Columns

પર્યાવરણ, ધર્મ અને આપણે

લેખનું હેડીંગ વાંચીએ એટલે સ્વાભાવિક જ પ્રશ્ન ઉદ્દભવે કે પર્યાવરણ અને ધર્મને અરસ-પરસ શું સંબંધ હોય શકે? પણ હા, સંબંધ ગાઢ છે.. જીવનના દરેક તત્ત્વો સાથે ધર્મ જોડાયેલો છે જ. આડેધડ કપાતા જંગલો અને બેસુમાર સ્થાપિત ફેકટરી, કારખાનાઓ, ઝેરી પાણી અને નુકસાનકારક વાયુ ગમેતેમ છોડતા હોવાથી વિશ્વના પર્યાવરણ માટે ખતરનાક વાતાવરણ ઉદ્દભવતા વિશ્વના દેશોએ જોખમી પરિસ્થિતિથી જગતને બચાવવા માટે 1972માં 5 જૂનથી 16 જૂન દરમ્યાન વિશ્વ પર્યાવરણ સંમેલનનું આયોજન કરેલું જેમાં દુનિયાના દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધેલો. ભારતમાંથી તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી પણ આ સંમેલનમાં સંમ્મેલીત હતા. ચર્ચા વિચારણાઓને અંતે લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા માટે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાનું નક્કી થયું. 1973ની 5મી જૂને પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ મનાવાયેલો જે આજ પર્યંત 143 જેટલા દેશો પર્યાવરણ દિવસ મનાવે છે અને લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમો પણ યોજે છે.

વિશ્વ પર પર્યાવરણ સંકટ અંગે 50 વર્ષ પહેલા જનજાગૃતિ માટે પર્યાવરણ દિવસ નક્કી થયો છે પણ સનાતન ધર્મ પ્રકૃત્તિ પ્રત્યેની જાગૃતિ અંગે પૌરાણિક કાળથી પ્રેરક રહ્યો છે. વનસ્પતિ, ધરતી, હવા, પાણી, અગ્નિ, આકાશ જેવા પર્યાવરણ સ્પર્શી દરેક તત્વ સનાતન ધર્મમાં પૂજનીય છે. આપણા ઋષિ-મૂનિઓએ વેદ-પુરાણો અને ધર્મગ્રંથો દ્વારા પર્યાવરણના દરેક તત્વોની મહત્તા દર્શાવી છે આપણે સૂર્યને પુજીએ છીએ, ધરતીને માતા સ્વરૂપ માનીએ છીએ તો નદીઓને પણ માતા સ્વરૂપે નમન કરીએ છીએ. અને વનસ્પતિ મતલબ કે વૃક્ષો તો વિવિધ પ્રકારે સનાતન ધર્મમાં પૂજનિય સ્થાને રહેલા છે. વૃક્ષો સાથે અનેક તહેવારો અને વ્રતો જોડાયેલા છે. માનવજીવનના આધાર સમા પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ અને વાયુ એ પંચતત્ત્વો પર્યાવરણનો ભાગ છે જેને સનાતનીઓ વિવિધ પ્રકારે પૂજે છે.

દેશ આઝાદ થયો ત્યારે 36 કરોડની વસ્તી હતી અને 45% ભૂમિ પર જંગલ હતું જયારે આજે 136 કરોડની વસ્તી સાથે કોંક્રિટના જંગલો ઉભા થઇ જતા વાસ્તવિક જંગલો 20% ભૂમિ પર ટકેલા છે. ભૌતિક, રાસાયણિક અને જૈવિક તત્ત્વોની જરૂરિયાત કરતાં વધારે પડતી ઉપસ્થિતિના કારણે હવા, પાણી અને વૃક્ષો પર્યાવરણના ધોરણે અધિક દૂષિત થઇ રહ્યા છે. ગંગા અને યમુના જેવી નદીઓ માટે શુદ્ધિકરણ કાર્યક્રમો સાથે ખર્ચાળ આયોગ બનાવવા પડે છે. દિલ્હીમાં વારેવારે વાતાવરણ પ્રદૂષિત થઇ જાય છે. વનસ્પતિ અને વૃક્ષછેદનથી હિમાલયના વિવિધ પર્વતોમાં ગ્લેશિયરની પરિસ્થિતિ સર્જાય છે. ચક્રવાત અને વાવાઝોડાના પ્રમાણ વધ્યા છે.

વાદળો ફાટવાની ઘટનાઓ વધી છે ગમે ત્યારે વરસાદ પડે તેમજ ઠંડી ગરમીની ઋતુઓની અનિયમિતતાનું કારણ પર્યાવરણ પ્રત્યેની ઉદાસિનતા છે. આડેધડ વૃક્ષછેદન દ્વારા સંપતિ મેળવવાની ઘેલછા અને વાતાવરણને પ્રદુષિત કરતા રાસાયણિક, જૈવિક વેસ્ટ ઉત્પન્ન કરતી ફેકટરી-કારખાનાઓનુ ધ્યેય માત્ર મબલક કમાણી હોય છે ત્યાં રાષ્ટ્ર કે ધર્મ કોરાણે રહી જાય છે. માત્ર કેટલીક જાગૃત ધાર્મિક કે સામાજિક સંસ્થાઓ આ અંગે સકારાત્મક કાર્યે પ્રવૃત્ત જોવા મળે છે.

પર્યાવરણનો સર્વાંગી સુરક્ષા વિચાર મૂળભૂત ધર્મમાંથી મળે છે. એક જાણીતા સ્તોત્રમાં કહ્યું છે.
વસુંધરે નમસ્તુભ્યમ્ ભૂધાત્રી નામોસ્તુતે રત્નગર્ભે નમસ્તુભ્યમ પાદસ્પર્શમ્ ક્ષમસ્વમે
સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મણ્ડલે
વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ, પાદસ્પર્શમ ક્ષમસ્વમે
અર્થાત: હે વસુંધરા તને નમસ્કાર, જીવજગત ધારણ કરનારી તને નમસ્કાર રત્નોની ધરતીને નમસ્કાર, તને મારા ચરણસ્પર્શ બદલ ક્ષમા માંગું છું. ધરતી પર આપણે સવારે ઉઠીને પ્રથમ પગ મૂકીએે તેની ક્ષમા માંગવી એ ધરતી પ્રત્યેના સમ્માનની વાત સનાતન ધર્મ જ કરી શકે. સૂર્યને અર્ધ્ય આપવું. નદી-પર્વતને નમસ્કાર કરવા અને વૃક્ષોને વિવિધ તહેવારોમાં વિવિધ પ્રકારે પૂજન અર્ચન કરવું એવું આપણા પૌરાણિક સનાતન ધર્મમાં જ શકય બને. આપણા વેદ-પુરાણ અને ધર્મગ્રંથો તો અનેક પ્રકારે વૃક્ષોની મહત્તા દર્શાવે છે.

શિવપુરાણમાં લખાયુ છે કે
પિતૃવંશાસ્તુ તારયેત
તસ્માદ્ વૃક્ષાંસ્તુ રોપએનત્
અર્થાત: વેરાન ઉજ્જડ અને દુર્ગમ સ્થાનો પર વૃક્ષો વાવવાનું પૂણ્યકાર્ય પિતૃઓને, વર્તમાન પેઢીને તથા આવનારી પેઢીઓને પણ તારી દે છે. મત્સ્યપુરાણમાં 101માં અધ્યાયમાં દર્શાવાયું છે કે તમે એક વૃક્ષને રોપીને ઉછેરો છો તો દસ સંતાનોને ઉછેર્યા જેટલુ ફળ પ્રાપ્ત થાય છે. મનુસ્મૃતિમાં તો વૃક્ષને તમો ગુણપ્રધાન કહેવાયુ છે. જેને ભીતરી જ્ઞાન હોવાથી સુખ-દુ:ખનો અનુભવ કરી શકે છે અને વૃક્ષ-વનસ્પતિ સજીવ છે એ વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે પણ સાબિત કર્યું છે. એક ઉદાહરણ મને યાદ આવે છે કે પ્રયોગ ખાતર એક વૈજ્ઞાનિકે બે અલગ-અલગ સ્થળે બે વૃક્ષ રોપ્યા અને એક વૃક્ષ પાસે સંગીત રોજ સંભળાવતો જયારે બીજા વૃક્ષ પાસે રોજ મોટે મોટેથી અપશબ્દોથી અપમાનિત કરતો પરિણામે એક વૃક્ષ વ્યવસ્થિત વિકાસ પામ્યું અને બીજું વૃક્ષ એક સરખુ પાણી-ખોરાક મેળવવા છતાં સુકાઈ ગયુ મતલબ સુખ-દુ:ખની અનુભૂતિ વૃક્ષો પણ કરે છે. પદ્મપુરાણના સૃષ્ટિખંડના અધ્યાય 20માં વૃક્ષપૂજનનું મહત્વ વિસ્તારપૂર્વક દર્શાવાયુ છે. ભવિષ્યપુરાણના અધ્યાય 10-11માં વિભિન્ન પ્રકારના વૃક્ષોની રોપણી અને ઉત્તમપ્રકારે પોષણ કરવાનું વર્ણન જોવા મળે છે. ભગવદ્દ ગીતામા ભગવાન શ્રીકૃષ્ણે વિભૂતિયોગમાં
‘અશ્વસ્થ: સર્વવૃક્ષાણામ’

સ્તોત્રમાં અશ્વસ્થ એટલે પીપળાના વૃક્ષનો મહિમા કહ્યો છે. રૂગ્વેદમાં સમસ્ત મંગલ કાર્યોમાં વૃક્ષના પૂજન, સ્પર્શ, સ્મરણ અને રોપણ-પોષણનું મહત્ત્વ દર્શાવ્યું છે. રામચરિત માનસ (105/7)માં તુલસીદાસે રામ, લક્ષ્મણ, સીતાના વનવાસ દરમ્યાનના પંચવટી નિવાસનું સરસ વર્ણન કર્યું છે. પંચવટી એટલે પાંચ વડનો સમૂહ, અગસ્ત્ય ઋષિએ ભગવાન શ્રી રામને ગોદાવરી કિનારે પાંચ વડના પંચવટી વિસ્તારમાં નિવાસ કરવાનું નિમંત્રણ આપેલું એક પૌરાણિક કથાનુસાર દક્ષ પ્રજાપતિએ તેની 60 કન્યાઓમાંથી સાત કન્યા કશ્યપ ઋષિ સાથે પરણાવેલી જેમાં ઇલા નામની કન્યા દ્વારા વૃક્ષની ઉત્ત્પતિ થઇ હતી એટલે વૃક્ષોને કશ્યપ ઋષિના સંતાનો પણ કહેવાય છે.

આપણા તહેવારોમાં પર્યાવરણ સુરક્ષાનો સંદેશ સ્પષ્ટ દેખાય છે. મકરસંક્રાંતિ, વસંતપંચમી, હોળી, નવરાત્રી, ગુડી પડવો, વટ સાવિત્રી, ઓણમ, છઠપૂજા, શરદ પૂર્ણિમા, હરિયાળી તીજ, ગંગા દશેરા જેવા અનેક તહેવારો અને વ્રતો સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ, વૃક્ષ અને મોસમ સાથે જોડાયેલા છે. જે આજ પર્યંત ઉજવાતા રહ્યાં છે. શાસ્ત્રો પ્રમાણે વૃક્ષ રોપવાના પણ શુભ મૂહુર્ત હોય છે. હસ્ત, પુષ્ય, અશ્વિની, વિશાખા, મુલ, ચિત્રા, અનુરાધા અને શતભિષા જેવા નક્ષત્રો વૃક્ષારોપણ માટે શ્રેષ્ઠ મનાયા છે. ધર્મને અનુસરતી સંસ્થાઓ વારંવાર વૃક્ષારોપણના કાર્યક્રમો દ્વારા લોકોને પર્યાવરણ સુરક્ષાની પ્રેરણા આપતા રહે છે. કચ્છ-ભૂજના નાનકડા કુકમા ગામની મહિલા સરપંચ કંકુબેન વણકરે રણ જેવા પ્રદેશને લીલુંછમ બનાવવા ગયા વર્ષે 60,000 જેટલા વૃક્ષો વાવીને જતન કરવા ગટરના પાણીને શુદ્ધ કરીને રોજ 10,000 લીટર પાણી વૃક્ષોને આપવામાં આવે છે. આવા રાષ્ટ્ર અને ધર્મપ્રેમી લોકો નિ:સ્વાર્થ ભાવે કામ કરતા આજે પણ ઘણા છે પણ સ્થળસંકોચને કારણે અત્રે ઉલ્લેખ શકય નથી.

Most Popular

To Top