Comments

પરીક્ષાના બજારનો પુનર્વિચાર કરવો જરૂરી

ભારતમાં ઔપચારિક શિક્ષણની શરૂઆત અંગ્રેજોએ કરી અને કંપની શાસનના અંત પછી બ્રિટીશ સરકારે ભારતમાં શિક્ષણનો વ્યાપ વધારવા યુનિવર્સિટીઓની સ્થાપના કરી. આ આધુનિક શિક્ષણવ્યવસ્થામાં ભારતીય વિદ્યાર્થીઓ ભણવા લાગ્યાં, પાસ થવા લાગ્યાં અને બ્રિટન અમેરિકા જેવા દેશોમાં વિશેષ અભ્યાસ માટે જવા લાગ્યાં. આમ તો શિક્ષણવ્યવસ્થા અંગ્રેજોએ જ શરૂ કરી હતી પણ, છતાં ભારતીયો પર તેમને વિશ્વાસ ન હતો એટલે ભારત પૂરતું બરાબર છે પણ તેમના વિકસિત દેશોમાં જવા માટે તેમણે ભારતીયો માટે (આમ તો કોઇ પણ વિદેશી માટે) ખાસ પરીક્ષાઓ શરૂ કરી! ભારતીયો તે પરીક્ષા પણ આપવા લાગ્યા અને વિદેશોમાં જઇ ભણવા લાગ્યાં!

સ્વતંત્ર ભારતમાં જુદાં જુદાં રાજયોના શિક્ષણ બોર્ડમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીમાંથી ભારતના વહીવટમાં કામ લાગે તેવાં યુવાનો પસંદ કરવા યુપી.એસ.સી.ની શરૂઆત થઇ અને પછી રાજયોમાં આ જ તરેહ મુજબ રાજય વહીવટીય પરીક્ષાઓ શરૂ થઇ. વર્ષો સુધી ભારતમાં શિક્ષણનો દર નીચો હોવાથી ભણેલો માત્ર માણસ સરકારી નોકરીને પાત્ર થતો હતો. શરૂઆતમાં ફાયનલ પાસ થાય એટલે પ્રાથમિક શિક્ષક, એસ.એસ.સી. કે એચ.એસ.સી. પાસ થાય એટલે તાલુકા કે જિલ્લા કચેરીમાં નોકરી મળવા લાગી. રેલવે, બેંક, ટપાલ જેવા ખાતામાં પણ વિશેષ અવરોધ વગર ભણેલાંઓને રોજગારી મળવા લાગી. માટે જ જે રાજયો વિકસ્યાં, જયાં જાહેર સેવાઓ વિસ્તરી ત્યાં નોકરીઓ પણ વિસ્તરી. ખાસ વિશિષ્ટ કૌશલ જરૂર હોય ત્યાં શિક્ષણ સ્વાયત્ત અને વિશિષ્ટ અભ્યાસક્રમવાળું બનાવાયું જેમકે મેડીકલ, લો, પ્રાથમિક શિક્ષણમાં પી.ટી.સી. અને શાળામાં બી.એડ્‌. 1980 સુધી તો સ્થિતિ એ હતી કે એમ.એ. થાય એ યુવાનને કોલેજ ટ્રસ્ટી મંડળ સામેથી નોકરીનો સંદેશો મોકલતું! હજુ હમણાં સુધી માત્ર બારમાના ટકાથી મેડીકલમાં પ્રવેશ મળતો. એન્જીનિયરીંગમાં પ્રવેશ મળતો મતલબ! મતલબ એ કે આપણને આપણી શિક્ષણ વ્યવસ્થા પર વિશ્વાસ હતો. રાજય પરીક્ષા બોર્ડ કે યુનિવર્સિટી જે પરીક્ષા લે છે અને પદવી આપે છે તેના વિશ્વાસ અને આ પદવીના આધારે જ આપણે નોકરી આપતા! પણ ખાનગીકરણની હવાએ એક તરફ બિલાડીના ટોપની જેમ શિક્ષણ સંસ્થાઓ ઊભી કરી જયાં ફી ભરો ડીગ્રી મેળવોની નીતિમાં તદ્દન જુદી જુદી ગુણવત્તાવાળાં વિદ્યાર્થીઓ મળવા લાગ્યાં. બીજી તરફ આગળનાં વર્ષોમાં ઓછા શિક્ષણને કારણે ભણેલાઓને જે ઝડપે નોકરીઓ મળી તે જોઇને સમાજમાં શિક્ષણની ભૂખ ઉઘડી! આમ તો શ્રેષ્ઠ ખેતી, મધ્યમ વ્યવસાય અને કનિષ્ઠ નોકરી ગણાતી, પણ સરકારનું પગારરક્ષણ, પગાર પંચો, મોંઘવારી ભથ્થાં અને આવકની નિશ્ચિતતા સૌને આકર્ષી ગયા.એટલે શિક્ષણની માંગ વધી.

વસ્તીવધારો અને શિક્ષિત વસ્તીના વિસ્ફોટે નોકરીની જગ્યા કરતાં અરજી કરનારા વધાર્યા એટલે અધિકારીઓએ અપનાવી અંગ્રેજ નીતિ. બોર્ડ યુનિ.ની પદવી માત્ર ફોર્મ ભરવાની યોગ્યતા પૂરતી કામની બાકી દરેક નોકરીની ભરતી પરીક્ષાથી! અને પરીક્ષાનું એક બજાર ખૂલ્યું! ફોર્મ ભરવાથી માંડીને પરીક્ષાના આયોજન અને બજારમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ટયુશન કે પુસ્તકોના ધંધા ખૂલ્યા. જરા વિચારો, તલાટીની પરીક્ષા, એલ.આર.ડી.ની પરીક્ષા, પી.એસ.આઇ.ની પરીક્ષા, શિક્ષક માટે પરીક્ષા, પ્રાથમિકવાળા માટે જુદી, માધ્યમિક માટે જુદી, ઉચ્ચતર માટે જુદી, પ્રિન્સિપાલ થવું હોય તો જુદી, પ્રોફેસર થવું હોય તો જુદી! બેંક ભરતી માટે જુદી, રેલવે ભરતી માટે જુદી પરીક્ષા. યુ.પી.એસ.સી. અને જી.પી.એસ.સી. તો ખરી જ! પરદેશવાળાની ઇલટાસ કે તોફેલ તો ખરી જ! શું દેશમાં કાંઇ શિક્ષણશાસ્ત્રી કે ચિંતક છે જ નહીં! જે પૂછે કે આટલી બધી પરીક્ષા કેમ! અને જો તમામ ભરતી પરીક્ષાથી જ કરવી છે તો યુનિવર્સિટી અને બોર્ડ શા માટે પરીક્ષા લે છે! શાળા કોલેજોમાં ખાલી ભણાવો. પરીક્ષા તો નોકરી આપનારા લેવાના જ છે! આ વધારે પડતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ એ આપણાં જ શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટી પર શંકા છે! ઘણી વાર શિક્ષણ બોર્ડના ચેરમેન કે યુનિવર્સિટીના કુલપતિશ્રીઓને ફુંગરાઇને ફરતા જોઇએ તો મનમાં હસવું આવે કે આ ભાઇ શેના ફુંગરાય છે. તેમના દ્વારા આપવામાં આવેલી માર્કશીટનું તો કોઇ મૂલ્ય જ નથી બજારમાં!

‘ભારતમાં કે ગુજરાતમાં શિક્ષિત બેકારોની સંખ્યા વધી છે. શાળા કોલેજોમાં સમાન સ્તરનું શિક્ષણ થતું નથી. એક રાજયની જુદી જુદી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું પરીક્ષણ અને ગુણવત્તા જુદી જુદી હોય છે એટલે યોગ્ય વ્યકિતને નોકરી આપવા વિશેષ ચકાસણીની જરૂર છે-’ જો આવું આપણે માનતા હોઇએ તો પણ આટલી બધી પરીક્ષાની જરૂર નથી. જી.પી.એસ.સી. કક્ષાની એક એજન્સી એક કે વધુમાં વધુ બે પ્રકારની પરીક્ષા લે અને તેમાં પાસ વિદ્યાર્થીઓને મેરીટના ક્રમમાં નોકરી ફાળવતા રહેવાનું. કારણ અત્યારે કલાસ ટુ માં પરીક્ષા આપે છે તે જ વિદ્યાર્થી સચિવાલય કલાર્કમાં, મામલતદાર, તલાટીમાં કે પી.એસ.આઇ., એલ.આર.ડી.માં પણ પરીક્ષા આપે જ છે! વિચારે એક જ યુવાન કેટકેટલી પરીક્ષા આપે છે. કેટકેટલા રૂપિયા ખર્ચે છે! જો નિસ્બતપૂર્વક વિચારવામાં આવે તો આ પરીક્ષાના વેપાર ધંધા સંકેલી શકાશે! અને તો પેપર ફૂટવાનાં કાંડ પણ બંધ થશે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top