Dakshin Gujarat

વાપી સલવાવ હાઈવે ઓળંગતી વેળા પીકઅપ અડફેટે પિતા-પુત્રનાં મોત

વાપી: (Vapi) વાપી સલવાવ હાઈવે (Highway) પર બપોરના સમયે પીકઅપ વાહનની અડફેટે પિતા-પુત્રનું મોત નિપજયું હતું. અકસ્માતને લઈ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. અકસ્માતની (Accident) જાણ પોલીસને થતાં ટીમ આવી પહોંચી હતી અને ટ્રાફિક નિયંત્રણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  • વાપી સલવાવ હાઈવે ઓળંગતી વેળા પીકઅપ અડફેટે પિતા-પુત્રનાં મોત
  • મિસ્ત્રીકામ કરતો 37 વર્ષીય યુવક અને તેનો 12 વર્ષીય પુત્રનું ગંભીર ઈજાને પગલે ઘટનાસ્થળે જ મોત

મળતી વિગતો અનુસાર, વાપી સલવાવ હાઈવે પર ગુરૂવારના રોજ બપોરના સમયે પિતા-પુત્ર હાઈવે ઓળંગી રહ્યા હતા તે સમયે મુંબઈથી સુરત જતા લેન પર પીકઅપ વાહનની અડફેટે આવી ગયા હતાં. આ ગંભીર અકસ્માતમાં પિતા-પુત્રનાં સ્થળ પર જ મોત નિપજયા હતાં. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા ટીમ આવી પહોંચી હતી અને ટ્રાફિકને નિયંત્રણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં મોતને ભેટનાર રામસાગર મલહુમ ગૌતમ (ઉં.આ.37) અને પુત્ર અંકિત રામસાગર (ઉં.આ. 12) હોવાનું જાણવા મળ્યું હતું. રામસાગર મીસ્ત્રીનું કામ કરતા હતા અને તેઓ વાપી સલવાવમાં આવેલ ચાલીમાં રહેતા હતાં. લખાઈ રહ્યું છે ત્યાં સુધી વાપી ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી હતી.

ધરમપુરના માલનપાડામાં ટ્રક અડફેટે મોપેડચાલક મહિલાનું મોત
ધરમપુર: ધરમપુર માલનપાડા વિસ્તારમાં ટ્રક અડફેટે મોપેડ ચાલક મહિલા આવી જતાં તેના માથા પરથી ટ્રકનું ટાયર ફરી વળતાં કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. મહિલા દવા લેવા માટે આવી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ ધરમપુર પોલીસ મથકમાં કરવામાં આવી હતી.

ધરમપુર શહેરના માલનપાડા વિસ્તારમાં હોટલ નજીક ટ્રક નં. જીજે-16-9774 પસાર થઈ રહી હતી. ટ્રકચાલકે ઓવરટેકની લ્હાયમાં મોપેડને અડફેટે લીધી હતી. જે અકસ્માતમાં મોપેડ ચાલક મહિલાના માથા પરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજયું હતું. મોપેડ ચાલક મહિલાની સુમિત્રાબેન માહદુ ગવળી (ઉં.46, રહે. નાનાપાડા, તા.વઘઈ) તરીકે ઓળખ થઈ હતી અને તેઓ દવા લેવા માટે આવ્યા હતાં. જે બનાવ અંગેની ફરિયાદ નરેશભાઈ રમેશભાઈ ખિરારીએ ધરમપુર પોલીસ મથકે કરી હતી.

કલાકો સુધી કોઈએ મહિલાના મૃતદેહને ઊંચકવાની તસ્દી સુદ્ધાં લીધી નહીં
ટ્રક અડફેટે મોતને ભેટેલ મોપેડચાલક મહિલાનો મૃતદેહ કલાકો સુધી રસ્તા પર પડયો હતો અને કોઈએ પણ મૃતદેહને ઉંચકવાની તસ્દી સુદ્ધાં લીધી ન હતી. ધરમપુર નગરપાલિકાના કોંગ્રેસના માજી સભ્ય સુરેશ ગાયકવાડે તાત્કાલિક પોલીસ તથા 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. સુરેશે મહિલાના મૃતદેહને ઉંચકી સ્ટ્રેચર પર મૂકી હતી.

Most Popular

To Top