Dakshin Gujarat

સંઘપ્રદેશ અને દમણને અડીને આવેલા વિસ્તારોમાં વલસાડ પોલીસે એવો બંદોબસ્ત ગોઠવ્યો કે..

વલસાડ: (Valsad) સંઘપ્રદેશ દાનહ અને દમણને (Daman) અડીને આવેલા સરહદી જિલ્લા વલસાડમાં 31મી ડિસેમ્બરે ઝૂમ બરાબર ઝૂમ શરાબીનો ટ્રેન્ડ અટકાવવા આ વર્ષે પણ પોલીસે (Police) અભિયાન યથાવત રાખ્યું હતુ. જો કે કેટલાક લોકોએ પોલીસને અવગણી દારૂનો નશો કરવા જતાં તેઓ ભેરવાઇ ગયા હતા. જેમાં પોલીસે 31 મી ડિસેમ્બરે સાંજ સુધીમાં દારૂના નશામાં ફરતા અને દારૂના નશામાં વાહન ચલાવતા મળી કુલ 200 થી વધુ કેસ કરી દીધા હતા.

  • પોલીસે 50 થી વધુ ડ્રીન્ક એન્ડ ડ્રાઇવના અને 150 થી વધુનો દારૂના નશાના કેસ કર્યા
  • દારૂડિયા પારડી પોલીસને ચકમો આપે તો રૂરલ પકડે, રૂરલને ચકમો આપે તો નનકવાડા પોલીસ પકડે
  • નનકવાડામાં ચકમો આપે તો હાઇવે પર રૂરલ અને ડુંગરી પોલીસ દારૂડિયાઓને પકડવા તૈનાત હતી
  • આવો જ બંદોબસ્ત વાપી, કપરાડા, સેલવાસ બોર્ડર અને ઉમરગામ ચેકપોસ્ટ પર હતો

વલસાડ જિલ્લા પોલીસે અનેક સરહદી વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતુ. જેમાં ખાસ કરીને વલસાડ પારડી પોલીસે પાતલિયા ચેક પોસ્ટ પર, રૂરલ પોલીસે કોસ્ટલ હાઇવે પર ભગોદ ખાતે પુલ પાસે, સિટી પોલીસે નાનકવડા 3 રસ્તા પર અને ડુંગરી પોલીસે હાઇવે પર ચેકિંગ હાથ ધર્યું હતુ. આ ચેકિંગમાં ચેક પોસ્ટ પર પારડી પોલીસને ચકમો આપે તો રૂરલ પોલીસ પકડે, રૂરલ પોલીસને ચકમો આપે તો નનકવાડા 3 રસ્તા પર સિટી પોલીસ પકડે અને તેને ચકમો આપે તો હાઇવે પર રૂરલ અને ડુંગરી પોલીસની ટીમ દારૂડિયાઓને પકડવા તૈનાત હતી. આવો જ બંદોબસ્ત વાપીમાં અને કપરાડમાં સેલવાસ બોર્ડરને લાગુ રાખવામાં આવ્યો હતો. ઉમરગામ પોલીસ પણ આ જ રીતે તમામ ચેકપોસ્ટ પર તૈનાત હતા. પોલીસના આ સાત કોઠાના બંદોબસ્તમાં 150 થી વધુ પિયક્કડો પકડાઇ ગયા હતા. આ સિવાય 50થી વધુ લોકો દારૂના નશામાં વાહન ચલાવતા પકડાઇ ગયા હતા. જેમની સામે પોલીસે કેસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ વર્ષે પોલીસની મુશ્કેલી પણ થોડી ઘટી
જોકે, દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસના લોખંડી બંદોબસ્તના મીડિયાના અહેવાલના કારણે હવે અનેક લોકો 31મી ડિસેમ્બરે દારૂનો નશો કરતા અટક્યા હતા. જેના કારણે આ વર્ષે પોલીસની મુશ્કેલી પણ થોડી ઘટી હતી. મીડિયા અને સોશિલ મીડિયા પર પોલીસની ચેતવણી તેમજ પાછલા વર્ષોના અનુભવને લઇ હવે જિલ્લાના મહત્તમ લોકો દારૂનો નશો કરતા બચ્યા હતા. જેમાં ખાસ કરીને બે દિવસ દારૂના નશાથી બચવાની વાત શરાબ રસિયાઓમાં પણ જોર શોરથી ચાલી હતી.

Most Popular

To Top