Gujarat

ગુજરાતના બોટાદમાં “મોતની પોટલી” પીતા 8 લોકોના મોત, પોલીસ એકશન મોડમાં

ગુજરાત: ગુજરાતમાં (Gujarat) દારુબંધી હોવા છતાં રોજ દારૂની (Alcohol) હેરફેર કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે. નશાનો વેપાર અહીં પણ દેશના બીજા રાજ્યોની જેમ ખૂબ જામ્યો છે. ગુજરાતમાં ફરી એકવાર લઠ્ઠાકાંડની ઘટના ઘટી છે જેના કારણે પોલીસ (Police) એકશન મોડમાં આવી ગઈ છે. બોટાદના બરવાળાના રોજીદ ગામે જીવલેણ દેશી દારૂ પીતા લોકોને ઝેરી અસર થઈ છે. જેમાં 8 લોકોના મોતના (Death) સમાચાર સૂત્રો પાસેથી મળી આવ્યા છે આ ઉપરાંત 5થી વધુ લોકોની હાલત ગંભીર થઈ હોવાની માહિતી મળી આવી છે. કેટલાક લોકોને ભાવનગરની તો કેટલાક લોકોને બોટાદની હોસ્પિટલમાં (Hospital) પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ હજુ પણ મૃત્યુ અંક વધે તેવી શક્યતા વ્યકત કરવામાં આવી છે. ઘટનાના પગલે બોટાદ એસપી-ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. મામલો જોર પકડે તે પહેલા જ અમદાવાદ (Ahmedabad) અને બોટાદ જિલ્લાની પોલીસે તપાસ હાથ ધરી છે.

બોટાદ જિલ્લાના બરવાળાના રોજીદ ગામે બનેલી આ ઘટનાની ગંભીરતાને જોતા રેન્જ આઇજી સહિત એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઉપરાતં રેન્જ આઇજીએ બોટાદ ખાતે હોસ્પિટલની મુલાકાત લઇને સમગ્ર વિગતો અંગે માહિતી પ્રાપ્ત કરી હતી. બોટાદ એસપીની સૂચના બાદ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાંથી મેડીકલ ટીમ આઇસીયુ એમ્બ્યુલન્સ સાથે બોટાદ રવાના થઈ હતી. સંભવિત લઠ્ઠાકાંડની શક્યતાને પગલે નાયબ કલેકટર, પ્રાત અધિકારી અને મામલતદાર રોજીદ ગામની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે. પોલીસ તેમજ અધિકારીઓ દ્વારા હાલમાં ગામની મુલાકાત કરવામાં આવી રહી છે તેમજ તમામની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ અગાઉ રોજીદના ગામના લોકોએ ગામમાં દારૂબંધી કરાવવા માટે પંચાયતને પત્ર લખી રજૂઆત પણ કરી હતી.

હલકી ગુણવત્તાના દારૂથી દૂર રહેવું જોઈએઃ અલ્પેશ ઠાકોર
બરવાળાના રોજીદ ગામે લઠ્ઠાકાંડની કથિત ઘટનાને લઇને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે દુઃખ વ્યક્ત કર્યુ કર્યું છે. તેમણે કહ્યું કે, અમે આ મામલે આંદોલન શરૂ કર્યું હતું. હલકી ગુણવત્તાના દારૂથી દૂર રહેવું જોઈએ. વહીવટી તંત્ર અને અધિકારીઓ દોષિતો સામે કડક કાર્યવાહી કરે. હલકી ગુણવત્તાનો દારૂ બનાવનાર સામે કાર્યવાહી કરો. દોષિતોને લાંબાગાળાની સજા થવી જોઈએ. પોતાના ફાયદા માટે કેટલાક લોકો હલકી ગુણવત્તા વાળો દારૂ બનાવે છે.

Most Popular

To Top