Gujarat

હનીટ્રેપમાં ફસાયેલા IPS અધિકારીઓ સામે તપાસનો આદેશ, જે લોકોનાં નામ સામે આવશે તેને મળશે સજા

ગાંધીનગર : ગાંધીનગર (Gandhinagar) નજીક કોબા પાસે આવેલી કરાઈ પોલીસ (Police) એકેડમી ખાતે ઈન્દોરથી આવેલી એક સ્વરૂપવાન યુવતીએ છ યુવા આઈપીએસ અધિકારીઓને હનીટ્રેપ કરીને તેઓને લલચાવીને સેક્સ (Sex) કરવા સાથે તેના વીડિયો ઉતારી લીધા છે. જેના પગલે હવે આ છ જેટલા પોલીસ અધિકારીઓએ એકથી દોઢ કરોડ જેટલું મોટુ પેમેન્ટ કર્યુ હોવાની ચર્ચા છે. આજે ગાંધીનગરમાં સચિવાલયમાં આ સમગ્ર હનીટ્રેપ કાંડની ચર્ચા ચાલી હતી. જેના પગલે રાજ્ય સરકારે સમગ્ર હનીટ્રેપ કાંડની તપાસનો આદેશ કર્યો છે. જો કે, સમગ્ર ઘટના અંગે પોલીસ તંત્રમાં સન્નાટો છવાઈ ગયો છે, જાહેરમાં કોઈ કાંઈ બોલવા તૈયાર નથી.

સચિવાલયના ટોચના સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે કરાઈ પોલીસ એકેડમીની અંદરથી આકાર પામેલી આ હનીટ્રેપની ઘટનાની વિસ્તૃત વિગતો સાથે રિપોર્ટ રજુ કરવા ડીજીપી (કરાઈ એકેડમી)ને આદેશ કરાયો છે. જેમાં ઈન્દોરની સ્વરૂપવાન યુવતી કેવી રીતે કરાઈ પોલીસ એકેડમી ખાતે ઘોડેસવારી શીખવા આવી ? ખરેખર કોઈ બહારની વ્યકિત્તઓ આ રીતે કરાઈ એકેડમીમાં ઘોડેસવારી શીખવા આવી શકે કે કેમ ? આ ઈન્દોરની યુવતીની ભલામણ કોણે કરી હતી? ઈન્દોરની યુવતી સાથે હનીટ્રેપમાં કોણ-કોણ યુવા આઈપીએસ અધિકારીઓ જોવા મળ્યા? હનીટ્રેપમાં ફસાયેલા યુવા આઈપીએસ અધિકારીઓના નામ? તેમના નિવેદન લેવા સહિતની વિસ્તૃત સૂચના અપાઈ છે. ઈન્દોરની આ સ્વરૂપવાન યુવતી સરકારની કોઈ સંવોદનશીલ માહિતી પડાવી ગઈ તો નથી ને? આ સમગ્ર બાબતો અંગે તપાસનો રિપોર્ટ આપવાનો રહેશે.

આઈપીએસ અધિકારીઓ યુવતી સાથે હોટેલ તથા રેસ્ટોરેન્ટમાં મળતા હતા
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઈન્દોરની યુવતી જ્યારે કરાઈ એકેડમી ખાતે ઘોડેસવારી શીખવા આવી ત્યારે પોલીસ અધિકારીઓ સાથે એકદમ મિત્રતાભારી રીતે વાતચીત કરતી હતી. તે પછી તેઓની વચ્ચે મોબાઈલ નંબરની આપ -લે પણ થવા પામી હતી. ત્યારબાદ આ ઈન્દોરની યુવતી તથા યુવા આઈપીએસ અધિકારીઓ એકબીજાને હોટેલ તથા રેસ્ટોરેન્ટમાં જમવાના બહાને મળતા હતા. જેમાં આ પોલીસ અધિકારીઓ ન કરવાનું કરી બેસા હતા. જ્યારે આ યુવતી તો બ્લેકમેઈલ કરવાના ઈરાદે જ આવી હતી. તેણીએ બિછાવેલી જાળમાં પોલીસ અધિકારીઓ ફસાઈ રહ્યા હતા. તેનું કોઈ ભાન તેમને રહ્યુ નહોતુ.

અલબત્ત, આ યુવતીએ સ્પાય કેમેરાની મદદ વડે સેક્સના વીડિયો ઉતારી લીધા હતા. તે પછી યુવતીએ બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યુ હતું. એક આઈપીએસ અધિકારીના ઘર સુધી મામલો પહોંચતા પતિ – પત્ની વચ્ચે મામલો બિચકયો હતો. જેના પગલે ગમે ત્યાંથી ભેગા કરીને આ પોલીસ અધિકારીએ એકથી દોઢ કરોડ ચૂકવીને સમાધાન કરી લીધું હતું. જેના પગલે આ યુવતીએ બાકીના અન્ય પાંચ આઈપીએસને પણ બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યુ હતું. સમાજમાં, સરકારમાં અને પરિવારમાં બદનામીના ડરથી મોટી રકમનું પેમેન્ટ ઈન્દોરની યુવતીને કરી દીધા છે. હવે આ યુવતી મોટી રકમ લઈને ભૂગર્ભમાં ચાલી ગઈ છે. જ્યારે જે આઈપીએસ ફસાયેલા છે, તે મોટા ભાગના પરિણીત છે.

આઈપીએસ અધિકારીઓને સંવોદનશીલ સ્થાન પર પોસ્ટિંગ નહીં અપાય
સચિવાલયના ટોચના સૂત્રોએ કહ્યું હતું કે, એક વખત કરાઈ એકેડમીના વડાના તપાસ રિપોર્ટમાં જે પોલીસ અધિકારીઓના નામો બહાર આવશે., તે તમામને હવે પછી સરકાર જ્યારે પણ આઈપીએસની આંતરીક બદલીઓ કરે ત્યારે તેઓને સંવેદનશીલ સ્થાનો પર પોસ્ટિંગ નહીં આપે તે ચોક્કસ નક્કી છે. નૈતિકતાનું ધોરણ આટલું નીચે જતું રહે તેની આજ સજા છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ સારા, સજ્જન અને મૃદુ ભાષી છે એટલે સરકાર કાગળ પર કોઈ પણ જાતની કાર્યવાહી કરવાનું ટાળીને કોઈ પગલાં ભરશે નહીં તેવા ખોટા ભ્રમમાં રહેવાનું કોઈ કારણ જણાતું નથી. આ સમગ્ર કેસ અભ્યાસક્રમની બહારની પ્રવૃતિ (એકસ્ટ્રા કેરિક્યુલર એક્ટિવીટી) કરવાનો છે. સરકાર પાસે જેવો તપાસ રિપોર્ટ આવશે, એટલે તેના પર ભૂપેન્દ્ર પટેલનું ધ્યાન દોરીને પગલા ભરવા આદેશ મેળવાશે. તે પણ નક્કી છે. ભાજપના દિલ્હી દરબારમાં પણ આ સમગ્ર ઘટનાની માહિતી ટુકડે ટુકડે પહોંચી છે, જેના પગલે ભવિષ્યમાં સરકાર જ્યારે આઈપીએસ અધિકારીઓની આંતરીક બદલીઓ કરે ત્યારે હવે હનીટ્રેપમાં ફસાયેલા છ આઈપીએસ અધિકારીઓને સંવેદનશીલ સ્થાન પર પોસ્ટિગ નહીં આપવા પણ ભલામણ કરાઈ છે.

Most Popular

To Top