Columns

કેન્સર સામે લડવામાં સાઇરસની સિરમ ઇન્સ્ટિટયુટનું નાનું પણ મહત્ત્વનું યોગદાનવેક્સિન ડેવલપ કરી

શરીરના કોષોના વધવા, ઘટવા અને વિકૃત થવા પરની શરીરની ડીએનએ વ્યવસ્થાનો કાબુ ન રહે ત્યારે અમુક કોષ વિકૃત બને છે. અમુકની સંખ્યા મર્યાદા વળોટીને વધવા માંડે. અમુક બગડેલો કોષ કે કોષો શરીરમાં આપોઆપ ખતમ થઇ જવા જોઇએ ત્યારે થતા નથી. તેઓ એક જગ્યાએ નાનકડી ગાંઠના રૂપમાં સ્થિર થાય અને પછી તેનું કદ વધતું જાય. આ ગાંઠ કેન્સર બને છે. મોટા ભાગના કિસ્સામાં શરીરમાં તેની હાજરીની મોડી મોડી જાણ થાય અથવા નિદાન થાય ત્યારે એ કેન્સર ત્રીજા કે ચોથા સ્ટેજમાં પ્રવેશી ચૂકયું હોય છે અને તેને મટાડવાનું અશકય બની જાય. પ્રારંભના અમુક સ્ટેજમાં તેને કિમોથેરપીની સારવારથી મટાડી શકાય છે.

બધા કેન્સર એક સરખા હોતા નથી. તેના 100થી વધુ પ્રકારો છે અને તે થવા માટેના અલગ અલગ કારણો હોય છે. ઘણી વખત એક કરતા વધુ કારણો, મલ્ટીપલ પરિબળો એકઠા થાય તો પણ કેન્સરને લાગુ પડવાનું આસાન બની જાય છે. જગત અને વિકસિત દેશોએ કેન્સરની સારવારની સચોટ શોધ માટે અબજોના અબજો ડોલર વાપર્યા છે. દાયકાઓ સુધી લાખો વિજ્ઞાનીઓએ તેના પર જીવનભર સંશોધનો કર્યા છે. કેન્સરના પ્રકાર પ્રમાણે અલગ અલગ રાહતો મળી છે પણ કેન્સરનો સચોટ ઇલાજ હજી સુધી મળ્યો નથી. અર્થ એ કે આ ન સમજાય એટલી જટિલ બીમારી છે.

પ્રસિધ્ધ હોલીવૂડ અભિનેત્રી એન્જેલીના જોલીએ સાવધાની વરતીને પોતાને કેન્સર ન હોવા છતાં પોતાના બંને સ્તન માસ્ટેકટોમી પ્રોસીજર અથવા સર્જરી વડે દૂર કરાવ્યા. સ્તન એ તો સ્ત્રીત્વ અને માતૃત્વની પ્રથમ ઓળખ. એક સ્વરૂપવાન અભિનેત્રીએ દિલ પર પથ્થર રાખીને ‘ન રહે વાંસ, ન બજે બાંસુરી’ પ્રકારનો આ નિર્ણય લેવો પડયો હશે, પણ એના કુટુંબના લોકોના શરીરમાં એવા ખાસ પ્રકારના જીન્સ છે જેમાં 85 (પંચ્યાસી) ટકા સ્ત્રીઓને સ્તનનું કેન્સર થાય જ છે. એવું જરૂરી નથી કે એન્જેલિનાને સ્તન કેન્સર થયું જ હોત. પરંતુ નહીં થવા માટેની શકયતા માત્ર પંદર ટકા જ હતી. એ પ્રક્રિયા ખર્ચાળ છે. સ્તન દૂર કર્યા પછી છાતીને ઠીકઠાક સ્વરૂપ આપવું પડે. પરંતુ રૂપ કરતા જીવ વધુ મહત્વનો છે.

જે કેન્સર શરીરમાંની ગ્રંથિઓ અને અવયવો તેમજ ત્વચાને લાગુ પડે તે કાર્સિનોમટ તરીકે ઓળખાય. સ્તન, ફેફસા, પેનક્રિઆસ વગેરેને લાગુ પડે છે અને તે સૌથી વધુ કોમન છે. સ્નાયુ,ચરબી,હાડકાં,લોહીની નળીઓ, કાર્ટિલેજ વગેરેમાં થાય તે સારકોમા કેન્સર. ત્વચાને લગતું કેન્સર મેલાનોમા અને શરીરનાં સફેદ રકતકણોને જે કેન્સર લાગુ પડે તે લિમ્ફોમા તરીકે ઓળખાય છે. તે લોહીના કેન્સર અથવા લ્યુકેમિયા તરીકે પણ ઓળખાય. કેન્સરના સેલ જયારે મોટા થવા માંડે છે અને કોઇ ગ્રંથિ કે આંતરિક અંગ પર ગાંઠના રૂપમાં વિકસે છે ત્યારે તે જે તે અવયવ કે ગ્રંથિના કામને અવરોધવા માંડે છે. કોષો ખરાબ થવાને કારણે શરીરને માટે જરૂરી પ્રાણવાયુ ઓછી માત્રામાં મળવાનું શરૂ થાય છે. શરીર ક્ષીણ બનતું ચાલે. શરીરમાંનો કચરો વધી જાય. હૃદય અને કીડનીમાં પણ કેન્સર થાય. મગજમાં થાય. આવા મહત્વના અંગો પર કેન્સર કબજો જમાવે તો મૃત્યુ અનિવાર્ય બને છે. અમુક સારવારોથી દૂર ઠેલી શકાય છે પણ રોકી શકાતું નથી.

અબજોના અબજો ડોલર, લાખો વિજ્ઞાનીઓની દાયકાઓની સાધના બાદ કેન્સર નેસ્તનાબૂદ થયું નથી પરંતુ અમુક નિદાનો, સારવારો વગેરે ઉપલબ્ધ થયા છે. કેન્સર કયા અંગમાં અને કયા સ્ટેજ પર પહોંચ્યું છે તેના પર સારવારની અસરનો આધાર રહે છે. અમુક તબક્કા અને કિસ્સામાં સંપૂર્ણ સારવાર શકય બની છે. એટલે જગતના એ પ્રયત્નો એળે ગયા નથી. હજી નવી શોધો, નવી ટેકનોલોજીઓ વિકસાવવામાં જુનું કામ જ પાયારૂપ બનશે અને શકય છે કે એક દિવસ તમામ લોકો કેન્સરથી સાજા થશે.

આજે 75 વરસ બાદ ભારતમાં અમુક આંકડા ચોક્સાઇપૂર્વકના હોતા નથી. કેટલાક અઠ્ઠેગઠ્ઠે હોય. ગામમાં લોકો, ખાસ કરીને મોટી ઉંમરના લોકો સારવાર લીધા વગર જ મરણ પામે. એ બધા રેકર્ડમાં આવતા નથી. છતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં રજૂ કરેલી સ્થિતિ મુજબ વરસ 2018 થી 2020 સુધીના ત્રણ વરસ દરમિયાન દેશમાં કેન્સરના કુલ 40 લાખ કેસ નોંધાયા હતા અને તેમાંના 22 લાખ 54 હજારનાં મરણ થયા હતા. આશરે 60 ટકા કેન્સરગ્રસ્ત દર્દીના મૃત્યુ થયા ગણાય. વરસના લગભગ 13 લાખથી વધુ દર્દીઓ નોંધાય છે અને સરેરાશ સાડા 7 લાખની આસપાસ મરણ પામે છે.

સરકાર આયુષ્યમાન ભારત યોજના હેઠળ દર્દીઓને મફત સારવારની વ્યવસ્થા કરી આપે છે. પરંતુ સરકાર નકલી રાસાયણિક દૂધના ઉત્પાદનો અટકાવે, રસાયણોથી સંક્રમિત ફળ શાકભાજી વેચનારાને પકડે અને દૂધાળા પશુઓ, મરઘાઓ વગેરેને અપાતા સ્ટેરોઇડ્સ તેમજ ઓકિસ્પરોસીન ઇન્જેકશનોના વપરાશ પર લગામ મૂકે. પેસ્ટીસાઈડનો વપરાશ પ્રતિબંધિત કરે. આ બાબતમાં સરકારના બદન પરથી માખી ઊડતી નથી. મોટાભાગની રેસ્ટોરાંમાં જોખમી રંગ રસાયણો વપરાતાં હોય છે છતાં લોકોને ત્યાં જવામાં આનંદ આવે છે. ‘ડરી ડરીને જીવવાનું નહીં’ એવી શેખી મારતા રહે. મોઢાનું કેન્સર ડિટેકટ થાય ત્યારે પસીના અને ઝાડાની સાથે સિગારેટ અને તમ્બાકુ પણ છૂટી જાય.

ખેર! જગતમાં દર વરસે એક કરોડથી વધુ લોકો કેન્સરથી મરણ પામે છે. છ મરણમાં એકનું મરણ કેન્સરને કારણે થાય છે. ભારતમાં વર્ષ 2026 સુધીમાં વરસે 70 લાખ લોકો કેન્સરથી મરશે. આ જોતા ભારત સરકારે સંસદમાં આપેલા આંકડા અને આ રજીસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાની ગણતરીના આધારે મળેલા આંકડાઓનો મેળ જામતો નથી. માત્ર છ વરસમાં કેન્સરથી મરનારાઓનું પ્રમાણ બમણું થઇ જવાનું? એ સમય આવતા 38 લાખ પુરુષો અને 32 લાખ મહીલાઓ કેન્સરથી મરણ પામશે. આ તફાવત એટલા માટે હોઇ શકે કે સ્ત્રીઓ તમ્બાકુ અને આલ્કોહોલનું સેવન કરતી નથી. જુજ અપવાદો સિવાય. તેથી તેઓને લીવર અને મોંના કેન્સર થતાં નથી. ભારતમાં પુરુષો ફેફસાં,અન્નનળી, પેટ, મોં અને પ્રોસ્ટેટના કેન્સરથી વધુ સંખ્યામાં મરે છે. સ્ત્રીઓ સ્તન, અંડાશય, ગર્ભાશય (સર્વાઇકલ) વગેરે કેન્સરથી વધુ મરે.

ભારત સરકારે છેક 1982થી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ઉપક્રમે નેશનલ કેન્સર રજીસ્ટ્રી પ્રોગ્રામ (NCRP) શરૂ કર્યો છે. હવે તેની ડેટા કલેકશન સિસ્ટમ અદ્યતન બનશે ત્યારે કેન્સરને લગતી વિગતો વધુ વાસ્તવિક અને આધારભૂત બનશે. આગળ લખ્યું તેમ કેન્સર પેદા કરે તેવા ઘણાં કારણો છે. વારંવાર વપરાયેલું અથવા ખોરું ખાદ્યતેલ પણ કેન્સરને આમંત્રણ આપે છે. વધુ પડતો તડકો અને રેડીએશન કેન્સરકારક નીવડી શકે. જેનાથી કેન્સર લાગવાની શકયતા રહે ને તેમાં ઉંમરનો પ્રભાવ પણ ભળે. મોટાભાગના કેન્સર દરદીઓની ઉંમર 65 વરસથી ઉપરની હોય છે.

બાળકો, કિશોરોને અને યુવાનોને લાગુ પડે પણ તેનું પ્રમાણ ઓછું. શરાબ, તંબાકુનું વધુ પડતું સેવન, સ્થૂળતા અને અસલામત જાતીય સમાગમ કેન્સરને લાવે છે. આમાંની કેટલીક આદતો બદલવાનું આસાન છે પણ હૃદયરોગ અને કેન્સરની બાબતમાં મોટાભાગના લોકો આંધળો આત્મવિશ્વાસ ધરાવતા હોય છે કે, ‘તે બીજાને થાય, પણ મને નહીં થાય’. આ ખોટા આત્મવિશ્વાસથી તેઓ આદતો બદલતા નથી. આંતરડામાં સતત અલ્સરેટિવ કોલાઈટિસની બિમારી કેન્સરની શકયતા વધારે છે. બહેતર છે કે નિષ્ણાત તબીબને મળી ઇલાજ કરાવવો. આ વારંવાર વકરતી બિમારી છે તેથી જરૂરી પરેજી પાળવી આવશ્યક.

પ્રદૂષણ, પર્યાવરણ, રાસાયણિક બાહુલતા સાથેનાં પરિસર (વિસ્તાર), પેસિવ સ્મોકિંગ (બીજાના ધુમ્રપાનનો ધૂમાડો આપણા ફેફસામાં જવો) જેમાં ભારતમાં પત્નીઓ બેડરૂમમાં પતિના ધુમ્રપાનનો સહન કરે છે ને, બેઠાડું જીવન,આયોગ્ય ખોરાક, કામના સ્થળે બેન્ઝીન, એસ્પેસ્ટોસ જેવાં પદાર્થોની મોટી હાજરી હોય અથવા તેનું જ કામકાજ હોય, અમુક ઝેરી વાયુઓની વચ્ચે કામ કરવાનું હોય તે દરેક સ્થિતિ કેન્સરની કારક બની શકે છે. આવાં કારણો અને જિનેટિક કંડીશનને કારણે થતાં કેન્સરો ચેપી કેન્સરો છે.અર્થાત ફિઝિકલ કાર્સીનોજીન્સને કારણે પેદા થતાં કેન્સરો છે.આ પ્રકારના કારણોથી પેદા થતું કેન્સર બીજી વ્યક્તિને સંસર્ગમાં રહેવા છતાં લાગુ પડતું નથી.

વાસ્તવમાં કોઇપણ કેન્સર સંસર્ગજન્ય નથી. છતાં એક કેન્સર એવું છે જેનો કારક વાઈરસ છે અને એ વાઈરસનું સંક્રમણ એક વ્યક્તિના દ્વારા વડે બીજી વ્યક્તિને લાગુ પડે છે. જરૂરી નથી કે એ વાઈરસફેલાવનાર કે મેળવનાર વ્યક્તિને કેન્સર હોય. ફેલાવનારને કેન્સર ન થાય તો પણ મેળવનારને થઇ શકે છે. બીજા કેટલાક કોનિક ચેપ કેન્સરકાર બને છે. જેમાં કે હેલિકોબેકટર પીલોરી, હયુમન પેપિલીમા વાયરસ (HPV)હિપેટાઇટીસ બી અને હિપેટાઇટીસ સી વાયરસ તેમજ એપસ્ટીન- બાર વાયરસ કેન્સર માટેનાં સ્પ્રિંગબોર્ડ બની શકે છે. અમુક પ્રકારના HVP તેમજ હિપેટાઇટીસ બી અને સી વાયરસોને કારણે સર્વાઇકલ અને લિવરનાં કેન્સરો થઇ શકે છે.

તે વાયરસો થકી આ કેન્સર થવાનું જોખમ છ ગણું વધી જાય છે. 2018નાં વર્ષમાં જગતમાં કેન્સરના જેટલા નવા દરદી નોંધાયા તેમાંના તેર ટકાને આ પ્રકારના વાયરસોએ કેન્સર આપ્યું હતું. વાયરસો કેન્સર પેદા કરવા માટે સીધી રીતે જવાબદાર નથી પરંતુ તેનો ચેપ લાગે પછી કેન્સર થવાનું જોખમ, આગળ લખ્યું તેમ છ ગણું વધી જાય. એઇડ્સ અથવા HIV વાયરસને કારણે સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના દ્વારનું કેન્સર)નું પણ છ ગણું વધે છે. આ ઉપરાંત કાપોસી સારકોમાં પ્રકારનું કેન્સર HIV વાયરસથી થઇ શકે છે. કેન્સર અમુક તબક્કામાં પહોંચ્યા પછી તેને મટાડવાનો કોઇ સચોટ ઇલાજ હજી શોધાયો નથી. પરંતુ અમુક સાવચેતીઓ અપનાવવાથી, અમુક કદમો વહેલાસર ભરવાથી, જીવનશૈલી વગેરેમાં ફેરફાર કરવાથી 30થી 50 ટકા જેટલાં કેન્સરો થતાં અટકાવી શકાય છે અને અમુક મટાડી પણ શકાય છે અને અમુક મટાડી પણ શકાય છે.

અમુક કેન્સરો એવાં છે જેનું સમય રહેતા નિદાન થાય અને યોગ્ય સારવાર લેવાય તો તદ્દન મટી શકે છે. કેન્સર થવાં માટેનાં કેટલાંક કારણો આપણે આગળ જોઇ ગયાં જેમ કે તમ્બાકુ, આલ્કોહોલથી દૂર રહો, શરીરનું યોગ્ય વજન જાળવો. ફળો, શાકભાજીઓનો તંદુરસ્ત આહાર લો, HPV અને હિપેટાઇટીસ બી વગેરે સામે રસી લેવી જરૂરી હોય, ડોકટર કહે તો તે જરૂર લેવી, અતિશય તડકાથી દૂર રહેવું ત્વચાને તામ્રવર્ણી બનાવવાની ફેશનથી દૂર રહેવું, તબીબોને ત્યાં અલ્ટ્રાવાયોલેટ રેડીએશન ઘૂસાડતા કિરણોનાં સાધનોનો અનિવાર્ય હોય તો જ ઉપયોગ કરવો, આ સિવાયના ધંધા સાથે જોડાયેલાં રેડીએશનો ટાળવા (જેમ કે એકસ-રે મિકેનિક, એરપોર્ટ પર સલામતી માટેનાં સ્કેનિંગ મશીનોના ઓપરેટર) વગેરે રક્ષણાત્મક અથવા પ્રિવેન્ટિવ ઉપાયોગ ઘણી શકાય.

હવે આમાં જે હ્યુમન પેપિલોમા વાયરસનું સંકમણ ટાળવા માટે જે રસી (વેકસિન) લેવાનો મહત્વનો ઉપાય દર્શાવાયો છે, તે ક્ષેત્રમાં ભારતે હમણાં નોંધપાત્રપ્રગતિ કરી છે. કોરોના વેકિસનના ઉત્પાદન દ્વારા જગતમાં જાણીતા બનેલા સાઈરસ અને સદર પુનાવાલીની સિરમ ઇન્સ્ટિટયુટ દ્વારા હમણાં એક રસી અથવા વેકસીન ઘર આંગણે ડેવલપ કરવામાં આવી છે. તેના અમુક ડોઝ લેવાથી પેપિલોમા વાયરસનો ખતરો દૂર થાય છે. ભારતની આ સિદ્ધિ અને હ્યુમન પેપિલોમા વાઈરસ વિષે ભવિષ્યમાં ચર્ચા કરીશું.

Most Popular

To Top