Business

વિશ્વના ટોપ-20 ધનકૂબેરોની યાદીમાં ગૌતમ અદાણીનું નામ ફરી સામેલ, સંપત્તિમાં અચાનક થયો જોરદાર વધારો

નવી દિલ્હી(New Delhi) : ભારતીય (India) ઉદ્યોગપતિ (Businessman) અને અદાણી (Adani) ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની (GautamAdani) સંપત્તિમાં અચાનક જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. તેના લીધે ફરી એકવાર ગૌતમ અદાણી વિશ્વના ટોપ-20 ધનકૂબેરોની યાદીમાં સામેલ થઈ ગયા છે. બ્લુમબર્ગ બિલેનિયર્સ ઈન્ડેક્સ (Bloomberg Billionaires Index) અનુસાર પાછલા 24 કલાકમાં ગૌતમ અદાણીની નેટવર્થમાં 2.92 અરબ ડોલર એટલે કે અંદાજિત 24,268 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

ગૌતમ અદાણીની સંપત્તિમાં અચાનક 24,000 કરોડનો વધારો થતાં તેઓ દુનિયાના ટોચના અરબપતિઓમાંના ટોપ 20ના લિસ્ટમાં સામેલ થઈ ગયા છે. તેઓ 20માં ક્રમ પર પહોંચ્યા છે. બ્લુમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર તેમની નેટવર્થમાં તાજેતરના વધારા બાદ તેઓની સંપત્તિ 63.8 અરબ ડોલર થઈ છે.

ગયા અઠવાડિયે શુક્રવારે અદાણી ગ્રુપના શેર્સે ભારતીય શેરબજારમાં સારું પ્રદર્શન કર્યું હતું. તેમની લિસ્ટેડ કંપનીઓના શેર્સ બજારમાં ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા. શેર્સની કિંમતોમાં થયેલા વધારાના લીધે અદાણી ગ્રુપનું માર્કેટ કેપિટલાઈઝેશન 11 લાખ કરોડને પાર પહોંચી ચૂક્યું છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં યુએસની ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ પછી અદાણી ગ્રુપ મુશ્કેલીમાં મુકાયું હતું. તેની માર્કેટ કેપમાં ઘટાડો નોંધાયો હતો. આ રિપોર્ટમાં ગૌતમ અદાણીના જૂથ સામે શેરોમાં હેરફેર અને લોન સહિત 88 ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. હિંડનબર્ગ દ્વારા 24 જાન્યુઆરી 2023ના રોજ અદાણી ગ્રુપ વિરુદ્ધનો રિપોર્ટ જાહેર કરાયો હતો. જેની ખૂબ જ માઠી અસર પડી હતી. અદાણી ગ્રુપના શેર્સ તૂટી ગયા હતા. રોકાણકારોએ ભારે નુકસાન વેઠવું પડ્યું હતું.

શુક્રવારે અદાણી ગ્રુપની કંપનીઓના શેર્સની કિંમતોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. તો બીજી તરફ આજે સોમવારે અઠવાડિયાના પહેલાં દિવસે પણ શેરબજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રુપના શેર્સ દોડવા લાગ્યા છે. અદાણી એન્ટરપ્રાઈઝીસનો શેર સવારે 1.56 ટકા વધારા સાથે 2617.50 પર ટ્રેડ કરી રહ્યો હતો. અદાણી પાવરના શેર્સમાં 4.96 ટકાનો વધારો જોવા મળ્યો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સના શેર્સની કિંમતમાં પણ 4.21 ટકાનો ઉછાળો નોંધાયો હતો. તે હાલ 908.65 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

Most Popular

To Top