Business

ભારતમાં કારનું ઉત્પાદન બંધ કરશે અમેરિકન કંપની ફોર્ડ, ગુજરાતના સાણંદ ખાતે પ્લાન્ટ બંધ કર્યો

ફોર્ડ મોટર કંપની (Ford Motor Company) ભારતમાં કાર (Car) બનાવવાનું બંધ કરશે. કંપની દેશમાં તેના બંને પ્લાન્ટ બંધ કરશે. સૂત્રોએ રોઇટર્સને જણાવ્યું હતું કે ઓટોમેકર બજારમાંથી બહાર નીકળી જશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ફોર્ડે આ નિર્ણય લીધો હતો કારણ કે તેને ચાલુ રાખવું તેમના માટે નફાકારક ન હતું. ભારતીય બજાર લાંબા સમયથી સંઘર્ષના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. જોકે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં લગભગ એક વર્ષનો સમય લાગશે. યુએસ ઓટોમેકર દેશમાં તેની કેટલીક કારની આયાત અને વેચાણ (Selling) ચાલુ રાખશે. તે હાલના ગ્રાહકોને (Customer) સેવા આપવા માટે ડીલરોને (Dealer) સહાય પણ આપશે. જોકે, કંપનીએ આ અંગે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી. ફોર્ડ ભારતમાં ઉત્પાદન બંધ કરનારી નવીનતમ કાર નિર્માતા કંપની છે.

અમેરિકન કાર કંપની ફોર્ડને ભારતમાં યોગ્ય બિઝનેસ ન મળવાથી કંપની પોતાનું ઇન્ડિયા ઓપરેશન ધીમે ધીમે ઘટાડી રહી છે અને કંપનીએ ગુજરાતના સાણંદમાં આવેલા તેના પ્લાન્ટમાં કારનું ઉત્પાદન બંધ કરી દીધું છે. આ અંગે કંપનીએ તેના કર્મચારીઓને પણ જાણ કરી છે. કંપની સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફોર્ડ સાણંદમાં હવે કારનું ઉત્પાદન કરશે નહીં. ફોર્ડ મોટર ઇન્ડિયાએ ગુજરાતમાં સાણંદ ખાતે 2015માં પોતાનો પ્લાન્ટ શરૂ કર્યો હતો. કંપનીએ તેના ચેન્નઈ (તમિલનાડુ) અને સાણંદ (ગુજરાત) પ્લાન્ટમાં આશરે 2.5 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. કંપની આ પ્લાન્ટ્સમાંથી ઉત્પાદિત ઇકોસ્પોર્ટ, ફિગો અને એસ્પાયર જેવા વાહનોનું વેચાણ બંધ કરશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંપની સાણંદમાં એન્જિનનું ઉત્પાદન ચાલુ રાખશે અને અહીંથી એન્જિનની નિકાસ પણ કરવામાં આવશે. કંપનીનો ભારતમાં આ બીજો પ્લાન્ટ છે. ફોર્ડ મોટર કંપની દેશમાં કારનું ઉત્પાદન બંધ કરે તો 4000 થી વધુ કર્મચારીઓને અસર કરશે. ગુજરાત પ્લાન્ટની 2.20 લાખ કારની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા સામે વર્તમાન ઉત્પાદન 30,000-40,000 કારનું છે, એટલે કે પ્લાન્ટનું યુટિલાઈઝેશન તેની ક્ષમતથી ઘણું જ નીચું છે. હાલ સાણંદ પ્લાન્ટમાં 3,000થી વધુ લોકો કામ કરી રહ્યા છે.

ભારતમાં પોતાનો પ્લાન્ટ બંધ કરનારી જનરલ મોટર્સ પછી ફોર્ડ બીજી અમેરિકન ઓટો કંપની છે. બે દાયકાથી વધુ સમય સુધી સંઘર્ષ કર્યા બાદ 2017 માં જનરલ મોટર્સે જાહેરાત કરી હતી કે તે ભારતમાં વાહનોનું વેચાણ બંધ કરશે. કંપનીએ ગુજરાતમાં તેનો હાલોલ પ્લાન્ટ એમજી મોટર્સને વેચ્યો હતો, જ્યારે તેણે મહારાષ્ટ્રમાં તેના તાલેગાંવ પ્લાન્ટને નિકાસ માટે ચલાવવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ ગયા ડિસેમ્બરમાં ત્યાં તેનું ઉત્પાદન બંધ કરી દીધું હતું.

Most Popular

To Top