Dakshin Gujarat

ડાંગ અને વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો, વરસાદ સાથે ઠંડક પ્રસરી

વલસાડ, સાપુતારા: (Valsad Saputara) રવિવારે બપોર બાદ ડાંગ અને વલસાડ સહિત સમગ્ર જિલ્લામાં કાળા ડિંબાગ જેવા વાદળો આકાશે મંડરાતા જગતના તાતના માથે ચિંતાની લકીરો ઉપસી આવી હતી. ડાંગમાં વાદળછાયું (Clouds) વાતાવરણ છવાઈ રહેતા સમગ્ર પંથકમાં શીત લ્હેર વ્યાપી જવા પામી હતી. જ્યારે વલસાડ જિલ્લામાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતાં આકાશે વાદળો છવાઈ ગયા હતા.

વલસાડ જિલ્લામાં દિવસ દરમિયાન ભારે ઉકળાટ સાથે લઘુત્તમ તાપમાન 18.5 અને મહત્તમ તાપમાન 36.5 રહેતો લોકોએ ગરમીનો અહેસાસ કર્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 64 ટકા રહેવા પામ્યુ હતું. બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતાં આકાશે વાદળો છવાઈ ગયા હતા. વરસાદની આશંકાએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો. જિલ્લાના અંતરિયાળ ધરમપુર અને કપરાડા તાલુકામાં કેટલાય ગામોમાં વરસાદ (Rain) વરસ્યો હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે.

ડાંગ જિલ્લામાં ઋતુચક્રનાં મૌસમનો મિજાજ વારે ઘડી બદલાઈ રહ્યો છે. જિલ્લામાં ક્યારેક હિટવેવની સાથે અસહ્ય ગરમી અને બફારો પણ જનજીવનને ત્રસ્ત કરી રહ્યો છે. તો ક્યારેક વાદળયુક્ત વાતાવરણ ઠંડકતાની તાજગી પણ બક્ષી રહ્યુ છે. ડાંગ જિલ્લામાં રવિવારે ગિરિમથક સાપુતારા, આહવા, સુબિર, વઘઇ તથા પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં બપોરબાદ એકાએક વાતાવરણનાં પલટા બાદ કાળાડિબાંગ વાદળોએ ઘેરાવો ભરતા સમગ્ર પંથકોમાં શીતલહેર વ્યાપી જવા પામી હતી. ડાંગ જિલ્લામાં રવિવારે વાદળછાયા વાતાવરણની વચ્ચે ગાજવીજ પણ થતા વાતાવરણ બેવડાયું હતું. રવિવારે ડાંગ જિલ્લામાં ચોમાસાની આગાહી વકી કરતુ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ડાંગ જિલ્લામાં વાદળછાયા વાતાવરણનાં પગલે શાકભાજી સહિત બાગાયતી પાકોને જંગી નુકસાનની ભીતિ વર્તાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ગિરિમથક સાપુતારા ખાતે પણ ધુમ્મસીયું અને વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા સુમસામ એવા જોવાલાયક સ્થળો આહલાદક બની જવા પામ્યા હતા.

નવસારીમાં મહત્તમ તાપમાન 5 ડિગ્રી જેટલું વધતા અસહ્ય ગરમી વર્તાઈ

નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં શનિવારે મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી નોંધાયું હતું. જોકે રવિવારે અચાનક તાપમાનમાં 5 ડિગ્રી જેટલો વધારો થયો હતો. જેથી રવિવારે મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું હતું. જયારે લઘુત્તમ તાપમાનમાં 1.4 ડિગ્રી વધતા 23.4 ડિગ્રી નોંધાયું હતું. રવિવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 93 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 24 ટકાએ રહ્યું હતું, જ્યારે પવનોએ દિશા બદલતા ઉત્તર-પૂર્વ દિશાએથી કલાકે 5.5 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાયા હતા.

Most Popular

To Top