Gujarat

પૂરતા પરીક્ષા કેન્દ્ર મળે તો 30મી એપ્રિલે તલાટીની પરીક્ષા લેવાશે: હસમુખ પટેલ

ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે (Hasmukh Patel) આજે એવા સંકેત આપ્યા હતા કે આગામી તા.30મી એપ્રિલે તલાટીની પરીક્ષા (Exam) લેવા માટે પૂરાત પરીક્ષા કેન્દ્ર મળશે તો જ પરીક્ષા લેવાશે. તેમણે કહ્યું હતું કે તલાટીની પરીક્ષા 30 એપ્રિલે યોજવી કે નહીં, તે અંગે 3 દિવસમાં જ નિર્ણય લેવાશે. જૂનિયર ક્લાર્કની પરીક્ષા બાદ હવે તલાટીની પરીક્ષા પંચાયત વિભાગની પ્રાથમિકતા છે. જો પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ થશે તો જ 30મી એપ્રિલે તલાટીની પરીક્ષા યોજવાની જાહેરાત કરીશું.

તલાટીની પરીક્ષા માટે સાડા સત્તર લાખ જેટલા ઉમેદવારો છે. જેમના માટે 5 હજાર 700 પરીક્ષા કેન્દ્રોની જરૂર છે. પરંતુ અત્યાર સુધીમાં માત્ર 3 હજાર 22 જેટલા જ પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ બન્યા છે. એવામાં અઢી હજારથી વધુ પરીક્ષા કેન્દ્રોની હજુ સગવડતા કરવાની બાકી છે. ત્યારે આ અંગે ફાઈનલ નિર્ણય 3 દિવસમાં લેવાશે. પટેલે કહ્યું હતું કે શાળાઓ પરીક્ષા કેન્દ્રો આપવા તૈયાર છે, જો કે કોલેજો પરીક્ષા કેન્દ્રો આપી રહી નથી.એટલે કોલેજોના સંચાલકો તથા પ્રિન્સીપલ સાથે ચર્ચા બાદ આગામી ત્રણેક દિવસની અંદર આખરી નિર્ણય લેવાશે.

વિના વિધ્ને પાર પડી જુનિયર કલાર્કની પરીક્ષા, જુનમાં પરિણામ જાહેર થશે
ગાંધીનગર: રાજયમાં 1053 કરતાં વધુ જગ્યા માટે આજે 3000 જેટલા પરીક્ષા કેન્દ્રો પર રાજયભરમાં જુનિયર કલાર્કની પરીક્ષા લેવાઈ હતી. પેપર લીક રોકવા માટે સરકારે નવો કાયદો ઘડયા પછી આજે પહેલી વખત સરકાર દ્વારા જુનિયર કલાર્કની મહત્વની પરીક્ષા લેવાઈ હતી. ખાસ કરીને પેપર લીક કરવાના કાવતરાથી લઈને , પેપર લીક કરવું , પેપર વેચવું તેવા વિવિધ ગુનાઓ માટે 10 વર્ષની કેદની જોગવાઈ સાથે કાયદામાં 1 કરો઼ડની દંડની સજા તેમજ આરોપીઓની પ્રોપર્ટી પણ જપ્ત કરવાની જોગવાઈ કરાઈ છે. પરીક્ષા આપીને હસતા ચહેરે બહાર આવેલા વિદ્યાર્થીઓએ કહયું હતું કે પેપર અધરૂં નહોતું, અલબત્ત, થોડુંક લાંબુ જણાયુ હતુ. પેપર લાંબુ હોવાના કારણે થોડોક સમય પણ ઓછો પડયો હતો એટલે , મેરીટ 85થી 95 ગુણે મેરિટ અટકી જાય તેવી સંભાવના છે. પરીક્ષા પહેલા ગુજરાત પંચાયત પંસદગી મંટડળના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું કે, પરીક્ષાર્થીઓ અને પરીક્ષાયજ્ઞમાં જોડાયેલ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

બીજી તરફ આંદોલનકારી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે અગાઉ આ જુનિયર કાલર્કની પરીક્ષામાં ડમી ઉમેદવારો પેપર આપશે , તેવો આક્ષેપ કર્યો હતો. જેના પગલે તપાસ કરીને પોલીસે હવે ભાવનગરના તળાજામાંથી પાંચ યુવકોની અટકાયત કરી લીધી હતી. આજે જ જુનિયર કલાર્કની પરીક્ષા હોવાના પગલે આ પાંચની અગમચેતીના પગલાના ભાગરૂપે અટકાયત કરી લેવાઈ હતી.

Most Popular

To Top