SURAT

ભેસ્તાનમાં લાગેલી આગ કાબુમાં લેવા ફાયર બ્રિગેડે ખાડા ખોદવા પડ્યા

સુરત : શહેરના પાંડેસરા વિસ્તારમાં બાટલીબોય પાસે આવેલા એક કેમિકલના ગોડાઉનમાં ગઇકાલે મોડીરાત્રે ભીષણ આગ (Fire) લાગી હતી. બનાવની જાણ થતાની સાથે જ ત્રણ ફાયર સ્ટેશનથી (Fire Station) ફાયરબ્રિગ્રેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ફાયરબ્રિગ્રેડના જવાનોએ તાત્કાલિક પાણીનો મારો કરી આગને કાબુમાં લેવાની તજવીજ હાથ ધરી હતી. જોકે આ દરમિયાન કંપનીના ગોડાઉનમાં રહેલ બ્લિચિંગ પાઉડરના કારણે વોટર રિએક્શન થતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે બાદમાં ફાયરબ્રિગ્રેડના જવાનોએ તાત્કાલિક જેસીબી (JCB) મશીન બોલાવી જમીનમાં ૫૦૦૦ સ્કવેર મિત્રનો ખાડો ખોદી બ્લિચિંગ પાઉડરને તેમાં દાટવો પડ્યો હતો. જોકે આ કામગીરી દરમિયાન એક ફાયરબ્રિગ્રેડના માર્શલને ગભરામણ થતાં તેને સારવાર આપવાની ફરજ પડી હતી.

બનાવની વિગત એવી છે કે ભેસ્તાન બાટલી બોય સામે શનિદેવ મંદિરની બાજુની ગલીમાં આવેલ કેમિકલના ગોડાઉનમાં મોડીરાત્રે ૩ વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ લાગી હતી. કેમિકલના ગોડાઉનમાં આગ લાગ્યાનો કોલ મળતાની સાથે જ ભેસ્તાન, માન દરવાજા અને ડુંભાલ ફાયર સ્ટેશનથી કુલ છ જેટલી ગાડીઓ ઘટના સ્થળે ખડકી દેવામાં આવી હતી. ફાયરબ્રિગ્રેડના જવાનોએ તાત્કાલિક પાણીનો મારો કરી આગને કાબુમાં લીધી હતી. જો કે આગ લાગી ત્યારે કંપનીમાં મોટા પ્રમાણમાં બ્લિચિંગ પાઉડરનો જથ્થો પણ અંદર પડ્યો હતો.

બ્લિચિંગ પાઉડરનો જથ્થો અંદર હોવાની વાત કેમિકલ કંપનીના સંચાલકોએ ફાયરબ્રિગ્રેડ થી છુપાવી હતી. આગને કાબુમાં લેવા કરાયેલો પાણીનો જથ્થો ગોડાઉનમાં મૂકી રાખેલ બ્લિચિંગ પાઉડર સુધી પહોંચતા વોટર રિએક્શન આવ્યું હતું. જેના કારણે ભયંકર ધુમાડો નીકળતા નજીકમાં કામ કરી માન દરવાજા ફાયર સ્ટેશનનો માર્શલ સુરજ શુક્લાના શ્વાસમાં ગેસ જતા તેને ગભરામણ થઇ હતી અને જીવ ગભરાયો હતો. જેથી તાત્કાલિક ત્યાં જ એમ્બ્યુલન્સ બોલાવી તેમને સારવાર આપી ઘરે રવાના કરવામાં આવ્યા હતા. ભીષણ આગને તો ફાયરબ્રિગેડના જવાનોએ કાબુમાં લઇ લીધી હતી. પરંતુ પાણીના કારણે વોટર રિએક્શન આવતા મામલો વધુ ગંભીર બન્યો હતો.

જેસીબી મશીનથી વિશાળ ખાડો ખોડી બ્લિચિંગ પાવડર દાટી દેવાતા મોટી દુર્ઘટના બનતા રહી ગઈ
કેમિકલના ગોડાઉનમાં સર્જાયેલી વોટર રિએક્શનની ઘટનાને વધુ ગંભીર બનતા અટકાવી દેવામાં આવી હતી. સ્થળ પર હાજર માન દરવાજા ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર ક્રિષ્ના મોઢ એ તાત્કાલિક જેસીબી મશીનથી ૫૦૦૦ સ્કેવર મીટરમાં ખાડો ખોદાવી બ્લિચિંગ પાઉડર દાટવાની કામગીરી કરી હતી. ઉલ્લેખનીય છે કે શરૂઆતના તબક્કામાં જ આ ઘટના વધુ ગંભીર બને તે પહેલા જ અટકાવી દેવાઈ હતી. જો વધુ માત્રામાં બ્લિચિંગ પાઉડરમાં વોટર રિએક્શન આવ્યું હોત તો મોટી માત્રામાં ધુમાડો ફેલાયો હોત અને તેમાંથી ઉત્પન્ન થયેલા ગેસના કારણે લોકોના જીવને પણ જોખમ ઉભું થાત તેમાં કોઈ બે મત નથી.

Most Popular

To Top