National

ઝારખંડ રોપ-વે રેસ્ક્યુ : 40 કલાક બાદ પણ 8 લોકોના જીવ ફસાયેલા, અન્ય 6 લોકોનો બચાવ

ઝારખંડ: ઝારખંડના (Jharkhand) દેવઘરમાં ત્રિકૂટ પર્વત રોપ-વે (Rope Way) અકસ્માતનો (Accident) આજે ત્રીજો દિવસ છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ ટ્રોલી (Trolley) હજુ પણ 2500 ફૂટની ઉંચાઈ પર ફસાયેલી છે. સેનાના જવાનો આ ટ્રોલીઓ સુધી પહોંચી ગયા છે અને લોકોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં વધુ 6 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જો કે હજુ પણ 8 લોકો ઉપર ફસાયેલા છે. એરફોર્સ, ઈન્ડિયન આર્મી, એનડીઆરએફ, આઈટીબીપીની ટીમ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે.

બપોર સુધીમાં બચાવ કામગીરી પૂર્ણ થઈ શકે છે
દેવઘર રોપવે દુર્ઘટનામાં બચાવ કામગીરીના પ્રભારી અશ્વિની નાયરે જણાવ્યું હતું કે, અમે સતત બચાવ કાર્ય ચલાવી રહ્યા છીએ. હવે ઉપર થોડા જ લોકો બચ્યા છે. તેમણે કહ્યું કે, આશા છે કે બપોર સુધીમાં તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવશે.

ગઈકાલે 33 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા
આર્મી, એરફોર્સ, આઈટીબીપી, એનડીઆરએફ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં સોમવારે લગભગ 33 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ બચાવ અભિયાનમાં સેનાના બે હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. જો કે, સોમવારે મોડી રાત્રે અંધારું થતાં ઓપરેશન પાછું ખેંચાયું હતું. જેના કારણે લોકોને ખાવા-પીવાની ચીજવસ્તુઓ મળવી પણ મુશ્કેલ બની હતી, જેના કારણે ઉપર ફસાયેલા લોકો આખી રાત ભૂખ્યા-તરસ્યા રહ્યા હતા. પહાડી પર ફસાયેલા લોકોમાં મહિલાઓ અને નાના બાળકો પણ સામેલ છે.

ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે
બચાવ કામગીરીમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. દેવઘર પ્રશાસને સોમવારે એક મહિલાના મોતની પુષ્ટિ કરી હતી. તે જ સમયે, સાંજે હેલિકોપ્ટરમાંથી લપસી જવાને કારણે એક વ્યક્તિ દોઢ હજાર ફૂટ નીચે ખાડામાં પડી ગયો હતો. આ સિવાય એક મોતનો મામલો પણ સામે આવી રહ્યો છે. જોકે, વહીવટીતંત્ર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. આ અકસ્માતમાં 12 લોકો ઘાયલ થયા છે.

Most Popular

To Top