Columns

હારનો સામનો

રીના તેના બાર વર્ષના દીકરા કિયાન સાથે બેડમિન્ટન રમી રહી હતી.આજે કીયાનના મિત્રો પણ ઘરે મેચ રમવા માટે આવ્યા હતા.રીના પોતે કોલેજમાં નેશનલ લેવલ સુધી બેડમિન્ટન રમી હતી.કિયાનને પણ બેડમિન્ટન રમવાનો શોખ મમ્મી તરફથી જ મળ્યો હતો.રીના કિયાન સાથે નાનપણથી બેડમિન્ટન રમતી તેને શીખવતી તે તેની પહેલી કોચ હતી.અત્યાર સુધી લગભગ રોજ બેડમિન્ટન રમતા મમ્મી અને દીકરામાં રોજ મમ્મી જ જીતતી અને કિયાન રોજ હારતો.મેચ બાદ રીના તેને મેચમાં શું ભૂલ થઇ, કયા કચાશ રહી ગઈ તે સમજાવતી.

આજે પણ બેડમિન્ટન મેચ ચાલુ હતી.બ્રેકમાં કીયાનના દાદી શરબત લઈને આવ્યા અને રીના પાસે જઈને બોલ્યા, ‘વહુ બેટા, તું જાણકાર છે અને તું રોજ જ જીતે છે આજે કીયાનના દોસ્ત પણ આવ્યા છે તો તેને જીતવા દે…મને ગમશે અને કિયાન પણ ખુશ ખુશ થઇ જશે.’રીના બોલી, ‘મમ્મી, કિયાન ખુશ થઇ જાય તે તો મને પણ બહુ ગમશે પણ ખોટી જીત મેળવીને ખુશ થાય તેનો શો મતલબ …જીત તો મહેનતથી મેળવેલી હોવી જોઈએ ખોટે ખોટી નહિ.એવી જીત કરતા તો હાર સારી અને હારનો સામનો કરતા આવડે તે જ પહેલી જીત છે.’

દાદી બોલ્યા, ‘પણ રીના રોજ તો તું જ જીતે છે અને કિયાન હારે છે.રોજ તો તે હારનો સામનો કરે જ છે ને….તો એક દિવસ જીતી જશે તો શું વાંધો છે?’રીના બોલી, ‘જયારે જાત મહેનતથી જીતશે ત્યારે સારું ત્યાં સુધી હારનો સામનો કરશે તે જ બરાબર છે.’મેચ શરુ થઇ અને રીના મેચ જીતી ગઈ. એક દિવસ કીયાનના ઘરે રીનાની કોલેજ ફ્રેન્ડ મિતાલી આવી હતી તે પણ બેડમિન્ટન ચેમ્પિયન હતી. કિયાન બોલ્યો, ‘મિતાલી આંટી તમે બેડમિન્ટન રમો છો ?હું અને મમ્મી રોજ રમીએ છીએ અને મમ્મી મને રોજ હરાવે છે.’મિતાલી આન્ટીએ કહ્યું, ‘હા બેટા રોજ નહિ પણ કોઈક કોઈકવાર રમું છું.’

કિયાન બોલ્યો, ‘ચાલો આંટી તો આજે મમ્મી અને તમારી વચ્ચે એક મેચ થઇ જાય.’મિતાલી અને રીના હસવા લાગ્યા અને મેચ રમવા તૈયાર થઇ ગયા.મેચ ચાલુ થઇ અને આજે મેચમાં રીના હારી ગઈ અને તેની દોસ્ત મિતાલી જીતી ગઈ.કીયાનના દાદી વહુ રીના હારી તો મનમાં રાજી થયા કે હવે રીનાને ખબર પડશે કે હારવાથી કેવું દુઃખ થાય.કીયાનને બહુ દુઃખ થયું તે વિચારી જ શકતો ન હતો કે તેની મમ્મી હારી શકે…રીના અને મિતાલી એકબીજાને ભેટ્યા.કીયાનનું નાનું મોઢું જોઈ મિતાલી બોલી, ‘રીના તારા દીકરાને તેની મમ્મી હારી તે ગમ્યું નથી.’રીના બોલી, ‘વાંધો નહિ, રમતમાં જે વધુ સારું રમે તે જીતે તે તેણે સમજવું પડશે અને જીતવા પહેલા જે હાર જોઈ શકે , સમજી શકે અને પચાવી શકે તે જ આગળ જીતી શકે છે.’મિતાલીએ બોલી, ‘તું બેસ્ટ ‘મમ્મા કોચ’છે.’
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top