Dakshin Gujarat

ધરમપુરાના દુલસાડ ગામે પાણીના ભારે વહેણને કારણે વાંકી નદીનો પૂલ જ ગાયબ થઈ ગયો

ધરમપુર: (Dharampur) દુલસાડ ગામે લોકસુવિધા માટે આશરે એક કરોડના માતબર ખર્ચે વાંકી નદી (River) પર ઉંચા પુલનું નિર્માણ કરાયું હતું. પરંતુ ગામના અસામાજિક તત્વોએ કોન્ટ્રાક્ટર અને લેબરોને મારમારી ભગાવી મુક્યા હતા. જેને લઈ 20 જેટલા દિવસો કામ બંધ રહ્યુ હતું. બાદ વરસાદ ખેંચાતા ફરી પાછુ પુલનું નિર્માણ કાર્ય પુરઝડપે ચાલ્યું હતું. પુલનું કામ પુર્ણ ન થતા સંબંધિત તંત્ર દ્વારા વાંકી નદીના પુલ પર એક નવ જેટલા નાળાઓ નાખી ડામર પાથરી દઈ લિપાપોતી કરી દેવાઈ હતી, પરંતુ વાંકી નદીમાં પ્રથમ વરસાદે બે કાંઠે વહેતા હંગામી પુલનું નામો નિશાન મિટાવી દીધું હતું.

સોમવારે સવારે મજૂરો ખેડૂતો અને નોકરિયાતોની અવર જ્વર ચાલુ હતી. ત્યારે જ પુલ પરથી પાણી વહેતાં રાહદારીઓ બંને કાંઠે થોભી ગયા અને એમની આંખોની સામે જ પુલ ગાયબ થઈ ગયો હતો. જોકે મોટી જાનહાની થતા ટળી ગઇ હતી. સંબંધીત તંત્રને ખબર હતી કે, ચોમાસા દરમિયાન પાણીની આવક ખુબ જ હોય છે છતાં નાની સાઈઝના નવ જેટલા નાળા નાંખી અક્કલનું પ્રદર્શન કરાયું હોવાની લોક ચર્ચાઓ ઉઠવા પામી છે. દુલસાડગામનો મુખ્ય માર્ગનો પુલ તૂટી જતા હવે ખેડૂતો અને દુધ ભરવા જતા પશુપાલકો, વિધાર્થીઓ અને નોકરિયાતોએ ચાર મહિના સુધી દસ કિમી જેટલો ચકરાવો ખાવો પડશે. એટલું જ નહીં ખેડૂતોને પણ નુકસાન થવા પામ્યું છે. નદીના બે કાંઠે પુલના પિલ્લરો ઉભા થઇ ગયા બાદ માટી પુરાણ ન થતા ખેડૂતોની આબા કલમો ધોવાઈ ગઈ છે.

ધરમપુરમાં મૂશળધાર વરસાદ પડતાં નદી-નાળા-તળાવો છલકાયા

ધરમપુર : ધરમપુર પંથકમાં માત્ર 8 કલાકમાં 5 ઇચથી વધુ વરસાદ પડતાં નજીકમાં વહેતી સ્વર્ગવાહિની નદીની ડેરીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. શિવાજી તળાવ પાણીથી છલોછલ થઈ ગયું છે. ભારે વરસાદને કારણે માન અને તાન નદીઓ બન્ને કાઠે વહેતી થઈ ગઈ છે. ધરમપુર તાલુકામાં રવિવારે મોડી રાતથી અતિ ભારે વરસાદ પડતાં સમગ્ર તાલુકાની નદી, નાળા, તળાવો પાણીથી છલકાઈ ગયા છે. હાથી ખાના વિસ્તારમાં આવેલું તળાવ પાણીથી છલકાય ગયું છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ધરમપુર તાલુકામાં ખેતી લાયક વરસાદ પડતાં ખેડૂતોમાં ઉતસાહનું મોજું ફરી વળ્યું હતું, ખેડૂતો ખેતરમાં વાવણી કરતાં જોવા મળ્યા હતા.

Most Popular

To Top