Columns

ઊડતા, કપાતા, ડૂબતા પતંગો

દરિયાકિનારે બાળકો પતંગ ઉડાડી રહ્યાં હતાં. બાળકોના હાથમાં જુદા જુદા રંગના અને આકારના પતંગો હતા. કોઈના પતંગ આકાશમાં એકદમ ઊંચે ઊડી રહ્યા હતા, જાણે આકાશને આંબી જવાના હોય. અમુક બાળકો પોતાના પતંગને ઉડાડવાની કોશિશ કરી રહ્યાં હતાં. પતંગ ઉપર-નીચે ઊડી રહ્યા હતા. અમુક આકાશને આંબી રહ્યા હતા. અમુક નીચે નીચે ઊડી રહ્યા હતા. 

ઘણા પતંગો વચ્ચે પેચ લડાતા હતા અને પેચ લડાયા બાદ અમુક પતંગ કપાઈ જતાં અમુક પતંગ સામેવાળાના પતંગ કાપી નાખતા હતા.ક્યાંક કોઈનો ઊડતો પતંગ કપાઈને નીચે આવતો હતો તો ક્યાંક વધુ એક પતંગ કાપી અને સફળતાનો આનંદ હતો.અમુક પતંગ હવામાં ગોથાં ખાતાં નીચે આવી ગયા હતા. અમુક કપાયેલા પતંગ દરિયાનાં પાણીમાં ડૂબી રહ્યા હતા. આ તો પતંગની રમત હતી અને આનંદ હતો.  દરિયાકિનારે એક માતા પોતાના બાળકને લઈને ફરવા આવી હતી. બધાને પતંગ ઉડાડતાં જોઈ નાનકડા છોકરાને પણ પતંગ ઉડાડવાનું મન થયું.

માતાએ તેને બ્લુ રંગનો પતંગ અપાવ્યો. બાળક ખુશ થઈ પતંગ ઉડાડવા લાગ્યો.  પતંગ ઉપર ઊડ્યો. બાળક ખુશ થઈ ગયો. થોડી વારમાં પતંગ કપાઈ ગયો. ગોથાં ખાઈને દરિયાનાં પાણીમાં પડ્યો. બાળક મમ્મી પાસે ગયો. મમ્મીએ પૂછ્યું, ‘‘શું થયું?’’ બાળકે રડમસ અવાજે કહ્યું, ‘‘મમ્મી મારો પતંગ…’’આટલું કહીને દરિયાની સપાટી પર તરતા બ્લુ પતંગ તરફ તેણે આંગળી કરી અને રડવા લાગ્યો.

માતાએ બાળકને વ્હાલ કરી શાંત કર્યો પછી સમજાવતાં કહ્યું, ‘‘બેટા વાંધો નહીં. હું તને બીજો પતંગ અપાવીશ પણ પહેલાં મારી વાત સાંભળ. જો આ પતંગ આપણને જીવનની સમજ આપે છે તે સમજ. પતંગ ઉડાડીએ કે ઉપર ઉપર જાય એમ જીવનમાં ઉપર ઊઠવા સફળતા મેળવવા જીવનમાં ક્યારેક ઢીલ છોડવી પડે. અમુક વસ્તુ, જીદ, અભિમાન છોડવાં પડે. પતંગ ઉડાડતાં ક્યારેક બરાબર માંજો પકડીને રાખવો પડે તેમ ક્યારેક સત્યને બરાબર સાથ આપવો પડે. હવાના સહકારથી પતંગ સહેલાઈથી હવામાં ઊડે તેમ જીવનમાં સાચા મિત્રો અને સ્વજનોના સાથથી આપણે આગળ વધી શકીએ.

હવાની રુખ બદલાય જે આપણા હાથમાં ન હોય તેમ જીવનમાં ક્યારેક અમુક સંજોગો આપણા હાથ બહારની વસ્તુઓ હોય. જેમ પતંગ ઉડાડતાં પેચ લાગે અને હાથમાંની દોરી કપાઈ જાય તેમ અમુક વાર નિષ્ફળતાનો સામનો પણ કરવો પડે. હવામાં ગોથાં ખાતાં ખાતાં પતંગ નીચે પડે તેમ જીવનમાં પણ તકલીફો આવે, હવાની દિશા બદલાય તેમ જીવનમાં પણ પરિવર્તન આવે, બસ પતંગ ઉડાડતાં રહેવું અને મોજ માણતાં રહેવું એમ જીવન જીવતાં રહેવું અને આગળ વધવાના પ્રયત્નો કરતા રહેવા.’’ માતાએ પોતાના દીકરાને સુંદર સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top