Entertainment

પોતાનો પ્રેક્ષક શોધવાની ‘ધૂનકી’

ગુજરાતી ફિલ્મો બદલાઇ રહી છે. નવા વિષયો, નવી ટ્રીટમેન્ટ, નવા કલાકારો, નવા ગીત-સંગીત વડે તે હવે એવા પ્રેક્ષકોને શોધી રહી છે જે આજ સુધી ગુજરાતી ફિલ્મો જોવાથી દૂર રહેતા. મલ્ટીપ્લેકસ થિયેટરો આવ્યા પછી નવી પેઢીને જે ગુજરાતી ફિલ્મો જોવી હતી તેવી ફિલ્મો નવા ફિલ્મમેકર્સ બનાવી રહ્યા છે. અભિષેક જૈન, અભિષેક શાહ, કૃષ્ણદેવ યાજ્ઞિક, અનિશ શાહ જેવા નિર્માતા – દિગ્દર્શકની પેઢી નવા સાહસો કરી રહી છે.  ‘કેવી રીતે જઇશ’ ના એક લેખક અનિશ શાહે ‘ધૂનકી’ ફિલ્મ બનાવી પછી ‘આવર્તન’ બનાવી રહ્યા છે. ‘ચસકેલા’ અને ‘કડકમીઠી’ વેબ સિરીઝ બનાવી. ‘પવઇ’ નામની ફિલ્મના નિર્માતાઓ પણ તેઓ છે. બદલાતી ગુજરાતી ફિલ્મને ઓળખવા અનિશ શાહ જેવા ફિલ્મ મેકર્સ સાથે વાત કરવી જરૂરી છે. બકુલ ટેલર સાથે તેમણે અહીં અનેક મુદ્દે વાત કરી છે.

અનિશભાઇ, તમે ‘ધૂનકી’ પછી બે ફિલ્મો અને બે વેબસિરીઝ સર્જનમાં જોડાયા. ગુજરાતી ફિલ્મનો પ્રેક્ષક મર્યાદિત અને વહેંચાયેલો છે ત્યારે તમે નિર્માતા તરીકે ય પ્રવૃત્ત છો. તો નિર્માતા તરીકે ગુજરાતી ફિલ્મ અને તેના પ્રેક્ષકને કઇ રીતે વિચારો છો? અનિશ: ફિલ્મોની રીતે જ વિચારો તો ગુજરાતી સમાજ સાંસ્કૃતિક રીતે ઘણો પાછળ છે. આપણને આપણી ભાષા માટે ગૌરવ નથી. નવા પ્રકારની ફિલ્મો ૨૦૧૦-૧૨ થી બની રહી છે જે હવે ઓટીટી તરફ જઇ રહી છે. આપણે હિન્દી ફિલ્મોથી ય ઘણા નજીક છે તેનું ય નુકશાન છે.‘કેવી રીતે જઇશ’ રજૂ થવાની હતી ત્યારે અમે અર્બન સિનેમા જેવો શબ્દ પ્રયોજેલો કારણકે અત્યાર સુધીની ફિલ્મો અને તેના પ્રેક્ષકોથી જુદી ઓળખ એમને અપેક્ષિત હતી. રાજકોટ, અમદાવાદ, સુરત, ભાવનગર, મુંબઇ જેવા શહેરો કે જયાં મલ્ટીપ્લેકસનો પ્રેક્ષક છે તે અમારો ટાર્ગેટ હતો અને છે. વિક્રમ ઠાકોરની ફિલ્મ જોનારા અમારી ફિલ્મ પણ જુએ તો અમને ગમે પ્રેક્ષકોમાં ય જ્ઞાતિ – સમાજનો ભાવ આવ્યો છે. એ પણ એક ટ્રેન્ડ છે. અત્યારના નિર્માતાએ ઘણું વિચારવું પડે તેમ છે.

આપણો પ્રેક્ષક કેવી ફિલ્મો પસંદ કરે છે? અનિશ:આપણો પ્રેક્ષક મૂળભૂત રીતે નાટકોમાંથી આવ્યો છે. તેમને કોમેડી જોવાની અપેક્ષા છે. પિતા – પુત્ર સંબંધ, કૌટુંબિક લાગણીઓવાળા વિષયો તેમને ગમે છે. એ સિવાય કાંઇ કરો તો પ્રયોગ બની જાય છે. અત્યારનો ફિલ્મ દિગ્દર્શક ફિલ્મ સ્કૂલમાંથી ભણીને આવે છે એટલે તે પોતે તો ફિલ્મમેકિંગમાં નવી દૃષ્ટિ સાથે આગળ વધી ગયો છે પણ પ્રેક્ષક ત્યાંનો ત્યાં છે તો કરવું શું?

તો નિર્માતા તરીકે તમે શું કરો છો? અનિશ: અમે વિચારીએ કે ફિલ્મમાં રોકાયેલા નાણા કઇ કઇ રીતે પાછા આવે. નિર્માતાઓને મેરીટના આધારે સબસીડી મળે છે. આ ઉપરાંત ઓટીટી પર ફિલ્મ વેચી શકો છો અને થિયેટર રિલીઝ છે. આ ત્રણે પાસા વિચારો તો જ નિર્માણ શકય છે. હવે ફિલ્મમાં કોઇ રોકાણ કરે ને તમે ફિલ્મ બનાવો તેના કરતાં જાતે રોકો તો શરૂથી જ પૈસા પાછા કેમ નીકળશે તે વિચારી યોગ્ય કોમ્બિનેશન થઇ શકે. મારે જે પ્રકારની ફિલ્મ બનાવવી છે તે કઇ રીતે બનાવવી એ મારે જ વિચારવું જરૂરી છે. હું કથા – પટકથા લખવાથી દિગ્દર્શન નિર્માણના બધા પાસા સાથે એટલે જ જોડાયેલો છું. આજે ફિલ્મોમાં પૈસા રોકનારા તો મળે છે પણ તેમને ખબર નથી પૈસા રિકવર કઇ રીતે થશે એટલે બીજીવાર પૈસા રોકતા નથી.

વિક્રમ ઠાકોર, હિતેનકુમારનો એક પ્રેક્ષક વર્ગ છે. તમે પ્રતિક ગાંધી, આરોહી, ભામિની ઓઝા વગેરે સાથે ફિલ્મો બનાવો છો. શું વિક્રમ, હિતેનનો પ્રેક્ષક પણ મેળવવા તમે મિકસ કાસ્ટિંગ કરશો? અનિશ: હું એવું કાસ્ટિંગ વિચારતો જ નથી. કદાચ સાઉથમાં બને તેવી એકશન ફિલ્મો બનાવો તો બંને પ્રેક્ષક ભેગા કરી શકો. આપણા પ્રેક્ષકોમાન ભાગ છે જ અને અમે અર્બન ફિલ્મો જ બનાવવા માંગીએ છીએ જેનો પ્રેક્ષક નવો હોય. બેઉ પ્રેક્ષકને ભેગા કરવા જેવું નથી. ભલે વિક્રમ ઠાકોર, હિતેનકુમારના પ્રેક્ષકો એ ફિલ્મો જોતા. પ્રેક્ષકોનો આદર તો બધાએ કરવાનો હોય.

તમે ‘ધૂનકી’ પછી ‘આવર્તન’ બનાવો છો. કેવી છે એ ફિલ્મ? અનિશ: એ એક પર્સનલ ફિલ્મ છે. એક કપલની તેમાં વાત છે. ગુજરાતમાં જે મુદ્દા વિશે વાત થતી જ નથી તે મુદ્દા આ ફિલ્મમાં છે. હું પટકથા લખું છું પણ સેટ પર, લોકેશન પર હું ઘણા ફેરફાર કરું છું જેથી જે જગ્યા પર શૂટિંગ થતું હોય તેની ય ફિલીંગ્સ આવે.

ને તમે ‘પવઇ’ ના તો માત્ર નિર્માતા છો. અનિશ: હા, પણ નિર્માતા હોઉં ત્યારે ફિલ્મની પટકથાથી માંડી દિગ્દર્શન સહિતના કોઇપણ પાસામાં હું વચ્ચે નથી આવતો એ ફિલ્મને પ્રશંસા મળી રહી ચે તે મારો આનંદ!

તમે કડકમીઠી વેબસિરીઝ બનાવી તમે કેવા પ્રકારની કોમેડીમાં રસ ધરાવો છો? અનિશ: ઋષિકેશ મુખરજી, બાસુ ચેટરજી યા અત્યારના શુજીત સરકાર જે રીતે વિષયમાં હાસ્ય વણે છે એ મને ગમે છે. મને જાડી કોમેડીમાં રસ નથી. કડકમીઠીમાં મા-દિકરી સંબંધ છે. દિકરીએ મુંબઇ રહેવું પડે છે અને દૂર રહેવાથી મા-દીકરી વચ્ચે એક નવી મિત્રતા રચાય છે. અમે તેમની નાની નાની વાતમાંથી હાસ્ય સજર્યું છે.

ગુજરાતી ફિલ્મોનું સંગીત હવે બદલાઈ રહ્યું છે, તો તે વિશે શું વિચારો છો? અનિશ: ગુજરાતી ફિલ્મ સંગીત પર સુગમ સંગીત અને પછી સેમી કલાસિકલ અને લોકસંગીતનો ખૂબ પ્રભાવ હતો પણ હવે તે બદલાયું છે સચિન-જિગરના વાલમ આવોને થી આખો ટ્રેન્ડ બદલાયો છે. લવની ભવાઈના સંગીતને તેનો યશ આપવા જોઇએ. હેલ્લારોમાં ગુજરાતી એલીમેન્ટ હતા ગરબો હતો. આપણા જ સંગતીને રિક્રેએટ કરી નવી પેઢી સુધી જવું રસપ્રદ છે.

‘હેલ્લારો’ ફિલ્મ વિશે શું કહેશો? અનિશ: તેમાં ખુશ્બુ ગુજરાતની અનુભવાતી હતી. આવી ફિલ્મો 10-20 વર્ષે બનતી હોય છે અને કોઇ માટે કોઇ ફિલ્મ બેરોમિટર ન બનવી જોઈએ નહીંતર સિનેમા આગળ ન વધી શકે.

ગુજરાતીઓ પરદેશમાં ખૂબ વસે છે તો તેને સાંકળી શકાય એવી ફિલ્મ કેમ નથી બનતી? અનિશ: ત્યાંની નવી પેઢી ગુજરાત કે ગુજરાતી સાથે જોડાયેલી નથી ને જે આગલી પેઢી છે તેને જૂના મૂલ્યોવાળી ફિલ્મો જોવી છે. એવી ફિલ્મ કે જે તેમને તેમના મૂળ પાસે લઇ જાય. હકીકતે અત્યારે અમદાવાદમાં જેમ ખૂબ ફિલ્મ બને છે તેમ બીજા શહેરોમાંથી પણ ફિલ્મો બનતી થવી જોઈએ. બાકી, એન.આર.આઈ.ને રીઝવવા ફિલ્મો બનાવવાના પ્રશ્નો છે.

કાંતિલાલ રાઠોડ, કેતન મહેતા, મહેલુકુમાર વિપુલશાહ સહિતના દિગ્દર્શકોએ ગુજરાતી ફિલ્મોથી શરૂઆત કરી હિન્દીમાં ગયા. અત્યારે અભિષેક જૈન પણ હિન્દીમાં ફિલ્મ બનાવે છે તમે એવું કરશો? અનિશ: ગુજરાતીમાં પ્રેક્ષક વર્ગ નાનો છે એટલે જરૂર વિચાર આવે કે હિન્દી શા માટે ન બનાવવી? પણ ગુજરાતી ફિલ્મ હિન્દીમાં જવા માટેનું પગલુ નથી. તેને જુદી રીતે વિચારવી જોઈએ હું પણ એકાદ-બે વર્ષમાં હિન્દીમાં ફિલ્મ જરૂર વિચારીશ

Most Popular

To Top