SURAT

‘તારી પત્ની સાથે એકવાર શરીર સંબંધ બાંધવા દે’, એવું કહેનાર મિત્રની હત્યા કર્યા બાદ..

સુરત (Surat) : પત્ની સાથે શરીરસંબંધ બાંધવાની વાતને લઇને બે મિત્રો વચ્ચેની માથાકૂટ હત્યા (Murder) સુધી પહોંચી હતી. મહિલાના પતિએ તેના જ મિત્રને પહેલા માથામાં બોથર્ડ પદાર્થ મારીને હત્યા કરી નાંખી હતી, મિત્ર જીવતો હશે તેવા ડરથી અડધી રાત્રે જઇને બોડી ઉપર પેટ્રોલ છાંટી સળગાવી દેવામાં આવ્યો હતો. 20 દિવસ પહેલા બનેલી આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે આરોપીને પકડી પાડીને ગુનાનો ભેદ ઉકેલ્યો છે, ગુના અંગે આરોપીની કબૂલાત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

  • પહેલા બોથર્ડ પદાર્થ માર્યો પરંતુ રાત્રે તે જીવતો હોવાની શંકા જતા ફરીવાર પેટ્રોલ છાંટીને હત્યા કરી
  • મિત્રને માર મારીને પહેલા ડેડબોડી ઝાંડી-ઝાંખરામાં ફેકી દીધી હતી
  • હત્યામાં પોલીસ કેવી રીતે તપાસ કરે છે તે જાણવા આરોપી સતત ન્યુઝપેપર વાંચતો હતો

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.24મી માર્ચના રોજ વાલક ગામથી લસકાણા તરફ જતા રેલવે ટ્રેકની બાજુમાં એક યુવકની સળગાવી દેવાયેલી લાશ મળી આવી હતી. પોલીસે આ ડેડબોડીને (Dead Body) સ્મીમેરમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, મૃતક કોણ છે તે અંગે પણ પોલીસને કોઇ માહિતી મળી ન હતી. ડેડબોડીની પાસે મળી આવેલા મોબાઇલના આધારે તપાસ આગળ વધી હતી. ક્રાઇમ બ્રાન્ચે વરાછા, સીમાડા નાકા, સરથાણા, વાલક પાટીયા પાસેના ફૂટપાથ સહિતના સીસીટીવી ફૂટેજો ચેક કર્યા હતા. ચાર દિવસ પહેલા જ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મૃતકની ઓળખ કરી હતી. મૃતકનું નામ સુમિત સુરેશભાઇ પરમાર (દેવીપૂજક) હોવાનું બહાર આવતા પોલીસે તેના મિત્રો અને સંબંધીઓની તપાસ શરૂ કરી હતી.

સીસીટીવી ફૂટેજમાં ઘટનાના દિવસે એક કેમેરામાં મૃતકની સાથે એક યુવકનો પગ દેખાતો હોવાનું ધ્યાને આવતા પોલીસને વધુ એક ક્લુ મળ્યો હતો. આખરે પોલીસ સુમિતના મિત્ર પવન સુરેશભાઇ સોલંકી (દેવીપૂજક)(રહે. શક્તિવિજય સોસાયટી, નાના વરાછા)ની પાસે પહોંચી ગઇ હતી. પોલીસે સરથાણાના સાગવાડી પાસેથી પવનની અટકાયત કરીને પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો. પવને પોલીસને કહ્યું કે, થોડા દિવસો પહેલા સુમિતે મારી પત્ની સાથે છેડતી કરી હતી, મારી પત્નીએ સુમિતને બે તમાચા મારીને બીજીવાર ધ્યાન રાખવા માટે કહ્યું હતું. પરંતુ સુમિત સુધર્યો ન હતો. આ વાતની જાણ મને થતા મેં પણ સુમિતને માર મારીને સાવચેત કર્યો હતો. સુમિત અને પવન બંને ખાવા માટે બહાર ગયા ત્યારે સુમિતે પવનની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાની વાત કહેતા પવન ઉશ્કેરાયો હતો. પવને સુમિતને રેલવે ટ્રેક પાસે લઇ જઇને ત્યાં માથાના ભાગે પથ્થરો મારીને હત્યા કરી નાંખી હતી અને લાશને રેલવે ટ્રેકની ઝાંડી-ઝાંખરામાં ફેંકી દીધી હતી. ત્યારબાદ રાત્રીની સમયે બોડી ઉપર પેટ્રોલ છાંટીને સળગાવી દેવાઇ હતી.

સુમિતની ઓળખ ન થાય તે માટે પેટ્રોલથી મોંઢુ જ સળગાવી દેવાયું હતુ
પવને તેના જ મિત્ર સુમિતને તા. 23મી માર્ચના રોજ સાંજના ચારથી પાંચ વાગ્યાના અરસામાં હત્યા કરી નાંખી હતી, તે ઘરે આવીને સૂઇ ગયો હતો. પરંતુ પવનને ઊંઘ આવી ન હતી. પવન મનમાં ને મનમાં વિચાર કરતો હતો કે, જો સુમિત જીવતો હશે તો તે મારી ઉપર જ હુમલો કરશે અને મારી પત્નીની છેડતી કરશે. ત્યારબાદ રાત્રે ચાર વાગ્યે જ્યાં સુમિતની બોડી ફેંકી દીધી હતી ત્યાં ગયો હતો. રસ્તામાંથી પવને રૂા. 100નું એક લિટર પેટ્રોલ લીધું હતુ. ત્યાં જઇને જોયુ ત્યારે સુમિતની બોડી કામ કરતી ન હતી, તેમ છતાં પવને સૌપ્રથમ મોંઢા ઉપર પેટ્રોલ છાંટ્યું હતું કે જેથી તેની ઓળખ ન થાય, અને ત્યારબાદ શરીરના અન્ય ભાગે પેટ્રોલ છાંટીને સળગાવી દેવાયો હતો. જો કે, આ આગમાં સુમિત પાસેનો મોબાઇલ આગની ઝપેટમાં આવ્યો ન હતો અને પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.

પોલીસ નહીં પકડે તે માટે માનતા માની, માનતા પુરી કરીને આવ્યો કે પોલીસે દબોચી લીધો
પોલીસે જ્યારે પવનને પકડીને તેની પુછપરછ કરી ત્યારે પવનની વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પવને હત્યા બાદ સૌરાષ્ટ્રના વલ્લભીપુર પાસે આવેલા માતાજીના મંદિરની માનતા રાખી હતી. પોલીસ દ્વારા કોઇ તપાસ કરવામાં ન આવે અને ન્યુઝપેપરમાં પણ હત્યાના સમાચાર ન આવે તેમજ પોલીસ તેની ધરપકડ નહીં કરે તે માટે તેણે માનતા રાખી હતી. 15-20 દિવસ છતાં પણ હત્યામાં પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી, આ ઉપરાંત ન્યુઝપેપરમાં પણ સમાચાર આવતા બંધ થઇ ગયા હતા. જેના કારણે પવનને લાગ્યું કે, તેની હવે ધરપકડ નહીં થશે તેવું માનીને પવન વલ્લભીપુર માનતા કરવા માટે ગયો હતો. એક દિવસ પહેલા જ તે માનતા પુરી કરીને આવ્યો હતો, ત્યાં જ પોલીસે તેને દબોચી લીધો હતો.

પોલીસ પવન સુધી કેવી રીતે પહોંચી
સરથાણા પોલીસે શરૂઆતના સમયમાં અજાણ્યાની સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ સાથે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ સાવલીયા અને પીઆઇ લલીત વાઘડીયાની ટીમે સતત મોનિટરીંગ અને તપાસ શરૂ કરી હતી. પોલીસને ફક્ત એક મોબાઇલ જ કામે લાગ્યો હતો. આ મોબાઇલ ચોરીનો હતો. આ મોબાઇલના આઇએમઇઆઇ નંબરના આધારે તેના માલિક સુધી પહોંચ્યા બાદ તેને આ મોબાઇલ કોને વહેચ્યો તે વિશે તપાસ કરાઇ હતી. તેમાં પોલીસ છેક સુમિત સુધી પહોંચી હતી. પોલીસે સુમિતનું નામ શોધ્યા બાદ તેના મિત્રો અને સંબંધીઓની ઓળખ કરવાનું શરૂ કરવા સીસીટીવી ફૂટેજો ચેક કર્યા હતા. પાંચ દિવસ પહેલા જ પોલીસને એક સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યો અને તેઓ છેક આરોપી પવન સુધી પહોંચી ગઇ હતી.

Most Popular

To Top