Comments

મને બધાં જ ઓળખે, એ ભ્રમ છે

પોતાની સાથે ઓળખાણ તું રાખી જો
દિલમાં ઓળખનો દીવો પ્રગટાવી જો
ખંખેરી નાંખ ખુમારી બધાં ઓળખે છે
મગજના તોર તોડી ઘાણ તું કાઢી જો

ખોટો ફાંકો તો રાખવો જ નહિ કે, મને બધાંય ઓળખે છે. પાડોશી આપણને પૂરો ઓળખતો નથી, ને આપણે પણ ક્યાં પાડોશીને પૂરાં ઓળખીએ છીએ. ભ્રમ છે બધો.ઓળખીએ તો ચહેરાથી, બાકી એના નામ ધર્મ ને કર્મ જાણવા તો ગાઈડ જ કરવો પડે. આંગણાનો શ્વાન પણ ખવડાવે ત્યાં સુધી જ પોતાનો, ખવડાવવાનું બંધ કરો, એટલે હાઉહાઉ ચાલુ..! આપણી ઓળખ પૂરી..! પતિ-પત્ની એકબીજા સાથે આખી જિંદગી ખેંચી નાંખે, છતાં એકબીજાને છેવટ સુધી ઓળખતા નહીં હોય, એવું પણ બને..! ટપાલી પણ આવીને તમને જ પૂછે કે, રમેશ ચાંપાનેરી કોણ..?

ત્યારે માનવું કે, દુનિયા મને ઓળખે છે, પણ મારો ટપાલી પણ મને ઓળખતો નથી. ઝાંઝવાના પાણીને બેડાંમાં નહિ ભરાય મામૂ..? આનાંથી પેચીદી દુર્ઘટના બીજી કઈ હોય શકે? આપણે જ આપણને સંપૂર્ણ ઓળખતા નહીં હોઈએ, પછી દુનિયાની વાત તો, વધુ પડતી કહેવાય..! પણ આપણી તો વિચારધારા ચલતી કા નામ ગાડી જેવી. ફાવટ પ્નીરમાણે જીવવાનું, ને સ્ટેશન આવે એટલે ઉતરી પડવાનું..!

પોતાની ઓળખ માટે પોતાનામાં ડોકિયું કરવાનો સૌને સમય ક્યાં છે..? જેના ચહેરા ઉપર હાસ્યના બગીચા નથી, એ દુનિયાની લાવણ્યતા ને પામતો નથી, તો ઓળખવાની તો વાત જ ક્યાં..? પથારીમાંથી સવારે ઊભાં થાવ એટલે, લમણે ટકોરો મારીને ચેક કરી લેવાનું કે, મારામાં હાસ્યનો ફૂવ્વારો ઉડે છે કે, ઠપ છે..! રોજ બ્લડ સુગર કે BP ચેક કરો એમ, ચકાસી જ લેવું કે, “હું પોતાને ઓળખી રહ્યો છું ખરો..?”દુનિયામાં બધાં જ જો ઓળખતા હોય તો એ રૂડી વાત છે, આ તો એક વાત કે, કદાચ ભ્રમ પણ હોય શકે..! કારણ કે, હાસ્ય ON LINE મળતું નથી..! મળતું હોય તો લોકો ખિસ્સા ભરે ને ?

ઓળખ વગરનો માનવી મુઠ્ઠીમાં દુનિયા ભરી શકતો નથી. દુનિયા વિશાળ છે. એટલી નાની નથી કે, ૧૦૦-૨૦૦ માણસોની ઓળખાણમાં દુનિયાના કિલોમીટર પૂરાં થઇ જાય..! મચ્છરને માલીશ નહિ થાય, કીડીને ઝાંઝર નહિ પહેરાવાય, જીરાફને ગળે નહિ વળગાવાય ને હાથીને ખોળામાં નહિ બેસાડાય, એમ ખુદને ઓળખવું એટલે, પવનના ઝંઝાવાત સામે સળગતા દીવાને બચાવવા જેટલું અઘરું. અહમ-ઈર્ષા-વહેમ-લોભ-લાલચ અને પ્રપંચનો ખજાનો એ ઈશ્વરના આર્શીવાદ નથી, માનવીનું પોતાનું ઉપાર્જન છે. પોતાનું સર્જન છે.

પોતાના ચશ્માથી દુનિયા જોવાની આદતના કારણે સત્ય દેખાતું નથી. નથી એ ખુલ્લા મને હસી શકતો, નથી એ રડી શકતો. એટલે તો શાંતિના નિકેતનોની વૃદ્ધિ અટકી પડે..! શીઈઈઈટ..મારે શું કામ આ બધું કહેવું જોઈએ? સબ સબકી સંભાલો, મૈ મેરી ફોડતા હૂં..! માણસ છે તે ઠીક છે, માણસ મટીને વોશિંગ મશીન બનવાની જરૂર શું..? જેને સફેદી અને પ્રકાશ સાથે જ ગ્રહણ હોય, એને કાળી મુસળી ને ધોળી મુસળીનાં લાભાલાભ નહિ સમજાવાય. રેંટીયા સાથે ફોટો પડાવવાથી ગાંધીજી થવાતું નથી. સિંહ સાથે ફોટો પડાવવાથી ભાઈબંધ થવાતું નથી.

‘સેલીબ્રેટી’સાથે વ્યક્તિ સેલ્ફી લેતું હોય, ને તેની સેલ્ફીમાં ડોકું નાંખવાથી સેલીબ્રેટી મને ઓળખે છે, એવાં બણગા નહીં ફૂંકાય..! તાજમહાલના ઓટલે આડા પડીને ફોટો પડાવવાથી શાહજહાંના વારસદાર માનવું એ ભ્રમ છે..! કરોળિયાએ ગમે એવી સુંદર ડિઝાઈનના જાળાં બનાવ્યા હોય, પણ જાળા એ જાળા છે, એને વાઇસરોયના નિવાસ સ્થાન નહિ કહેવાય..! કોણ મને ઓળખે છે, એની પોતાને ખબર નહિ પડે, એ જ સાચી ઓળખ કહેવાય..! જગત કરતાં મા એના દીકરાને નવ મહિના પહેલાંથી ઓળખે છે, એની તો ખબર છે ને..? એને સાચી ઓળખ કહેવાય..!

પણ થાય છે એવું કે, ચકલીને ખબર નથી કે, લોકો મને ચકલી કહે છે. સિંહને ખબર નથી કે, મને લોકો જંગલના રાજા તરીકે ઓળખે છે. પણ જ્યારથી માણસને ખબર પડી ગઈ કે, હું માણસ છું, મારી પાસે બુદ્ધિનો ખજાનો છે, ત્યારથી આધી વ્યાધી અને ઉપાધીએ એના જીવન માં મલ્ટીપ્લેક્ષ માળા બાંધી દીધાં. પ્રાણીઓ ને આડા બનાવ્યા તો સીધા ચાલે, માણસને સીધો બનાવ્યો તો આડો ચાલે..! કારણ કે તે માણસ છે. ઓળખ થી ઓળખાણ ઉભી કરવા કરતાં, ઓળખાણથી ઉભી કરેલી ઓળખનું આયુષ્ય લાંબુ હોય.

મારામાં કયા ખરાબ ગુણો છે, મારામાં કઈ સ્કીલ છે? મારામાં એવું શું છે કે લોકો મારી ઓળખાણ રાખવા ખેંચાય છે? એનું મનોમંથન અને આત્મમંથન થવું જોઈએ. હું કોણ છું, એનો અનુવાદ જેને આવડે છે, એની પાસે જથ્થાબંધ ઓળખો છે. પહેલીવાર મળતા માણસનો બાહ્ય દેખાવ ગમે એટલો રૂપાળો હોય, પણ તેના અંદર રહેલી શક્યતાઓને તપાસીને અનુસરવાથી જ સાચી ઓળખની પ્રાપ્તિ થાય..!

સુદામા ગરીબ હોવાં છતાં શ્રી કૃષ્ણની એમને ઓળખ હતી, મીરાં પ્રેમ દીવાની હતી, પરણું તો મારા ગિરધર ગોપાલને એવી જીદ હોવાં છતાં, તેમાં પ્રેમ લક્ષણા ભક્તિની ઓળખ હતી, રાધાના નિર્મળ પ્રેમમાં શ્રીકૃષ્ણ પરત્વેની સંવેદનાની ઓળખ હતી. ભક્ત કવિ નરસિંહ મહેતા શ્રી કૃષ્ણને નરસૈયાનો સ્વામી માને છે એની શ્રીકૃષ્ણને ઓળખ હતી. આવાં તો અનેક દાખલાઓ છે. કારણ તેમને દેહની નહિ, આત્માની ઓળખ હતી. જેમણે આત્માને ઓળખ્યો, એ જ પરમ તત્વને પામી શક્યો.

એક ટોળું આગળ જતું હોય, અને પાછળથી કોઈ બુમ પાડે કે,’એઈઈઈઈ ડોબા..! ને આખું ટોળું પાછળ ફરીને જુએ એ પ્રતિક્રિયા સાચી નથી કે, તમે ડોબા છો. માણસ હોવાં છતાં, પાછળ ફરીને જોવાની ચેષ્ટા થાય તો માની લેવાનું કે, સાચી ઓળખનો અભાવ છે..! ફેસબુકમાં ભલે ૫૦૦૦ મિત્રો હોય, પણ એ ઉપજાવેલી આકાશી મિલકત છે. તેની સાથે વાર્તાલાપ કરવામાં કલાકો નહિ બગાડાય. એ ૫૦૦૦ મિત્રોમાંથી, વરસ દિવસે માંડ ૧૦-૧૫ રૂબરૂ મળતા હોય, એ સાચી ઓળખ નથી. એટલે ૫૦૦૦ મિત્રોથી સમૃદ્ધ હોવાનો ઓળખનો દાવો પોકળ છે. માનવીની સાચી ઓળખ ભગવાન અને આત્માના અવાજ સાથે હોવી જોઈએ. બાકીની આકાશી ઓળખાણ કહેવાય..!

લાસ્ટ ધ બોલ
રતનજી,,! તમે કેવી રીતે જાણી લો કે, ગ્રાહક પતિ-પત્ની છે કે, પ્રેમી પ્રેમિકા..?
સાવ સહેલું છે, ચમનીયા..! ભાવ-તાલ બહુ કરે ને, ખરીદી કરતાં ઝઘડો વધારે કરે તો સમજી લેવાનું કે, બંને પતિ-પત્ની છે. ને ચુપચાપ ઊભાં રહી માંગે તે ભાવ આપે તો સમજવાનું કે, બંને પ્રેમી-પ્રેમિકા છે.
વાહ..! શું તમારૂ ઓળખ-જ્ઞાન છે..! તમારા ચરણ ક્યાં છે? મારે ચરણ સ્પર્શ કરવાં છે..!
તારાં કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top