Gujarat

છેલ્લા નોરતે રૂપાલ ગામમાં લાખો લિટર ઘીની નદીઓ વહી: વરદાયિની માતાજીની પલ્લીમાં હજારો લોકોએ કર્યો અભિષેક

ગાંધીનગર: ગાંધીનગરના (Gandhinagar) રૂપાલ ગામમાં પાંડવ કાળની વરદાયિની માતાજીની પલ્લીની પરંપરા આજે પણ જીવંત છે. દર વર્ષે નવરાત્રિમાં (Navratri) છેલ્લા નોરતે હજારો લોકો માતાજીની પલ્લીમાં લાખો લિટર ઘીનો અભિષેક કરે છે. પ્રતિવર્ષે નવમા નોરતે માતાજીની પલ્લી ભરાય છે. આ વખતે પણ ગઇ કાલે રાત્રે માતાજીની પલ્લી કાઢવામાં આવી હતી. જેના દર્શનનો આનંદ લેવા દૂર દૂરથી હજારો લોકો આવ્યા હતા. માતાની પલ્લી મંદિરથી નીકળીને ગામના 27 ચોકમાંથી પસાર થઈ હતી. જે દરમિયાન લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. જેના કારણે સવારે ગામમાં ઘીની નદીઓ વહેતી હોવાના દ્રશ્યો સર્જાયા હતા.

દર વર્ષે આસો સુદ નૌમના દિવસે ગાંધીનગરના રૂપાલ ગામમાં આનંદ અને ઉત્સાહનો મહાસાગર ઉમટે છે. ગામના તમામ લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર ઉમંગથી માતાજીના કામમાં ભક્તિપૂર્વક કામ કરતા હોય છે. ગામની તમામ ગલીઓમાં ઘીની ખાસ ટ્રોલી રાખવામાં આવી હતી. જે બાદ ભક્તો દ્વારા લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે જ્યારે રૂપાલ ગામમાં માતજીની પલ્લી નીકળે છે ત્યારે ગામના લોકો દ્વારા ઘીનો અભિષેક કરવામાં આવતો નથી. તેમજ તેના બીજા દિવસે દશેરાએ પલ્લી મંદિરમાં મુકાયા બાદ તેઓ માતાજીને ઘી અર્પણ કરે છે.

ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં આવેલું અતિ પ્રાચીન વરદાયિની માતાજીનું મંદિર અલૌકિક છે. એવું માનવામાં આવે છે કે અહીં માતાજી સૃષ્ટીના નિર્માણ સમયથી જ બિરાજમાન છે. માતાજીની આ પલ્લીના દર્શન માટે ન માત્ર ગુજરાત પરંતુ ભારતના જુદા-જુદા રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દેશ બહાર અમેરિકા, લંડનથી પણ ભાવિક ભક્તો ઉમટે છે.

Most Popular

To Top