સરકારી ક્રિપ્ટોકરન્સી આપણી આર્થિક સ્વતંત્રતા કાયમ માટે ઝૂંટવી લેશે

આપણી સરકાર આપણા પર રાજ કરે છે તેનાં અનેક કારણોમાંનું એક કારણ એ  છે કે સરકારના અંકુશ હેઠળ રહેલી ભારતની રિઝર્વ બેન્ક તેની મરજી હોય તેટલી કરન્સી  નોટો છાપી શકે છે અને સરકારને આપી શકે છે. સરકાર આ રૂપિયાનો મનફાવે તેવો ઉપયોગ કરીને પોતાની તાકાત વધારી શકે છે. સરકારે જો પ્રજા પાસેથી કરવેરા ઉઘરાવવા હોય તો તેના માટે કાયદાઓ ઘડવા પડે છે અને મહેનત કરવી પડે છે; પણ કરન્સી છાપવાનું કામ અત્યંત સહેલું છે. હવે ડિજિટલ ટ્રાન્સેક્શનના યુગમાં તો રિઝર્વ બેન્કે કરન્સી છાપવી પણ પડતી નથી. કોમ્પ્યુટરના કિબોર્ડ પર કેટલાક આંકડાઓ ટાઇપ કરીને તે હવામાંથી પૈસા પેદા કરીને સરકારને આપી શકે છે. આપણા દેશમાં કરન્સી નોટો છાપવાની મોનોપોલી કેવળ સરકાર પાસે જ છે. જો બીજી કોઈ પણ વ્યક્તિ કરન્સી નોટો છાપીને તેને ચલણમાં ઘુસાડવાનો પ્રયત્ન કરે તો તેણે જેલની હવા ખાવી પડે છે; પણ બજારમાં ક્રિપ્ટોકરન્સીનું આગમન થતાં જ માહોલ બદલાઈ ગયો છે.

કોઈ પણ વ્યક્તિ બ્લોકચેઇન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ક્રિપ્ટોકરન્સી પેદા કરી શકે છે અને તેને ચલણમાં પણ મૂકી શકે છે. જે રીતે લોકો કાગળના ટુકડાને રૂપિયા માને છે તેમ જો તેઓ ક્રિપ્ટોકરન્સીને પણ નાણું માનવા લાગે તો સરકાર તેમાં કાંઈ કરી શકે તેમ નથી. ભારત સરકારને જ્યારે લાગ્યું કે બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સી તેની આર્થિક તાકાત સામે પડકાર ફેંકી રહી છે ત્યારે ૨૦૧૮ માં તેણે તેના પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. જો કે ભારતના લોકોએ ક્રિપ્ટોકરન્સીમાં એટલું તોતિંગ રોકાણ કરી લીધું હતું કે સુપ્રિમ કોર્ટે તે પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. હવે બિટકોઇન જેવી ખાનગી ક્રિપ્ટોકરન્સી સામે લડવાને બદલે ભારત સરકારે રિઝર્વ બેન્કના માધ્યમથી પોતાની જ ક્રિપ્ટોકરન્સી બહાર પાડવાનો નિર્ણય કર્યો છે, જેને સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) તરીકે ઓળખવામાં આવશે. જો સરકારની આ યોજના સફળ થશે તો ભારતની ૧૩૮ કરોડની જનતાની આર્થિક આઝાદી કેન્દ્ર સરકાર દ્વારા ઝૂંટવી લેવાશે.

ક્રિપ્ટોકરન્સી દ્વારા ભારતની પ્રજા કેવી રીતે સરકારની ગુલામ થઈ જશે તે સમજવા માટે પેપર કરન્સી, ડિજિટલ કરન્સી અને ક્રિપ્ટોકરન્સી વચ્ચેનો ભેદ સમજવાની જરૂર છે. રિઝર્વ બેન્ક દ્વારા  ચલણી નોટો છાપીને સરકારને આપવામાં આવે છે તે પેપર કરન્સી છે. સરકાર પોતાની આર્થિક ખાધ પૂરવા માટે પેપર કરન્સીનો ઉપયોગ કરતી હોય છે. આપણે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઇ જેવા માધ્યમથી જે ઓનલાઇન વ્યવહારો કરીએ છીએ તે ડિજિટલ કરન્સી છે, જેની લેવડદેવડમાં પેપર કરન્સીની બિલકુલ જરૂર રહેતી નથી. આ ડિજિટલ કરન્સી આપણે હાથમાં પકડી શકતા નથી પણ તે બેન્કના એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરાવી શકાય છે. ડિજિટલ કરન્સી તે પેપર કરન્સીનું ડિજિટલ સ્વરૂપ છે. આપણે કોઈ પણ બેન્કમાં કે એટીએમમાં જઈને ડિજિટલ કરન્સીનું રૂપાંતર પેપર કરન્સીમાં કરાવી શકીએ છીએ અને નાણાં વાપરી શકીએ છીએ. ડિજિટલ કરન્સી અને ક્રિપ્ટોકરન્સી વચ્ચે ફરક એટલો છે કે ડિજિટલ કરન્સીનો સંગ્રહ બેન્કના ખાતામાં કરવામાં આવે છે અને તેની લેવડદેવડ કરવા માટે પણ વચ્ચે બેન્કના પ્લેટફોર્મનો ઉપયોગ કરવો પડે છે. ક્રિપ્ટોકરન્સીમાં બેન્કની બિલકુલ જરૂર રહેતી નથી.

ક્રિપ્ટોકરન્સીનો સંગ્રહ ડિજિટલ વોલેટમાં કરવામાં આવે છે અને તેની લેવડદેવડ પણ ઇન્ટરનેટના માધ્યમથી જ કરી શકાય છે. ક્રિપ્ટોકરન્સીનું રૂપાંતર ડાયરેક્ટ પેપર કરન્સીમાં કરી શકાતું નથી. ડિજિટલ કરન્સીમાં જેટલા રૂપિયાની લેવડદેવડ કરવામાં આવે તે પ્રત્યેક રૂપિયા ક્યાંથી આવ્યા છે અને ક્યાં જાય છે, તેનું ટ્રેકિંગ કરી શકાતું નથી. આવી સગવડ પેપર કરન્સીમાં પણ નથી. ક્રિપ્ટોકરન્સીમાં પ્રત્યેક રૂપિયાનું પ્રારંભથી લઈને અંત સુધી ટ્રેકિંગ કરી શકાય છે. વળી પેપર કરન્સી કે ડિજિટલ કરન્સીની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી. તે કાયમ માટે મૂલ્યવાન રહે છે. એક વખત માણસના હાથમાં પેપર કરન્સી આવી જાય તે પછી તેના ઉપર સરકારનો કોઈ અંકુશ રહેતો નથી. તે ભારતના કોઈ પણ ભાગમાં જઈને તેને વટાવી શકે છે અને કોઈ પણ ચીજ ખરીદી શકે છે. ક્રિપ્ટોકરન્સીમાં પદ્ધતિ કાંઇક અલગ જ છે.

સરકાર દ્વારા ક્રિપ્ટોકરન્સી બહાર પાડવામાં આવે ત્યારથી લઈને જ્યાં સુધી તે કરન્સી ચલણમાં હોય ત્યાં સુધી તેના પર સરકારનો જ અંકુશ રહે છે. દરેક ક્રિપ્ટો કોઈન પહેલાં કોની પાસે ગયો, પછી કોની પાસે ગયો, હમણાં કોની પાસે છે, તેનો કઈ રીતે ઉપયોગ થઈ રહ્યો છે, વગેરે તમામ વિગતો ઉપર સરકારની નજર રહેશે. ક્રિપ્ટોકરન્સીના એક્સચેન્જમાં તેની સતત નોંધ થતી રહેશે. વળી સરકાર જ્યારે ચાહે ત્યારે આપણા વોલેટમાં રહેલી ક્રિપ્ટોકરન્સીને રદ જાહેર કરી શકશે.

સરકાર દ્વારા ક્રિપ્ટોકરન્સીના અઢળક ફાયદાઓ ગણાવાઈ રહ્યા છે, પણ તેના ગેરફાયદાઓની ચર્ચા ભાગ્યે જ કરવામાં આવે છે. નીચેના મુદ્દાઓ વિચારણીય છે: (૧) સરકાર દ્વારા સબસિડીના રૂપમાં ગરીબોનાં ખાતાંમાં ક્રિપ્ટો રૂપિયા જમા કરાવવામાં આવશે. આ રૂપિયાની ચોક્કસ એક્સપાયરી ડેટ હશે. જો ગરીબો તેટલા સમયમાં તે રૂપિયાનો ઉપયોગ નહીં કરે તો તે રૂપિયા નાશ પામશે. ગરીબો રૂપિયાની બચત કરી નહીં શકે.

(૨) સરકાર દ્વારા લોકોનાં ખાતાંમાં ક્રિપ્ટો રૂપિયા જમા કરાવવામાં આવશે તેનું પ્રોગ્રામિંગ એવી રીતે થયું હશે કે તેનો ઉપયોગ સરકાર જે રીતે કહે તે રીતે જ કરી શકાશે. દાખલા તરીકે જે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ ઓનલાઇન ખરીદી માટે કરવાનો હોય તેનો ઉપયોગ નજીકમાં આવેલી કરિયાણાની દુકાનમાં ખરીદી કરવા માટે કરી શકાશે નહીં. જે નાણાંનો ઉપયોગ કરિયાણું ખરીદવા માટે કરવાનો હોય તેનો ઉપયોગ સોનું કે કપડાં ખરીદવા માટે કરી શકાશે નહીં. આ રીતે ક્રિપ્ટો રૂપિયા કહેવા માટે આપણા હશે; પણ તેના પર ખરેખરી માલિકી સરકારની જ હશે.

(૩) જો કોઈ પણ વ્યક્તિ સરકારની વિરુદ્ધમાં કંઈ પણ પ્રવૃત્તિ કરે તો તેની પાસે રહેલા ક્રિપ્ટો રૂપિયાને સરકાર માઉસનું ક્લિક કરીને રદબાતલ કરી શકશે, કારણ કે તેની પાસે કયા નંબરની ક્રિપ્ટોકરન્સી છે, તેની વિગતો સરકાર પાસે હશે. જો કોઈ પત્રકાર સરકારની વિરુદ્ધમાં લખે તો તેની પાસે રહેલી ક્રિપ્ટોકરન્સીની કિંમત ઝીરો કરીને તેને સજા કરીને હેરાન કરવામાં આવશે. (૪) શરૂઆતમાં સરકાર દરેક નાગરિકને તેના નિયમિત બેન્ક અકાઉન્ટ ઉપરાંત ક્રિપ્ટો અકાઉન્ટ સ્વૈચ્છિક રીતે ખોલવા પ્રોત્સાહિત કરશે. ક્રિપ્ટોકરન્સીમાં લેવડદેવડ કરનારને જાતજાતનાં પ્રોત્સાહન આપવામાં આવશે. આ રીતે વધુ ને વધુ લોકો ક્રિપ્ટો કરન્સીનાં ખાતાં ખોલાવશે. પછી દરેક નાગરિક માટે ક્રિપ્ટો અકાઉન્ટ ફરજિયાત કરવામાં આવશે. દરેક નાગરિકના ક્રિપ્ટો અકાઉન્ટ ખૂલી ગયા પછી એક સુંદર સવારે રેગ્યુલર ખાતાંઓને ગેરકાયદે જાહેર કરવામાં આવશે.

(૫) દેશના દરેક નાગરિકોનું બધું નાણું ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત થઈ જશે ત્યારે પ્રજા સરકારની સંપૂર્ણપણે ગુલામ બની જશે. પેપર કરન્સી ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવશે. સરકાર જે વસ્તુ ખરીદવાનું કહે તે જ વસ્તુ તેઓ ખરીદી શકશે. જો સરકાર તેમનું ખાતું બ્લોક કરી દેશે તો તેઓ ખાતાંમાં કરોડો રૂપિયા પડ્યા હોય તો પણ ભિખારી બની જશે. દુનિયાની બધી સરકારો સરમુખત્યાર બનવા માટે સરકારના અંકુશ હેઠળની ક્રિપ્ટોકરન્સીને પ્રોત્સાહન આપી રહી છે.
·         આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts