Sports

ગુજરાત ટાઇટન્સ સામેની મંગળવારની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની ચિંતા ડેથ ઓવર બોલિંગ

અમદાવાદ : પાંચ વારની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સની (MI) ટીમ આવતીકાલે મંગળવારે જ્યારે અહીં આઇપીએલની (IPL) મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે મેદાને ઉતરશે ત્યારે સતત ત્રણ મેચ જીત્યા પછી છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે મળેલા પરાજયને ધ્યાને લેતા તેમનો ઇરાદો પોતાની ડેથ ઓવર બોલિંગમાં સુધારો કરવાનો રહેશે. મુંબઇ ઇન્ડિયન્સે આઇપીએલમાં પોતાના અભિયાનની ખરાબ શરૂઆત પછી સતત ત્રણ મેચ જીતી હતી. જો કે શનિવારે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સ સામે મળેલા પરાજય દરમિયાન અંતિમ 5 ઓવરમાં મુંબઇના બોલરોએ 96 રન આપ્યા હતા.

ગુજરાત સામેની મેચ પહેલા મુંબઇ ઇન્ડિયન્સે પોતાની ડેથ ઓવર બોલિંગમાં સુધારો કરવા પર ધ્યાન આપવું પડશે. મુંબઇના ઝડપી બોલરો અર્જુન તેંદુલકર, જેસન બેહરનડોર્ફ, કેમરન ગ્રીન અને જોફ્રા આર્ચરમાંથી દરેકે એ મેચમાં 40થી વધુ રન આપ્યા હતા. માત્ર અનુભવી સ્પીનર પિયુષ ચાવલા અને ઋત્વિક શોકીને સારી બોલિંગ કરી હતી. મુંબઇની બેટીંગ જો કે મજબૂત જણાય છે. સામે પક્ષે ગુજરાતનું બોલિંગ આક્રમણ મજબૂત છે અને તેને ધ્યાને લેતા મુંબઇના બેટ્સમેનો માટે રન બનાવવા સરળ નહીં હોય.

Most Popular

To Top