Editorial

ચૂંટણી પરિણામો વિપક્ષી ‘ઇન્ડિયા’ ગઠબંધનના આંતરિક સમીકરણો બદલી શકે છે

દેશના ચાર મહત્વના રાજ્યો અને એક સંઘપ્રદેશની વિધાનસભાઓની ચૂંટણીઓના પરિણામો સોમવારે આવ્યા, જેમાં બંગાળમાં ભાજપનો વિજય  અને તમિલનાડુમાં અભિનેતા વિજયના પક્ષ ટીવીકેને પ્રથમ ચૂંટણીમાં જ મળેલી મોટી સફળતા ખાસ ચર્ચાના વિષયો રહ્યા. આ ચૂંટણીમાં ભાજપને  તો મોટી સફળતાઓ મળી જ છે, કોંગ્રેસને પણ કેરળમાં સત્તા સહિત કેટલોક લાભ થયો છે પરંતુ એક ખાસ બાબત એ પણ છે કે આ ચૂંટણી  પરિણામોને પગલે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા બ્લોકમાંના આંતરિક સમીકરણો બદલાઇ શકે છે.

બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC), તમિલનાડુમાં ડીએમકે (DMK) અને કેરળમાં સીપીઆઈ(એમ)ની આગેવાની હેઠળના લેફ્ટ ફ્રન્ટના મોટા પરાજયો, સંયુક્ત વિપક્ષે લોકસભામાં સત્તારૂઢ એનડીએને (NDA) ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીઓ પછી પોતાની વધેલી બેઠકોની તાકાતનો ઉપયોગ  કરીને મહિલા આરક્ષણ સુધારા ખરડાને પરાસ્ત કરવાનો ફટકો સરકારને આપ્યાના એક મહિનાથી પણ ઓછા સમયમાં આવ્યા છે. રાજ્ય સ્તરે થયેલા આ નુકસાનથી સંસદમાં ઈન્ડિયા બ્લોકની સંખ્યામાં તાત્કાલિક કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ લાંબા ગાળા માટે રાજ્યસભામાં તેની સ્થિતિ પર અસર થઇ શકે છે.

સોમવારના પરિણામો ગઠબંધનની  આંતરિક સ્થિતિ પર ઊંડી છાપ છોડી શકે તેવી સંભાવના છે. જો કે ટીએમસી અને ડીએમકે માટેના આ આંચકા, જે વિરોધ પક્ષના મુખ્ય આધારસ્તંભ છે અને તેની લોકસભાની શક્તિમાં ત્રીજા અને ચોથા સૌથી  મોટા યોગદાનકર્તા છે, તેનાથી બ્લોકના મનોબળને વધુ નુકસાન થવાની ધારણા છે. બ્લોકનું મનોબળ તેની સામાન્ય ચૂંટણીના ફાયદાઓ પછીના  ચૂંટણી પરાજયોની શ્રેણીથી પહેલાથી જ તંગ છે અને હવે તનાવ વધુ વધવાનું જોખમ છે.

તે જ સમયે, આ ચુકાદો ઈન્ડિયા બ્લોકમાં અન્ય એક  સૂક્ષ્મ પરંતુ મહત્વપૂર્ણ પરિવર્તન લાવવા માટે તૈયાર છે – નેતૃત્વમાં ફેરફાર માટેની નવી માંગણીઓની શક્યતા ઘટી ગઈ હોય તેવું લાગે છે. જે  પ્રાદેશિક પક્ષોએ અગાઉ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા, તેઓને પણ ચૂંટણીમાં હારનો સામનો  કરવો પડ્યો છે, જેનાથી ઓછામાં ઓછા આ પરિણામોની તાત્કાલિક અસર એ થશે કે વિપક્ષી ગઠબંધનમાં કોંગ્રેસ સામેનો પડકાર ઓછો થશે.  છેલ્લા એક દાયકામાં, પ્રાદેશિક સત્તાધારી પક્ષોએ, ખાસ કરીને ટીએમસીએ, પોતાની જાતને વિપક્ષના મુખ્ય પ્રેરક તરીકે રજૂ કરવાની કોઈ તક  ભાગ્યે જ ગુમાવી છે.

તૃણમૂલે ક્યારેક સૌમ્ય રીતે તો ક્યારેક આક્રમકતાથી કોંગ્રેસને પડકાર આપ્યો છે. તેની આવી વર્તણૂક ગયા મહિને જ જોવા મળી હતી, જ્યારે લોકસભામાં બંધારણ (૧૩૧મો સુધારો) બિલ રજૂ થવાના એક દિવસ પહેલાં, ઈન્ડિયા  બ્લોકે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને તેને પસાર થતું અટકાવવાના ઉદ્દેશ્યથી ફ્લોર કોઓર્ડિનેશન વ્યૂહરચના ઘડવા માટે બેઠક  યોજી હતી. રાહુલ પણ હાજર હતા તે આ બેઠકમાં ટીએમસી અને ડીએમકે સહિતના તમામ મોટા વિરોધ પક્ષોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. બેઠકમાં  ટીએમસીએ સંકેત આપ્યો હતો કે ચાલુ ચૂંટણી પ્રચારને કારણે તેઓ તેમના ૨૮ સભ્યોના જૂથમાંથી ઘણા સાંસદોને મતદાન કરવા સંસદમાં મોકલવા માટે મુક્ત કરી શકશે નહીં.

રાહુલે આ દલીલનો સખત વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે આવા પગલાથી ભાજપને સીધો ફાયદો થશે. આ દરમિયાનગીરીના કારણે  પક્ષે પોતાનું વલણ બદલ્યું અને ૨૧ જેટલા સાંસદોને દિલ્હી મોકલ્યા. સંયુક્ત વિપક્ષે આખરે આ ખરડાને પડતો મૂકાવ્યો. જો કે, રાહુલની ટિપ્પણીઓ ટીએમસી નેતૃત્વના અમુક વર્ગોને પસંદ ન આવી, જેમાં કેટલાક  વરિષ્ઠ નેતાઓએ ખાનગીમાં ટિપ્પણી કરી હતી કે ભાજપને કેવી રીતે હરાવવું તે જાણતા સહયોગીઓને લેક્ચર આપતા પહેલા, તેમણે તેમના પોતાના નિરાશાજનક ટ્રેક રેકોર્ડ પર વિચાર કરવો જોઈએ. સોમવારના ચૂંટણી પરિણામો પછી ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસની સ્થિતિ થોડી મજબૂત બનશે અને તેણે આવી ટીકાઓ ઓછી સાંભળવી પડશે એમ લાગે છે.

તેથી, ટીએમસીની હાર એક નોંધપાત્ર વળાંક દર્શાવે છે. તે વિપક્ષના નેતૃત્વના સૌથી અવાજ ઉઠાવનારા દાવેદારોમાંથી એકને નબળો પાડે છે અને  ઈન્ડિયા બ્લોકની અંદર સર્વોપરિતા જાળવવાની તેની ક્ષમતાને મંદ કરે છે, જે સંભવિતપણે કોંગ્રેસની તરફેણમાં આંતરિક સમીકરણોને બદલી શકે  છે. જે વાતથી ટીએમસીને હવે વધુ અકળામણ થઈ શકે છે તે એ છે કે કોંગ્રેસને આશરે ૩.૧૨ ટકા વોટ શેર મેળવ્યો છે, તેમજ  વિધાનસભા ચૂંટણીમાં લઘુમતી પ્રભુત્વવાળા મુર્શિદાબાદ જિલ્લામાં બે બેઠકો જીતી છે. ચૂંટણીમાં ટીએમસી ભાજપથી લગભગ પાંચ ટકા પાછળ રહી ગઈ છે. 

કોંગ્રેસની આગેવાની હેઠળના યુડીએફ (UDF) એ કેરળમાં સીપીઆઈએમ (CPIM) ની આગેવાની હેઠળના એલડીએફ (LDF) ને પણ સત્તા  પરથી હટાવ્યું છે, જેના કારણે ઈન્ડિયા બ્લોકના અન્ય એક મુખ્ય ઘટક, લેફ્ટ (ડાબેરીઓ), ૧૯૭૭ પછી પહેલીવાર કોઈ પણ રાજ્યના નિયંત્રણ વિનાના થઈ ગયા છે. આ બાબત ડાબેરીઓનું જોર ઘટાડવાની સાથે વિપક્ષી ગઠબંધનમાં કોંગ્રેસનું બળ વધારશે. ટૂંકમાં વિપક્ષી ગઠબંધનમાં બદલાયેલા સમીકરણોમાં કોંગ્રેસને લાભ થતો દેખાઇ રહ્યો છે. અને જો તમિલનાડુમાં વિજયના પક્ષની સાથે કોંગ્રેસનું ગઠબંધન રચાય તો તેને ઓર બળ મળી શકે છે.

Most Popular

To Top