલ કરી હતી. જ્યારે અન્યોએ 6 બેઠક જીતવામાં સફળતા મેળવી હતી.

Most Popular

To Top