Dakshin Gujarat

જમીન વિહોણા ખેડૂતોએ ઔધોગિક તળાવ પર જઈને દહેજ ઇન્ડસ્ટ્રીઝની કંપનીઓમાં જતું પાણી બંધ કરતા ભારે વિવાદ

ભરૂચ: (Bharuch) ઔધોગિક (Industries) તળાવ માટે રહિયાદ ગ્રામજનો જમીન આપતા હોય તો તેમની રોજગારીનો પ્રશ્ન પણ ઉકેલાવો જોઈએ. જીઆઈડીસી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં એક પણ જમીન વિહોણાઓને રોજગારી આપવામાં આવી નથી. જે અંગે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. જીઆઈડીસીની (GIDC) વિરુદ્ધમાં ભારે સૂત્રોચ્ચાર સાથે 59 જમીન વિહોણા ખેડૂતોએ (Farmers) સામુહિક ધોરણે ઔધોગિક તળાવ (Lake) પર જઈને દહેજ ઇન્ડસ્ટ્રીઝની લગભગ બાર કંપનીમાં જતું પાણી (Water) બંધ કરતા ભારે સળવળાટ ઉભો થયો હતો. જમીન વિહોણા ખેડૂતોની રોજગારીનો પ્રશ્ન હલ નહીં થાય તો જાન આપવાની ચીમકી સાથે જીઆઈડીસીના પ્રબંધક મેનેજરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

ઔધોગિક વિકાસના હેતુ માટે વાગરાના રહિયાદ ગામે વર્ષ 2008માં તેઓની સંપૂર્ણ ખેતીલાયક જમીન જીઆઈડીસીને સંમતિ એવોર્ડથી સંપાદન કરવામાં આવી હતી. તે સમયે જીઆઈડીસીના અધિકૃત અધિકારો દ્વારા ટૂંક સમયમાં જમીન વિહોણા ખેડૂતોને કાયમી ધોરણે રોજગારી આપવાનું તેમજ ગામનો વિકાસ કરવાનું લેખિત વચનપત્ર વર્ષ 2008માં આપવામાં આવ્યું હતું. રહિયાદ ગામના જીઆઈડીસી તળાવમાંથી વર્ષોથી રિલાયન્સ, ઓપેલ અને જીએનએફસી સહિત લગભગ બાર કંપનીને પ્રોસેસ વોટર આપવામાં આવતું હતું. 41 મહિના થવા છતાં જીઆઈડીસીના અધિકારીઓ ખેડૂતોને હજુ પણ ગેરમાર્ગે દોરીને અલગ અલગ જવાબ આપવામાં આવતાં હતા. જમીન વિહોણા ખેડૂતોને હજુ રોજગારી ન મળતાં હક્ક માટે પત્ર વ્યવહાર તેમજ આઠ વખત જનઆંદોલન કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.

રહિયાદ ચોકડી પર જમીન વિહોણા ખેડૂતોના પ્રશ્ન માટે એક વર્ષ પહેલાં અહિંસક લડતનું મંડાણ કર્યુ હતું. આ બાબતે કોઈ પરિણામ ન મળતાં જમીન વિહોણા ખેડૂતોમાં બળબળતો આક્રોશ ઉભો થયો હતો. જીઆઈડીસી ઔધોગિક તળાવ ખાતે રોજગારીના હક્ક માટે જમીન વિહોણા ખેડૂતોએ જાતે જઈને ગેટ બંધ કરી દહેજની કંપનીમાં જતા પાણીના પંપ બંધ કરીને ધામા નાખતા ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. જમીન વિહોણા ખેડૂતોએ ભારે હૈયે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ‘લડત અમારા હક્ક માટેની છે. જ્યારે જમીન જોઈતી હતી ત્યારે રોજગારીના સુવર્ણ સ્વપ્નાઓ દેખાડ્યાં હતાં. જમીનનું કામ પૂરું થતાં જીઆઈડીસીના અધિકારીઓને કંઈ પડી નથી. આ પ્રશ્નનો હાલ નહીં થાય તો અમારા અધિકાર માટે જાન આપતા ખચકાઈશું નહીં.’ જમીન વિહોણા કુટુંબકબીલાઓએ એવી ચીમકી ઉચ્ચારી હતી.

Most Popular

To Top