SURAT

સુરતનાં પાંડેસરામાં બે કારીગરોના મોતની ઘટનામાં બિલ્ડરો પર પોલીસનાં ચાર હાથ

સુરત(Surat): પાંડેસરા(Pandesara) તિરુપતિ સર્કલ નજીક નિર્માણાધીન બિલ્ડિંગના 14મા માળે લિફ્ટ(Lift)નું કામ કરતી વેળા પટકાતાં બે શ્રમજીવી(labourer)નાં મોત(Death) થયા હતા. આ ઘટનામાં પોલીસે સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી સુપરવાઇઝર સહિત ચાર જણાની ધરપકડ કરી હતી. આ ઘટનામાં પેલેડિયમ ઇન્ફ્રા કન્સ્ટ્રક્શન સાઇટના માલિક જય નાયક અને ઝુલ્ફીકાર બદામીને પોલીસ છાવરી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. ઘટનાને ચાર દિવસ વિતી ગયા હોવા છતાં તેઓ પોલીસ પકડથી દૂર છે. બંને માલિક સુરતમાં જ હોવા છતાં પાંડેસરા પોલીસ તેમની કયાં કારણોસર ધરપકડ કરી રહી નથી તે વાત શંકા ઉપજાવી રહી છે. પાંડેસરા પોલીસ આ મામલે વિવાદમાં છે. તેમાં પડદા પાછળ કાંઇક રંધાયું હોવાની ચર્ચા છેડાઇ છે. બિલ્ડરોને છોડી દઇ આ મામલો કાગળ પર ઢાંકી દેવાની ચેષ્ટા કરવામાં આવી રહી છે.

  • પાંડેસરામાં લીફ્ટની કામગીરી દરમિયાન થયા હતા કારીગરોનાં મોત
  • પેલેડિયમ ઇન્ફ્રાના માલિક જય નાયક અને ઝુલ્ફીકાર બદામીની ધરપકડ ક્યારે ?
  • ઘટનાના ચાર દિવસ વીતવા છતાં આરોપી પોલીસ પકડથી દૂર
  • આરોપી સુરતમાં જ હોવા છતાં પોલીસના હાથ કેમ ધ્રૂજે છે

પાંડેસરા પાણીની ટાંકી પાસે આવેલા તિરુપતિનગરમાં પેલેડિયમ ઇન્ફ્રા નામની ૧૫ માળની બિલ્ડિંગનું નિર્માણ ચાલી રહ્યું હતું. ત્યારે ગત શુક્રવારે સવારે શ્રમજીવી આકાશ ઉર્ફે બોરસે (ઉં.વ.22) અને નિલેશ પ્રહલાદ પાટીલ (ઉં.વ.27) (બંને રહે.,હરિઓમનગર, તેરેનામ રોડ, પાંડેસરા) બિલ્ડિંગના 14મા માળે લિફ્ટનું ડ્રિલિંગનું કામ કરતા સમયે નીચે પટકાતાં મોતને ભેટ્યા હતા. આ બનાવમાં પાંડેસરા પોલીસે પેલેડિયમ ઇન્ફ્રા કન્સ્ટ્રક્શન સાઇટના માલિક જય નાયક, ઝુલ્ફીકાર બદામી સહિત સુપરવાઇઝર જેનીશ પટેલ, ડી.કે.એલિવેટર પ્રા.લિ.ના મેનેજર પ્રશાંત શિવાજી સરકલે, એન્જિનિયર પ્રદીપ કાપુરે અને સબ કોન્ટ્રાક્ટર અજય સંજય બોરસે વિરુદ્ધ સાઅપરાધ માનવ વધનો ગુનો નોંધ્યો હતો. જો કે, માલિકોને છાવરીને પોલીસે માત્ર સુપરવાઇઝર સહિત ચાર જણાની જ ધરપકડ કરી હતી. આરોપીઓ સુરતમાં જ હોવા છતાં પાંડેસરા પોલીસ આ ગંભીર ઘટનામાં ભીનું સંકેલી લેવાના ફિરાકમાં હોવાની ચર્ચા છે. ઘટનાને ચાર દિવસ વિતી ગયા હોવા છતાં કન્સ્ટ્રક્શન સાઇટના માલિક જય નાયક કે જેને બિલ્ડર લોબીમાં મોટું માથું ગણવામાં આવે છે તે અને તેના ભાગીદાર ઝુલ્ફીકાર બદામીની પાંડેસરા પોલીસે ધરપકડ કરી નથી.

Most Popular

To Top