SURAT

સુરત: બાઈક પર બે જણા આવ્યા અને વેપારી પર ધડાધડ ગોળીઓ વરસાવી પણ…

સુરત: સુરત શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર ક્રાઈમ ફ્રી સિટી બનાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. અનડિટેક્ટેડ ગુનાઓ ઉકેલી વોન્ટેડ ગુનેગારોને પાંજરે પુરી રહ્યાં છે ત્યારે બીજી તરફ શહેરમાં માથાભારે તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યાં છે. આવી જ એક ઘટના આજે શનિવારે સવારે સુરત શહેરના ઉધના વિસ્તારમાં બની હતી. અહીં બાઈક પર આવેલા બે અજાણ્યા હુમલાખોરોએ ભંગારના વેપારી પર ફાયરીંગ (Firing On Scrap Trader In Surat) કર્યું હતું. જોકે, મિસફાયર થતા વેપારીનો જીવ બચી ગયો હતો. ઘટનાની જાણ થતાં સુરત શહેર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

  • સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા: ઉધના વિસ્તારના રોડ નં. 9 પર ફાયરીંગની ઘટના બની
  • ભંગારનો વેપારી જાવેદ શાહ દુકાનની બહાર ઉભો હતો ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા હુમલાખોરોએ આડેધડ ફાયરીંગ કર્યું
  • મિસફાયર થતાં ભંગારના વેપારી બચી ગયા, પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી: અંગત અદાવતમાં હુમલો થયો હોવાનું પ્રાથમિક તારણ

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે 10.15 કલાકની આસપાસ ઉધનાના રોડ નં. 9 પર ફાયરીંગની ઘટના બની હતી. અહીં ભંગારના વેપારી જાવેદ સલીમ શાહ પોતાની દુકાન પાસે ઉભા હતા ત્યારે બે અજાણ્યા ઈસમો બાઈક પર આવ્યા હતા અને તેમની પર આડેધડ ફાયરીંગ કર્યું હતું. જોકે, મિસ ફાયર થયું હતું. રોડ પર મિસ ફાયર થયા બાદ બુલેટ પ્લાસ્ટીકની ડોલ સાથે અથડાઈ હતી. આ ફાયરીંગમાં ભંગારના વેપારી જાવેદ સલીમ શાહનો બચાવ થયો હતો. કોઈને કોઈ ઈજા થઈ નહોતી. ફાયરીંગ કર્યા બાદ હુમલાખોરો બાઈક પર ભાગી છૂટ્યા હતા. જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અંગત અદાવતના લીધે ફાયરીંગ થયું હોવાની પ્રાથમિક તપાસમાં વિગતો બહાર આવી હતી.

તમને જણાવી દઈએ કે જાવેદ સલીમ શાહનો ભાઈ બુટલેગર છે. કઈ જૂની અંગત અદાવતમાં હુમલો થયો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી હુમલાખોરોનો તાગ મેળવવાનો પ્રયાસ શરૂ કરાયો છે, બીજી તરફ ભંગારના વેપારીની કોની સાથે દુશ્મની હતી તે જાણવાના પ્રયાસો પણ શરૂ કરાયા છે.

Most Popular

To Top