Columns

તમામ પાપોની ક્ષમા માંગવાનો પર્વ એટલે પર્યુષણ પર્વ

જૈન ધર્મના હાલમાં પર્વાધિરાજ પર્યુષણ ચાલી રહ્યા છે. પર્યુષણ પર્વનો આઠમો સુવર્ણ દિવસ-સંવત્સરી મહાપર્વ. આ દિવસે સમગ્ર જૈનો સાંજે પ્રતિક્રમણ કરતી વેળા વર્ષ દરમિયાન કરેલ પાપોની ક્ષમા માંગી- જાણતાંઅજાણતાં કોઇ પણ જીવને મનદુ:ખ થયું હોય તેને મન-વચન-કાયાના યોગથી ખમાવી મિચ્છામિ દુક્કડમ્‌ એટલે કે ક્ષમાપના કરે છે. જૈન શાસનમાં ‘ક્ષમા’ને પ્રથમ આદર્શ ગણવામાં આવેલ છે. ક્ષમા એ પર્યુષણ પર્વનો પ્રાણ છે, વિશ્વની શાંતિનો રમણીય રાહ છે. પ્રભુ મહાવીરની દેણ છે, લાખો કરોડોના દાન દેવા સહેલા છે પણ પોતાનાં પાપોની સરળ હૃદયે માફી માંગવી બહુ કઠીન છે. સાડાબાર વર્ષની ઉગ્ર તપશ્ચર્યામાં પ્રભુવીરનું યુધ્ધનું શસ્ત્ર હતું- ‘ક્ષમા’ અને યુધ્ધનીતિ હતી ‘ઉપશમ’થી જીતો. જયાં જયાં આગો ભભૂકી ત્યાં ત્યાં પ્રભુ પ્રેમના, કરૂણાના જળબંબા લઇ દોડયા. ક્ષમા એ જ મોક્ષનો દરવાજો છે.

દૃષ્ટિ વિષ ચંડકૌશિક સર્પે પ્રભુ મહાવીરને જોયા અને ક્રોધની પરાકાષ્ઠા પારાવાર થઇ, ભગવાનને ભસ્મ કરી નાખવાના વિચારથી તે ધમધમાટ દરમાંથી બહાર આવ્યો અને નીચેથી ઉપર ફુવારાની જેમ ઝેર છોડયું, કોઇ અસર ન જણાતાં પગના અંગૂઠા ઉપર જોરથી ડંખ માર્યો પણ લોહીને બદલે દૂધની ધારા વહેતી દેખાઇ તે આશ્ચર્ય પામ્યો ત્યારે શાંત પ્રશાંત મુદ્રામાં રહેલા પરમાત્માએ મધુર અને મીઠી વાણી વડે ચંડકૌશિક સર્પને કહ્યું કે- ‘તું બોધ પામ! બોધ પામ! અર્થાત્‌ તું તારી સમજણને જાગૃત કર, આમ ક્ષમા આપી સર્પને શુભ ધ્યાનમાં ચઢાવી પ્રભુએ વિદાય લીધી. સહિષ્ણુતા-શકિતની છેલ્લી કસોટી પણ ક્ષમાથી જ થાય છે. મનને લેશમાત્ર મેલું ન થવા દેવું એનું નામ ક્ષમા… મીરાંને ઝેરનો કટોરો પીવા માટે આપ્યો તે અમૃત સમજી પી ગયાં. ઇસુને શૂળીએ ચઢાવ્યા અને શાંતિથી મોતને વરી ગયા.અને કહેતા ગયા પ્રભુ તેઓને માફ કરજો!

કોઇ પણ પ્રકારના દુ:ખને કલેશભાવ વગર સહી લેવાની શકિત તે ક્ષમા ધર્મ! માફ કરવું, ભૂલી જવું, જતું કવું, નુકસાન સહન કરીને પણ અન્યના દોષ પ્રત્યે આંખમીંચામણા કરવા એ ક્ષમાવૃત્તિ. ક્ષમા એટલે કરેલી ભૂલની હૃદયપૂર્વક માફી માંગવી. ક્ષમાવૃત્તિના પોષણ અને સંવર્ધન માટે, હૃદયના અતલ ઊંડાણમાંથી પ્રકટતા ઔદાર્યના ઝરણાંની જરૂર પડે છે. ક્ષમાશીલ માણસ જ ઉદાર બની શકે છે. ભૂલ કરવી એ માનવનો સ્વભાવ છે પણ ખરા દિલથી એનું પ્રાયશ્ચિત્ત થવું જોઇએ. ક્ષમાશીલ વ્યકિત જ પોતાનો ‘સ્વ’નો લોપ કરી સર્વનો બને છે.

ક્ષમા અને ઉદારતા પરસ્પર કેવા સહાયક છે તે જોઇએ. એક શેઠના ઘરમાં ઘણાં વર્ષોથી એક બાઇ નોકર કામ કરતી હતી અને તે કુટુંબના સભ્ય જેવી બની ગઇ હતી. ઘરના સૌ એના વિશ્વાસે ઘર ખુલ્લું મૂકીને બહાર જતાં અચકાતાં નહિ. એક વાર બાઇને ઘર સોંપીને બધા બહાર ગયા. બાઇ ઘરમાં એકલી જ હતી. અચાનક શેઠ વહેલા ઘેર આવ્યા પણ ઘરમાં પ્રવેશતાં જ જોયું કે બાઇ એક કબાટમાંથી બધું ઊથલપાથલ કરી પૈસા કાઢતી હતી. શેઠને થયું જો મને જોઇ જશે તો તેને આઘાત લાગશે. બાઇને ભોંઠા ન પડવું પડે તેટલા માટે શેઠ બારણેથી પાછા ફરી ગયા, ખૂબ સિફતથી શેઠને મનમાં થયું, કેટલી મોટી લાચારી આવી હશે ત્યારે આવી પ્રામાણિક બાઇને ચોરી કરવાની દાનત થઇ હશે! એની એક આવી નાનીસરખી ભૂલ માટે હોહા કરી એના જીવનને કલંકિત થોડું થવા દેવાય? શેઠની કેટલી ક્ષમાશીલતા અને ઉદારતા…! 

ઘરમાં વહુથી ઘી-તેલ ઢળી જાય તો, કંઇ તૂટેફૂટે તો સાસુ તરીકે તમે કેટલી સહજ રીતે આ બાબતને સહન કરી લો છો? તમારા હાથ નીચે કામ કરતા માણસો મોડા આવે, ઓફિસમાં કામકાજમાં ભૂલો કરે તો તમે કેટલા ક્ષમાશીલ છો? રડતું બાળક મિજાજ ગુમાવી કાચના વાસણ ફેંકી તોડફોડ કરે ત્યારે તમે કેટલા ક્ષમાશીલ છો? ક્રોધમુકત બનો. તમે તમારી અંદર જ ડોકિયું કરો. આપણને સૌને ખબર પડશે કે આપણે પોતે જ ચણેલી કેટકેટલી ભીંતો અંદર છે, કોઇ ભીંત હેતની છે, તો વળી એકાદ ભીંત વેરની છે, તો ખૂબ ઊંચી એવી એકાદ દીવાલ અભિમાનની છે. આ ભીંતો આપણે જ ઊભી કરી છે એને તોડવી પણ આપણે જ પડશે.

કોઇની પણ ભૂલોનું પિષ્ટપેષણ ન કરીએ. મૈત્રીનું મધુરગાન હોઠ પર લાવી કકળાટ ને ક્રોધને દૂર કરીએ. આમ કરવાથી જીવન હળવું ફૂલ બની જશે. માનવજીવનમાં ડગલે ને પગલે કોઇ ને કોઇ સાથે સંબંધો બાંધવાના, કોઇ સાથે તોડવાના યોગ આવ્યા જ કરે છે. વેરઝેરનાં વમળમાં અને કાવાદાવાના કીચડમાં લપટાયેલો માનવી કયાં સમજે છે કે, સમસ્યાનો સરવાળો, ઉપાધિનો ઉકરડો, સ્વાર્થનું સમરાંગણ અને દાવપેચનું કારખાનું એનું નામ જ સંસાર અને એમાં આપવા જેવી કોઇ વસ્તુ હોય તો તે છે ક્ષમા. – જો તમે પિતા હો તો સંતાનોની મર્યાદાને ખમી ખાઇ એવી ઉદારતા રાખો- જો સંતાન હો તો મા-બાપ પ્રતિ રોજની ફરજોમાં પ્રેમ અને કૃતજ્ઞ ભાવ ઉમેરી જવાબદારી નિભાવો. સાસુ હો તો વહુ પ્રત્યે દીકરી જેવો વાત્સલ્યસભર વ્યવહાર રાખો- જો તમે વહુ હો તો સાસુમાં માતાના દર્શન કરો- જો તમે શેઠ હો તો તમારા નોકરને નોકર નહીં સમજતા કુટુંબનો સભ્ય માનો.

નમવું અને ખમવું એ અરિહંત બનવા માટેની પૂર્વ શરત છે. આદેશ અને સુદેશ બે ભાઇઓ. ઉપાશ્રયમાં ગુરુદેવનું અંતરસ્પર્શી વ્યાખ્યાન મહાભારતના એ દૃશ્યનું બંનેએ સાંભળ્યું. બહાર નીકળ્યા, બહાર આવતાં જ આદેશ વિચારે છે કે- ‘એક મોટા ભાઇ તરીકે મેં નાનાને કેટલું બધું આપ્યું- સમજાવ્યો, જતું કર્યું, એની કેટલીય ભૂલોને માફ કરી પણ એ તો એની ખોટી જીદને જ વળગી રહ્યો છે. સહિયારી દુકાનને એણે તાળાં લગાવી દીધાં, નથી એ દુકાન ચલાવતો કે નથી મને દુકાન ચલાવવા દેતો. અત્યાર સુધી હું ખામોશ હતો પણ હવે તો કોર્ટ જવા સિવાય કોઇ છૂટકો નથી. આદેશે વકીલના ઘર તરફ ચરણ વાળ્યા.

હજુ પાંચ-સાત ડગ માંડ ભર્યા હશે ત્યાં જ પાછળથી આવતો અવાજ ‘મોટા ભાઇ- મોટાભાઇ’ સાંભળતા જ એ ઊભો રહી ગયો. સુદેશ મોટાભાઇને વંદન કરતાં બોલ્યો, ‘મોટાભાઇ, માફ કરજો, તમે તો ઘણું બધું છોડી દેવાની તૈયારી બતાવી હતી. મારી બધી ભૂલોને માફ કરી હતી- હું જ મારી ખોટી જીદને વળગી રહ્યો. હવે મારે દુકાનમાંથી કંઇ જ જોઇતું નથી.  મારી જીદ કુટુંબમાં અશાંતિનું કારણ બને અને બીજું મહાભારત સર્જાય તે મને મંજૂર નથી. બંને ભાઇઓ ક્ષમાના પાવન ઝરણાંથી પવિત્ર બન્યા- ભેટયા. આ છે ક્ષમાની તાકાત!

તો વાચકમિત્રો! આજના સમયમાં પ્રભુ મહાવીરે ચીંધેલા અહિંસા અને ક્ષમાના મંત્રની ખૂબ જ જરૂર છે. જવાળામુખીના જડબા પર બેઠેલી માનવજાતની આજની બેચેનીનો ઉકેલ અહિંસક સમાજરચના અને ક્ષમાપના તરફ ડગ માંડવામાં રહેલો છે, ‘જીવો અને જીવવા દો’ અણુયુધ્ધનો ઓથાર વિશ્વને સમૂળા વિનાશની ચરમસીમા તરફ ધકેલી રહ્યો હોય ત્યારે 21મી સદીમાં પ્રભુ મહાવીરે સ્થાપેલ ‘અનેકાન્તવાદ’ આજની તમામ સમસ્યાની ‘માસ્ટર કી’ છે. જીવનમાં ક્ષમાનું ખૂબ મહત્ત્વ છે. જે ઘરમાં ‘ક્ષમાનું આચરણ ન હોય તો ખૂબ સમૃધ્ધિવાળું ગણાતું ઘર પણ તુચ્છ લાગે છે. આપણે દેવ-દર્શન જપ-તપ બધું કરીશું પણ આપણા હૃદયમાં કોઇ પ્રત્યે કરુણા ન હોય, દયા ન હોય તો તે પુણ્ય પાપમાં બદલાઇ જાય છે.  સૌને ‘મિચ્છામિ દુક્કડમ્‌’.

Most Popular

To Top