Charchapatra

કોરા કાગળમાં જ ફરસાણ આપો

હાલમાં દેશનાં મોટા ભાગનાં શહેરોમાં મહત્તમ ફરસાણવાળા અને નાસ્તાની રેકડીધારકો ગ્રાહકોને નાસ્તો પ્રિન્ટ કરેલા કાગળોમાં અખબારોની પસ્તીમાં જ આપે છે, જે ખરેખર શહેરીજનોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ફરસાણવાળાઓમાં બહુ જ જૂજ ફરસાણવાળા પ્લેન કાગળ પ્રિન્ટ કર્યા વિનાના કાગળોમાં નાસ્તો ગ્રાહકોને આપતા હોય છે. કેમકે પ્લેન કાગળ અખબારોની પસ્તીની તુલનામાં મોંઘો પડતો હોય છે.  અખબારોની પસ્તીના કાગળમાં નાસ્તો આપવાનો લીધે નાસ્તામાં રહેલું તેલ, સોસ કે માખણ અખબારની પસ્તીના સંપર્કમાં આવવાથી છપાયેલા અક્ષરોનો કલર નાસ્તા સાથે ભળી જાય છે, જે નાસ્તાની ભૂખની લ્હાયમાં ખાનાર વ્યકિતનું ધ્યાન જ જતું નથી. તેનાથી ગ્રાહકો નાસ્તાની સાથોસાથ અખબારના કાગળમાં પ્રિન્ટીંગ કાળો કલર પણ પેટમાં પધરાવતા હોય છે, જે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે અને આના લીધે ખાનારને ભવિષ્યમાં કેન્સર થવાની શક્યતાઓ પણ વધી જાય છે. આ બાબતે દેશનાં શહેરોનું આરોગ્યતંત્ર અને પાલિકા તંત્ર કડક બને અને આ અંગે સઘન ચેકિંગ કરવાનું આયોજન હાથ ધરે તે જરૂરી છે. સાથે સાથે નાસ્તા પ્રેમી શહેરીજનો પણ આ બાબતે જાગૃતિ દાખવે તે પણ એટલું જ જરૂરી છે.
સુરત     – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ભણતરમાં સમયના ફેરફારની જરૂર છે
ભારતનું યુવાધન પરદેશ કેમ ઘસડાઇ જાય છે. તેમાં ભણતરનો સમય પણ ભાગ ભજવે છે. મધ્યમ વર્ગના વિદ્યાર્થી 12 ધોરણથી આગળ થઇ શકતા જ નથી કારણ પિતાની એટલી કમાણી નથી હોતી કે તે પોતાના સંતાનના ભણતરની ફી અને પુસ્તકો લેવાનો ખર્ચ આપી શકે. માલેતુજાર વ્યક્તિનાં અમુક ટકા સંતાનો 12મા પછીનું કોલેજ જ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે છે અને આજે મેળવે પણ છે. પરંતુ અમુક ટકા તો 12 ધોરણ પાસ કર્યા પછી યા પહેલાં પોતાના પિતાના ધંધામાં જોડાઇ જાય છે જ્યારે વિદેશમાં કોલેજના શિક્ષણ સાથે પાર્ટ ટાઇમ વિદ્યાર્થી કોઇ નોકરી કરી શકે છે અને તેની મદદથી ઘણા તો ભણી પણ શકે છે. ઇટલી અને ફ્રાંસ જેવા દેશોમાં તો કોલેજમાં પુસ્તકો લઇ જવાની જરૂર જ રહેતી નથી. કોલેજમાં જ બધું મળી રહે છે. આમ ભારતનો વિદ્યાર્થી પરદેશમાં ઉચ્ચ શિક્ષણ લેવા લાલાયિત રહે છે. પરદેશ ઘસડાવાનો ભારતના વિદ્યાર્થીનો બીજો મુદ્દો કોલેજની ફી અને પુસ્તકોની કિંમતનો ખર્ચ. કોલેજની લાયબ્રેરીમાં પણ ભણતરને લગતાં પુસ્તકો હોતાં નથી કે વિદ્યાર્થી ત્યાં જઇ વાંચીને ભણી શકે. બીજી ભારતમાં ઉલટું એ ચાલે છે કે નાનાં ભૂલકાંઓની શાળાનો સમય સવારે 7થી 11 હોય છે. જ્યારે એ બધાંને માધ્યમિક શાળાઓ અને કોલેજોનો સમય બપોરે 12થી 4 હોય છે. જે સમય નાનાં ભૂલકાંઓ માટેનો છે. આમ આનાથી ઉલટું ભૂલકાંઓનો શાળાઓનો સમય 12થી 4 રાખવામાં આવે તો વિદ્યાર્થીઓ શાળાએ આવી શકે છે અને સાથે નાસ્તા માટે ડબ્બો લાવી શકે અને મોટા વિદ્યાર્થીઓ-માધ્યમિક શાળાઓ અને કોલેજનો સમય સવારથી 7થી 11 રાખવામાં આવે તો વિદ્યાર્થીઓને પાર્ટટાઇમ કામ કરવું હોય તો કરી શકે. શિક્ષણશાસ્ત્રીઓ વિચારે.
પોંડીચેરી          – ડો. કે.ટી. સોની – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top