Charchapatra

સરકારી અધિકારીઓ વહીવટમાં સાધનશુધ્ધિ કેળવે

વહીવટ સાથે સીધા સંકળાયેલા સૌએ એ વાતની નોંધ લેવી રહે, (સરકારી વહીવટ) તલાટીનું 7-12, પોલીસનો શક, નિષ્ણાતનો અભિપ્રાય અને મેજીસ્ટ્રેટનું માનવું. આ જેટલા આત્મનિર્ભર સ્વતંત્ર તેટલો વહીવટ સારો. આજે આ બાબતે ઊંડા ઊતરી વિચારીએ તો જે સડો દેખાઈ રહ્યો છે દા.ત. કામચોરી, લાંચ-રૂશ્વત, નિર્દોષ પ્રજાને ધરમધક્કા, ઢંગધડા વિનાનો રાજય વહીવટ, અરજદારો ભલે હેરાન પરેશાન થતાં રહે એવું વિચારી તુમારશાહી ચલાવવી. આજે તલાટી પૈકી મોટી સંખ્યાના 7-12માં ચેડાં કરે. ષડયંત્રમાં ભાગીદાર બને. પોલીસ મહાશયનો શક ખરો પરંતુ ત્યાં લોભ, લાલચ અને રાજકીય શક હાવી થઇ જાય. નિષ્ણાતો ઇચ્છિત અભિપ્રાય આપે. માનનીય મેજીસ્ટ્રેટનું માનવું ઘણા કિસ્સામાં વાજબી શંકા તરફ લઇ જાય. આ બધું છે છતાં સારી અને ઉજળી વાતો પણ સાંભળવા જોવા મળે છે. હજુ સમય છે. સુધરો તો સારું. પ્રજા વહીવટની સુગંધ ઇચ્છે છે.
નવસારી        -મનુભાઇ ડી. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ઇસ્લામિક કોલેજમાં સંસ્કૃતમાં મંત્રો
કેરળમાં થ્રિસૂર જિલ્લામાં એક ઇસ્લામિક સંસ્થાએ એક અલગ જ ઉદાહરણ પૂરું પાડયું છે. અહીં લાંબા સફેદ વસ્ત્રો પહેરેલા અને સાફો બાંધીને આવતા વિદ્યાર્થીઓ હિન્દુ ગુરુઓના નિરીક્ષણ હેઠળ સંસ્કૃતના શ્લોકો અને મંત્રો શીખી રહ્યા છે. આ સંસ્થામાં શિક્ષક વિદ્યાર્થીઓને ‘ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા’ શિખવાડે છે. વિદ્યાર્થીઓ જુદા જુદા શ્લોકો વાંચે છે. ત્યારે શિક્ષક સંસ્કૃતમાં જ તેમને ઉત્તમ કહે છે. અહીં વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે સંસ્કૃતમાં જ વાતચીત થાય છે. મલિક દીનાર ઇસ્લામિક કોમ્પલેક્ષ (એમઆઇસી) દ્વારા સંચાલિત એકેડેમી ઓફ શરિયા એન્ડ એડવાન્સ્ડ સ્ટડીઝના આચાર્ય ઓનામ્પિલ્લી મુહમ્મદ ફૈઝીએ કહ્યું કે સંસ્કૃત, ઉપનિષદ, પુરાણો વગેરેના અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓમાં અન્ય ધર્મો વિશે જ્ઞાન પ્રાપ્ત થાય છે.

આ સંસ્થામાં સંસ્કૃત ભણાવવાનું કારણ એ પણ છે કે ખુદ ફૈઝીસાહેબે શંકરદર્શનનો અભ્યાસ કર્યો છે. તેઓ કહે છે કે વિદ્યાર્થીઓને અન્ય ધર્મો વિશે અને તેમના રીતરિવાજો વિશે ખબર હોવી જોઇએ. જો કે તેઓ વધુમાં કહે છે કે આઠ વર્ષના ગાળામાં સંસ્કૃતની સાથે સાથે ઉપનિષદ, શાસ્ત્ર તથા વેદોનો ઉંડો અભ્યાસ શકય નથી. ફૈઝીસાહેબની કેવી સુંદર વિશાળ વિચારસરણી! મને લાગે છે કે શાળા કોલેજોમાંગીતાના કેટલાક મુખ્ય શ્લોકો સાથે કુરાનની પણ કેટલીક સુંદર આયાતોનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઇએ! (મેં કુરાન વાંચ્યું છે એટલે કહું છું.)
સુરત-ડો. કિરીટ એન. ડુમસિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top