SURAT

લિંબાયતના વર્તમાન ધારાસભ્યને બદલવાની માંગનાં ફરીવાર બેનરો લાગ્યાં

સુરત: ચૂંટણી (Election) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ (political Activism) તેજ બની રહી છે. ટિકિટવાંચ્છુકો ટિકિટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપના (BJP) ઉમેદવારો યાદી ગમે ત્યારે જાહેર થઈ શકે તેમ છે ત્યારે વર્તમાન ધારાસભ્યોથી નારાજ ઉમેદવારો, વર્તમાન ધારાસભ્યો રીપીટ ના થાય એ માટે તમામ દાવપેચ ખેલી રહ્યા છે. લિંબાયત (Limbayat) વિધાનસભામાં છેલ્લી 2 ટર્મથી સંગીતા પાટીલ ધારાસભ્ય રહ્યાં છે ત્યારે હવે લિંબાયતમાં ટિકિટ ઈચ્છતા કે અન્ય રાજકીય પક્ષોએ વર્તમાન ધારાસભ્યના વિરુદ્ધમાં પોસ્ટરબાજી શરૂ કરી દીધી છે.

છેલ્લા 10 દિવસમાં બીજીવાર ધારાસભ્ય સંગીતા પાટીલ વિરુદ્ધ બેનરો લગાવાયાં છે
લિંબાયતમાં છેલ્લા 10 દિવસમાં બીજીવાર ધારાસભ્ય સંગીતા પાટીલ વિરુદ્ધ બેનરો લગાવાયાં છે, જેમાં લખવામાં આવ્યું છે કે, લિંબાયતની પ્રજા પરિવર્તન માંગી રહી છે. ‘‘સંગીતા હટાવો, લિંબાયત બચાવો’’ આવા પ્રકારના ઠેકઠેકાણે બેનર લગાડીને વર્તમાન ધારાસભ્યને બદલવાની માંગણી કરવામાં આવી રહી છે.લિંબાયત વિસ્તારમાં સહજાનંદ, સંજયનગર સર્કલ, નીલગીરી સર્કલ, ચામુંડા માતાના મંદિર સહિતના કેટલાક વિસ્તારમાં વર્તમાન ધારાસભ્ય સંગીતા પાટીલના વિરોધમાં બેનર લગાવવામાં આવ્યાં છે.

ભાજપ સામે કોંગ્રેસનું તહોમતનામું: ભાજપ સરકાર રોજગારી, શિક્ષણમાં નિષ્ફળ ગયાના આક્ષેપ
સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ડડાઉન શરૂ થઈ ચૂક્યું છે. તમામ રાજકીય પાર્ટીઓની એકબીજા પર આક્ષેપબાજી પણ જોરશોરમાં શરૂ થઈ ચૂકી છે. ચૂંટણીને હવે 1 મહિનો પણ બાકી નથી રહી ગયો ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચારપ્રસાર પણ જોરશોરમાં કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લાં 25 વર્ષથી ભાજપનું શાસન છે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપ સરકાર ઘણાં પાસાંમાં નિષ્ફળ સાબિત થઈ છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. જે અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસ દ્વારા તહોમતનામું જાહેર કરવામાં આવ્યું હતું અને ભાજપ સરકાર કયા કયા મુદ્દે નિષ્ફળ સાબિત થઈ છે તે જણાવાયું હતું.

ભાજપ સરકાર રોજગારી, ભ્રષ્ટાચાર, શિક્ષણ, આરોગ્ય, તમામ બાબતોમાં નિષ્ફળ
કોંગ્રેસના માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી તેમજ સુરત શહેર કોંગ્રેસ પ્રવક્તા નૈષધ જેસાઈએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર રોજગારી, ભ્રષ્ટાચાર, શિક્ષણ, આરોગ્ય, તમામ બાબતોમાં નિષ્ફળ રહી છે. નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયોને લઈ પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી હતી. ભાવવધારાને કારણે લોકો હાડમારીમાં મુકાયા છે. કોંગ્રેસે સત્તા છોડી ત્યારે 18 ટકા જેટલો વૃદ્ધિદર હતો તે માત્ર 9 ટકા રહ્યો છે. ઓગસ્ટ-2022માં દેશનાં તમામ રાજ્યોમાં ગુજરાતમાં ખાતે ચીજવસ્તુઓનો ફુગાવો સૌથી વધુ હતો. એલપીજી સિલિન્ડરના ભાવમાં ખૂબ મોટો વધારો કરાયો છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં માત્ર ત્રણથી ચાર ટકા જેટલા જ નાણાંનો ખર્ચ કર્યો છે. ગુજરાતમાં છેલ્લાં 27 વર્ષમાં શિક્ષણનું વ્યાપારીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાતની પ્રજા હવે પરિવર્તન માંગી રહી છે તેમ તેઓએ જણાવ્યું હતું.

Most Popular

To Top