Dakshin Gujarat

ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત: બે વર્ષની બાળકી તેમજ તેના પિતા હવામાં ફંગોળાતા બાળકીનું કરુણ મોત

પલસાણા: પલસાણાના (Palsana) બગુમરામાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રનો ઇસમ તેની બે વર્ષની પુત્રી સાથે બાઇક (Bike) પર જઇ રહ્યો હતો. ત્યારે બગુમરા પાટિયા પાસેથી પસાર થતી વખતે પૂરઝડપે આવી રહેલા એક પિકઅપ ટેમ્પોએ (Tempo) બાઇકને અડફેટે લેતાં બાઇકસવાર બે વર્ષની પુત્રીનું મોત (Death) નીપજ્યું હતું.

પલસાણાના બગુમરા ગામે આવેલી સિદ્ધિ વિનાયક સોસાયટી રૂમ નં.૮૭માં ૨હેતા મહારાષ્ટ્રના પ્રમોદભાઇ યુવરાજભાઇ પાટીલ હીરા ઘસવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દરમિયાન ગત રવિવારે તેમને રજા હોવાથી બે વર્ષીય પુત્રી ડીનાને લઇ તેમની બાઇક નં.(જીજે ૦૫ કેએસ ૯૪૯૦) ૫૨ જોળવા પાટિયા પર ઓનલાઇન લાઇટ બિલ ભરવા ગયા હતા. જ્યાંથી પરત ફરતી વેળા બગુમરા પાટિયા પાસે આવતા જ બારડોલી તરફથી પૂરઝડપે અને ગફલત ભરી રીતે આવી રહેલા પિકઅપ ટેમ્પો નં.(જીજે ૧૯ વાય ૧૧૬૨)ના ચાલકે બાઇકને અડફેટે લેતાં ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અને બાઇકસવાર પિતા-પુત્રી બંને હવામાં ફંગોળાયાં હતાં. અને બે વર્ષીય પુત્રી પિકઅપના કાચ સાથે અથડાઇ જતાં પિતા-પુત્રી બંને ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. આ બનાવ બાદ અકસ્માત સર્જનાર ટેમ્પોચાલક વાહન લઇ નાસી છૂટ્યો હતો. ત્યારે રાહદારીઓ પિતા-પુત્રીને ૧૦૮ મારફતે બગુમરા ગામે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં બે વર્ષીય પુત્રી ડીનાનું મોત નીપજ્યું હતું. આ અંગે પિકઅપ ચાલક વિરુદ્ધ પલસાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

એરથાણમાં બાઇક પરથી નીચે પટકાતાં મહિલાનું મોત
પલસાણા: સુરત સ્થિત એક પરિવા૨ ગત રવિવારે તેમના સંબંધીને ત્યાં જવા નીકળ્યો હતો. ત્યારે પલસાણાના એરથાણથી પસાર થતી વખતે રોડ પરનો બમ્પર કૂદતાં બાઇક પર બેઠેલી મહિલા નીચે પટકાતાં તેનું મોત નીપજ્યું હતુંં.
મળતી માહિતી અનુસાર સુરત શહેરના કતારગામ વિસ્તારમાં પ્રભુનગર વિભાગ-૨ મકાન નં.૧૫માં રહેતા અનાભાઇ તળશીભાઇ ચૌહાણ (ઉં.વ.૪૮) હીરા ઘસવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દરમિયાન ગતરોજ અનાભાઇ તેમની પ્રથમ પત્નીના પુત્ર નિલેશભાઇ તથા તેમની બીજી પત્ની પદ્માબેન સાથે પોતાના બાઇક નં.(જીજે ૦૫ એલવી ૧૬૮૬) લઇ ત્રણ જણા પદ્માબેનના સંબંધીના ત્યાં મળવા માટે બુહારી જવા નીકળ્યાં હતાં. અને ત્રણ સવારી હોવાથી ગામડાંના આંતરિક રસ્તાઓ પરથી પસાર થઇ રહ્યાં હતાં, ત્યારે પલસાણાના એરથાણ ગામે પ્રાથમિક શાળા પાસેથી પસાર થતી વેળા બાઇકચાલક નિલેશે અચાનક બમ્પને કુદાવી દેતાં પદ્માબેન બાઇક પરથી નીચે પટકાયાં હતાં. પદ્માબેનના માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે પલસાણા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તરકાણી ખાતે અકસ્માતમાં બાઇકચાલકનું મોત
અનાવલ: મહુવાના અનાવલ-મહુવા સ્ટેટ હાઇવે પર તરકાણી ગામની સીમમાં બાઇકને ટ્રક સાથે ભટકાતાં સર્જાયેલા અકસ્માતમાં બાઇકને આગ લાગી હતી. તો બાઇકચાલકને ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મહુવાના વહેવલ ગામના દાજીડા ફળિયાના રહીશ રમેશ છગન પટેલ (ઉં.વ.૫૨) અનાવલ-મહુવા સ્ટેટ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા. એ દરમિયાન તરકાણી ગામની સીમમાં ટ્રક નં.(GJ5 V 1499) અને બાઇક ભટકાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઇકને આગ લાગી જતાં બળીને ખાખ થઈ ગઈ હતી. તો બાઇકચાલક રમેશભાઈ પટેલને ગંભીર ઇજા થતાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતથી ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ મહુવા પોલીસે ઘટના સ્થળે આવી કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top