Dakshin Gujarat

ધરમપુરમાં પત્નીએ પતિને પ્રેમીના ઘરે બોલાવ્યો અને પછી કુહાડી વડે ઠંડે કલેજે તેની હત્યા કરી નાંખી

વલસાડ, ધરમપુર: (Dharampur) ધરમપુરમાં પતિથી અલગ રહેતી ત્રણ સંતાનોની માતા એવી પત્નીએ (Wife) પતિ પાસે છૂટાછેડા માંગ્યા હતા. પતિએ છૂટાછેડા (Divorce) આપવાની ના પાડતાં પત્નીએ પતિને પ્રેમીના ઘરે બોલાવ્યો અને પછી કુહાડી વડે ઠંડે કલેજે તેની હત્યા કરી તેની લાશને સિમેન્ટની ગુણમાં પેક કરી તેને બીજા ગામમાં રસ્તા પાસે નાંખી આવી હતી. આ લાશ મળતાં આદિવાસી પંથકમાં ચકચાર મચી ગઇ હતી. જોકે, પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને પત્ની તેના પ્રેમી તેમજ તેના પ્રેમીના મિત્રને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધાં છે.

વલસાડ જિલ્લા પોલીસે ધરમપુર તામછડી હત્યા કેસ ઉકેલી કાઢ્યો છે. આ અંગે એક પત્રકાર પરિષદમાં વલસાડ એસપી રાજદિપસિંહ ઝાલાએ માહિતી આપતા જણાવ્યું કે, ધરમપુરના તામછડી ગામે ગત 28મીએ રોડની બાજુમાં સિમેન્ટના કોથળામાં બાંધેલી હાલતમાં એક લાશ મળી હતી. આ લાશ મુકેશ બુધિયાભાઇ પટેલ (ઉં.38 રહે. નાની વહિયાળ, ધરમપુર)ની હોવાની ઓળખ થઇ હતી. જેના આધારે પોલીસે તપાસ કરતાં તેની પત્ની દિવ્યાની (ઉં.30) છેલ્લા 3 વર્ષથી તેનાથી અલગ અને સંજય બિન્દાસભાઇ પંડિત (ઉં.25) નામના પ્રેમી સાથે રહેતી હતી. જેને લઇને પોલીસને તેમના પર જ શંકા ગઇ હતી.

જોકે, તેમણે આ ગુનો કર્યા હોવાનો નન્નો ભણતાં પોલીસે સઘન તપાસ કરી અને પુરાવા એકત્ર કરતાં મુકેશભાઇની હત્યા પત્ની દિવ્યાનીએ કરી હોવાનું બહાર આવ્યું હતું. દિવ્યાની તેની પાસેથી છૂટાછેડાની માંગ કરતી હતી, પરંતુ મુકેશ તેને છૂટાછેડા આપતો ન હતો. જેના પગલે દિવ્યાનીએ તેને પોતાના ઘરે બોલાવ્યો અને ખૂબ જ ઠંડા કલેજે કુહાડી મારી તેની હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ દિવ્યાનીએ તેના પ્રેમી સંજય અને સંજયના મિત્ર જયકુમાર રેવલુભાઇ ગાંવિત સાથે પતિની લાશને સિમેન્ટના પ્લાસ્ટીકના કોથળામાં ભરી દઇ તેને તામછડી ગામે રસ્તાની બાજુમાં નાંખી આવ્યા હતા. આ લાશ પોલીસને મળી અને પોલીસે તપાસ કરી હત્યારાને ઝડપી પાડ્યા છે.

દિવ્યાની પતિની લાશને સંજય સાથે એક્ટિવા પર લઇ ગઇ હતી
દિવ્યાનીએ પોતાના પતિ મુકેશનું ઢીમ ઢાળ્યા બાદ તેને સિમેન્ટના કોથળામાં મુકી દઇ કોથળાનું મોં બંધ કરી દીધું હતું. આ કોથળો તે એક્ટિવાની સીટ પર મુકી તેમજ આગળના ખાલી ભાગમાં મુકેશના લોહીવાળા ગાદલા મુકી સંજય સાથે બારોલિયા ગામથી તામછડી ગામ સુધી ગઇ હતી. રસ્તામાં તેણે જયકુમારને સાથે લીધો હતો. આ ત્રણેય વ્યક્તિઓએ લાશને તામછડી ગામે ફેંકી દીધી હતી અને ગાદલા પણ ફેંકી દીધા બાદ એક્ટિવા પર પરત થયા હતા.

લોહીવાળા કપડા દિવ્યાનીએ ચૂલ્હામાં સળગાવી દીધા
મુકેશની લાશને ઠેકાણે પાડવાના કામમાં જય કુમારના કપડા લોહીવાળા થઇ ગયા હતા. આ કપડા દિવ્યાનીએ ચૂલ્હામાં સળગાવી કાઢ્યા હતા. સમગ્ર હત્યાકાંડની માસ્ટર માઇન્ડ દિવ્યાનીએ આ હત્યાનો ખૂબ જ ચોક્કસ પ્લાન ઘડ્યો હતો અને પછી તેના પુરાવાનો નાશ કરવા પણ પ્રયત્નો કર્યા હતા. જેના કારણે તેની માનસિકતા છતી થઇ હતી.

દિવ્યાની ત્રણ પુત્રીઓની માતા, બેને પ્રેમીના ઘરે રાખતી હતી
પોતાના પતિને મોતને ઘાટ ઉતારનાર દિવ્યાની 3 પુત્રીઓની માતા છે. તેણી એક પુત્રીને પિતા પાસે મુકી ગઇ હતી. જ્યારે બે પુત્રીઓને પોતાની સાથે પ્રેમીના ઘરે લઇ ગઇ હતી. આ ઘટનામાં 3 પુત્રીઓના પિતાનું મોત નિપજ્યું છે. જ્યારે માતા અને સાવકા પિતા હત્યા કેસમાં જેલમાં ગયા છે. ત્યારે ત્રણેય પુત્રીઓએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

Most Popular

To Top